-IIT ગુવાહાટીના વૈજ્ઞાનિકોએ એવું બાયોડિગ્રેડેબલ કોટિંગ વિકસાવ્યું

નવી દિલ્હી,તા.1 સપ્ટેમ્બર 2022, ગુરુવાર

ફળો અને શાકભાજી નાશવંત વસ્તુઓ છે. આજે આપણે મહિના કે એકાદ વર્ષ જુના બટાટા ખાઈ શકીએ છીએ કારણકે હવે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા થઈ શકી છે. જોકે લીલા શાકભાજી અને અમુક ફળો હજી પણ ટૂંક સમય માટે જ આહાર માટે યોગ્ય રહે છે.

ફળો અને શાકભાજીની ઓછી આવરદાના કારણે ખેડૂતોને વારંવાર નુકશાની વેઠવી પડે છે પરંતુ હવે એવી ટેક્નોલોજી આવી ગઈ છે જે ખેડૂતોની આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકે છે અને માનવજાત માટે પણ એક રાહતના સમાચાર આપી શકે છે. 

હકીકતમાં IIT ગુવાહાટીના વૈજ્ઞાનિકોએ એવું બાયોડિગ્રેડેબલ કોટિંગ વિકસાવ્યું છે જે ખેડૂતોના ફળો અને શાકભાજીને 2 મહિના સુધી તાજા રાખી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ એડિબલ કોટિંગ ખાદ્ય છે એટલેકે તેને ખાઈ શકાય છે અને તે હાનિકારક પણ નથી.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોટિંગમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીનું પરીક્ષણ બટાકા, ટામેટાં, લીલા મરચાં જેવા શાકભાજી અને સ્ટ્રોબેરી, સફરજન, અનાનસ, કીવી જેવા ફળો પર કરવામાં આવ્યું છે. આ સંશોધન ફળો અને શાકભાજીમાં અંકુર નીકળવા અને સડો અટકાવવા માટે કરવામાં આવ્યું હતું. આ સિવાય ઉત્પાદન અને સપ્લાય ચેઈનમાં ખાદ્યપદાર્થોની નુકશાની ઘટાડીને યુનાઈટેડ નેશન્સના ટકાઉ વિકાસ(SDG)ને હાંસલ કરવાનો પણ ધ્યેય ધરાવે છે.

IIT ગુવાહાટીની ટીમનું નેતૃત્વ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ અને સેન્ટર ફોર એક્સેલન્સ ઇન સસ્ટેનેબલ પોલિમરના પ્રોફેસર વિમલ કટિયાર દ્વારા કરવામાં આવ્યું હતું. અન્ય સંશોધકોમાં પ્રોફેસર વૈભવ વી ગૌર, સંશોધન રિસર્ચ સ્કોલર કોના મંડલ, તાબલી ઘોષ, માંડવી ગોસ્વામી, શિખા શર્મા અને સોનુ કુમારનો સમાવેશ થાય છે.

સમસ્યાઓ અને પડકારો:

જુદા જુદા અહેવાલો અનુસાર ભારતમાં 20થી 35% બાગાયતી પાક તૈયાર થયા પછી યોગ્ય જાળવણીના અભાવે વેડફાઈ જાય છે. આ પાકોને સાચવવા માટે યોગ્ય સુવિધાઓનો અભાવ છે. સ્ટોરેજ, પ્રોસેસિંગ, ગ્રેડિંગ, પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધાઓના અભાવને કારણે આવું થાય છે. બાગાયતી પાકોના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.

પ્રોફેસર વિમલ કટિયારના જણાવ્યા અનુસાર ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) અનુસાર 4.6%થી 15.9% ફળો અને શાકભાજી ખરાબ સ્ટોરેજ સિસ્ટમને કારણે નાશ પામે છે. બટાટા, ડુંગળી અને ટામેટા જેવા પાકોમાં પાક તૈયાર થયા પછી નુકસાન 19% સુધી વધી જાય છે, જેના કારણે તેના ભાવ પણ વધે છે.

વૈજ્ઞાનિકો માને છે કે તેઓએ વિકસિત કરેલી નવી ટેક્નોલોજી દેશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના 12.3%ના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે.

કોટિંગ અને સંબંધિત સંશોધન :

સંશોધકોએ ફળો અને શાકભાજીને સૂક્ષ્મ શેવાળના અર્ક અને પોલિસેકરાઇડ્સના મિશ્રણ સાથે કોટિંગ માટે એક ફિલ્મ તૈયાર કરી હતી. સમુદ્રમાં જોવા મળતી સૂક્ષ્મ શેવાળ- ડ્યુનાલિએલા ટેર્ટિઓલેક્ટા, તેના એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો માટે જાણીતી છે. તેમાં કેરોટીનોઈડ, પ્રોટીન અને પોલિસેકરાઈડ જેવા બાયોએક્ટિવ સંયોજનો હોય છે.

સંશોધકોએ બાયોફ્યુઅલ તરીકે પણ વપરાતા આ શેવાળ ઓઈલ-કચરાનો ઉપયોગ કોટિંગ ફિલ્મ બનાવવા માટે કર્યો હતો. તેમાં કાર્બોહાઇડ્રેટ ચિટોસનનો પણ ઉપયોગ કર્યો છે. ચિટોસનમાં એન્ટિમાઇક્રોબાયલ (એન્ટિ-માઇક્રોબાયલ) અને એન્ટિ-ફંગલ (એન્ટી-ફંગલ) ગુણધર્મો પણ છે. આમાંથી ખાદ્ય ફિલ્મ તૈયાર કરી શકાય છે. ફળો અને શાકભાજીની શેલ્ફ લાઇફ વધારવા માટે જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ્ડ કોટિંગ પણ તૈયાર કરી શકાય છે.


સંશોધકોએ આ કોટિંગ્સનું ઉંદરો પર પરીક્ષણ કર્યું, જે દર્શાવે છે કે કોટિંગમાં વપરાતી સામગ્રી ઝેરી નથી અને તેનો ઉપયોગ એડિબલ ફૂડ પેકેજિંગ મટિરિયલ તરીકે થઈ શકે છે. સંશોધકોએ તેની પેટન્ટ પણ કરાવી દીધી છે.

પ્રોફેસર વિમલ કટિયારના જણાવ્યા મુજબ, કોટિંગ એક પ્રકારનું ઉત્પાદન છે અને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય છે. તે 40 ડિગ્રી સુધીના તાપમાને પ્રકાશ અને ગરમીનો સરળતાથી સામનો કરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કોટિંગ જે કેમિકલ યુક્ત છે તેને ખાઈ પણ શકાય છે. કોટિંગ પછી ફળો અને શાકભાજીનો રંગ, દેખાવ, સ્વાદ, પોષક મૂલ્ય સચવાય છે, જેનાથી મહિનાઓ સુધી તેમની શેલ્ફ લાઇફ વધી જાય છે જે અંતે માનવજાત માટે આશીર્વાદ સમાન બને છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/k9ROHwE