બેન્ગ્લુરું તા. 5 સપ્ટેમ્બર 2022,સોમવાર

વિશ્વમાં ઉપગ્રહને અંતરિક્ષમાં પહોચાડવાનો ખર્ચ ઘટે એ રીતે તેમજ એક જ રોકેટનો વધારે વખત ઉપયોગ થઇ શકે એવા રોકેટ બનાવવા માટે ભારત દેશ કાર્યરત છે એમ સરકારે આજે જણાવ્યું હતું. 

“દુનિયાનો દરેક દેશ ઇચ્છે છે કે અત્યારે જેટલો ખર્ચ થાય છે તેના કરતા રોકેટ લોન્ચ કરવાનો ખર્ચ ઘટે,” એમ ઈસરોના અધ્યક્ષ અને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ સ્પેસના સચિવ એસ સોમનાથે જણાવ્યું હતું. 

અત્યારે દુનિયામાં એક કિલો વજન ધરાવતો પે-લોડ (રોકેટમાં જે ઉપગ્રહ કે સાધન અંતરિક્ષમાં તરતા મુકવામાં આવે)નો ખર્ચ ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ ડોલર જેટલો થાય છે. “ભારત એ રીતે સંશોધન કરી રહ્યું છે કે આ ખર્ચ ઘટી માત્ર ૫૦૦૦ ડોલર કે શક્ય હોય તો ૧૦૦૦ ડોલર પ્રતિ કિલો થાય. આ માટે એક જ વિકલ્પ છે કે રોકેટનો એક લોન્ચ કરતા વધારે વખત ઉપયોગ શક્ય બને. ભારત પાસે અત્યરે આ ટેકનોલોજી નથી,” એમ સોમનાથે જણાવ્યું હતું. 

ભારત GSLV માક થ્રી પછી જે નવું રોકેટ બનાવે તે એક કરતા વધારે વખત ઉપયોગમાં લેવાય એવું હશે એમ બેન્ગ્લુરું ખાતે સ્પેસ કોન્ફરન્સ અને એક્ઝીબીશનના ઉદ્ઘાટન બાદ તેમણે જણાવ્યું હતું. 

આ માટે ઈસરો વિવિધ ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યું છે. ગત સપ્તાહે ઈસરોએ ઇન્ફલેટેબલ એરોડાયનેમિક ડીસેલેટર (IAD)નું નિદર્શન કર્યું હતું. રોકેટ ફરીથી પૃથ્વી ઉપર ઉતરી શકે એ અંગે અત્યારે કામગીરી ચાલી રહી હોવાનું સોમનાથે જણાવ્યું હતું.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mj0qMAN