
ભારત ઘણા બધા અવકાશ કાર્યક્રમો પર કામ કરી રહ્યું છે. જેમાં ભારતની મુખ્ય અવકાશ એજન્સી ઈસરો મુખ્ય ભાગ ભજવે છે. ભારતના આ અવકાશ કાર્યક્રમોની પ્રશંસા હવે વિદેશમાં પણ થવા લાગી છે. હાલમાં અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સએ ભારતના અવકાશ કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. NYTએ જણાવ્યું હતું કે, ભારત હાલમાં લગભગ 140 સ્ટાર્ટઅપનું હબ છે. ટૂંક સમયમાં ભારતએ ચીન સાથે બરાબરી કરી લેશે.
રોકેટને સાઈકલ પર તૈયાર કરાયું
NYTએ કહ્યું કે, જ્યારે ભારતે 1963માં પ્રથમ વખત રોકેટ લોન્ચ કર્યું ત્યારે ભારત વિશ્વનો સૌથી પછાત અને ગરીબ દેશ હતો. રોકેટને સાયકલ પર લોન્ચ પેડ સુધી લઈ જવામાં આવ્યું હતું. પરંતુ આજે ભારતે અવકાશ કાર્યક્રમોમાં ઘણી તાકાત હાંસલ કરી લીધી છે. ધ સરપ્રાઈઝિંગ સ્ટ્રાઈવર ઈન ધ વર્લ્ડસ સ્પેસ બિઝનેસ નામના લેખમાં અખબારે જણાવ્યું હતું કે, ભારત ઓછામાં ઓછા 140 રજિસ્ટર્ડ સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપનું હબ છે.
રશિયાનો સ્પેસ પ્રોગ્રામ અટકી ગયો
ભારતને સ્પેસ પાવર તરીકે સંબોધતા, NYTએ કહ્યું કે PM મોદી અને બિડેનની બેઠકમાં અવકાશના તમામ ક્ષેત્રો સુધી પહોંચવા માટે સહયોગની પણ ચર્ચા થઈ હતી. અમેરિકાનું માનવું છે કે, ભારત ટૂંક સમયમાં સ્પેસ પ્રોગ્રામમાં ચીનને ટક્કર આપી શકે છે. રશિયા અને ચીને ઓછા ખર્ચે રોકેટ લોન્ચ કરવાની ઓફર કરી હતી. પરંતુ યુક્રેન યુદ્ધના કારણે રશિયાનો સ્પેસ પ્રોગ્રામ અટકી ગયો. તેનાથી યુકેના વનવેબને US$230 મિલિયનનું નુકસાન પણ થયું. આ પછી વનવેબને ઈસરોને મોકલવામાં આવ્યું હતું.
આ બે કંપનીઓનું ભારતના સ્પેસ બિઝનેસમાં આઠ ટકાનું યોગદાન
NYTએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્ર માટે તમામ પ્રકારના ખાનગી સાહસો ખોલવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સે નવા રોકાણમાં US$120 મિલિયન એકત્ર કર્યા હતા. રિપોર્ટમાં હૈદરાબાદ સ્થિત સ્કાય રૂટ અને ધ્રુવ સ્પેસનો પણ ઉલ્લેખ છે. બંને કંપનીઓ મળીને ભારતના સ્પેસ બિઝનેસમાં આઠ ટકા યોગદાન આપે છે.
સ્પેસએક્સની સરખામણીમાં સ્કાય રૂટ
સ્કાય રૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદનાએ જણાવ્યું હતું કે, “અમે એક કેબ જેવા છીએ, જે નાના પેલોડ માટે વધુ ચાર્જ લે છે. જ્યારે, એલોન મસ્કનું સ્પેસ એક્સ ટ્રેન અથવા બસનું કામ કરે છે. તેઓ તેમના તમામ મુસાફરોને ઉપાડીને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pTmX029
0 Comments