બેંગ્લોર,30 જુલાઇ,2022,શનિવાર 

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ સમાનવ અંતરિક્ષ પર જવા મહત્વકાંક્ષી ગગનયાન પ્રોજેકટ તૈયાર કર્યો છે. ઇસરોના ગગનયાન પ્રોજેકટના એક મોડેલ લોગોનું બેંગ્લોર ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં એસ્ટ્રોનટ અંતરિક્ષમાં કેવી રીતે ટોયલેટનો ઉપયોગ કરશે તે પણ દર્શાવાયું હતું. 

ઇસરોનું ગગનયાન આવતા વર્ષે પૃથ્વીની ચારે તરફ ભ્રમણ કરે તે રીતે 3 દિવસ માટે છોડવામાં આવશે. ગગનયાનમાં યાત્રા કરનારા 3 ભારતીય વાયુ સૈનિકોની એસ્ટ્રોનોટ ટ્રેનિંગ બેંગ્લુરના હ્વયૂમન સ્પેસ ફલાઇટ સેન્ટરમાં તાલીમ ચાલે છે. ગગનયાનમાં 3 દિવસ એસ્ટ્રોનોટસ અંતરિક્ષમાં રહેશે ત્યારે તેમના ખાવા પીવાથી માંડીને નિત્યક્રમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


આ પ્રદર્શનમાં એસ્ટ્રોનોટસનું ટોયલેટ સૌથી ધ્યાન ખેંચનારું રહયું હતું. ગગનયાનનું ટોયલેટ નાસાના સ્પેસ સ્ટેશનના ટોયલેટ કરતા જરાં પણ ઉતરતું નથી.  ઇસરોએ આ ટોયલેટને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એવું નામ આપ્યું છે. ગગનયાનનું ટોયલેટ સામાન્ય ટોયલેટ કરતા કેટલું જુદુ પડે છે તે જાણવું પણ એટલું જરુરી છે. અંતરિક્ષમાં પોટી કે સૂસૂ કરવું સરળ નથી. સ્પેસમાં ગ્રેવિટી ના હોવાથી તમામ વસ્તુઓ તરવા લાગે છે. એવી જ રીતે મળ-મુત્રનું પણ આમ  જ થાય છે. શરીરમાં ફોર્સ સાથે મળ નિકળે ત્યારે બોડી પણ વેકયૂમમાં ઉપરની તરફ ઉડી શકે છે.

આથી ટોયલેટની સીટની આજુબાજુ રીસ્ટ્રેન્સ લગાવેલા છે. ટોયલેટની બાજુમાં એક સકશન ટયૂબ લગાવેલી છે જેની ઉપર એક કોણ જેવો આકાર છે જે યુરિન માટે છે. એક સફેદ રંગની સીટમાં એક હોલ છે જે પોટી માટે છે.  યુરિન અને મળ કયાં જશે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગગનયાન ટોયલેટમાં પેશાબ માટે 10 લિટર અને મળ માટે 15 લીટરની ટાંકી છે જેમાં સ્ટોર થશે. ટોયલેટમાં એવી સિસ્ટમ છે જેમાં યૂરિનની વાસ અને મળમાંથી પાણી કાઢીને સુકવીને તેને સ્ટોર કરશે. 

 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Ldbi4hI