- ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય પાસે આ પ્રકારનો કોઈ જ પ્રસ્તાવ વિચારણામાં નથી

નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવાર

મોદી સરકાર દેશમાં સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે તથા ચાઈનીઝ કંપનીઓને સકંજામાં લેવા માટે દેશમાં 12,000થી ઓછી કિંમતના સસ્તા ચાઈનીઝ સ્માર્ટફોન્સ પર પ્રતિબંધ મુકી શકે છે તેવા અહેવાલો વચ્ચે એક મહત્વની સ્પષ્ટતા સામે આવી છે. 

એક વરિષ્ઠ સરકારી અધિકારીના કહેવા પ્રમાણે સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીઓને પ્રતિબંધિત કરવા માટેની કોઈ જ યોજના નથી. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય પાસે આ પ્રકારનો કોઈ જ પ્રસ્તાવ વિચારણામાં નથી. 

ઉલ્લેખનીય છે કે, મેક ઈન ઈન્ડિયાના નામે અનેક પ્રકારની લ્હાણી અને છૂટ મળતી હોવા છતાં પણ ભારતીય દેશી કંપનીઓ સ્થાનિક સ્માર્ટફોન માર્કેટ પર કબ્જો નથી જમાવી શકી. ચાઈનીઝ કંપનીઓ તરફથી મળતી તીવ્ર સ્પર્ધાને કારણે અનેક ભારતીય કંપનીઓને અસ્તિત્વ ટકાવવું ભારે પડી રહ્યું છે. 

ચાઈનીઝ કંપનીઓનું પ્રભુત્વ

માર્કેટ ટ્રેકર કાઉન્ટરપોઇન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર જૂન 2022 સુધીના ત્રિમાસિક ગાળામાં 150 ડોલરથી ઓછી કિંમતના સ્માર્ટફોને ભારતના કુલ સ્માર્ટફોન માર્કેટના વેચાણ વોલ્યુમમાં ત્રીજા ભાગનો ફાળો આપ્યો હતો અને તેમાં ચીનની કંપનીઓનો હિસ્સો 80% જેટલો હતો. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Fh53EVG