
નવી દિલ્હી,તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર
યુએસ સ્પેસ એજન્સી નાસાએ ઓસ્ટ્રેલિયા નજીક દક્ષિણ-પશ્ચિમ પેસિફિક સમુદ્રમાં જ્વાળામુખી ફાટ્યાના થોડા કલાકો બાદ એક નાનો ટાપુ જોયો છે. આ મહિનાની શરૂઆતમાં, ટોંગાના મધ્ય દ્વીપ પરના હોમ રીફ (Home Reef volcano) જ્વાળામુખીએ લાવા, રાખ અને ધુમાડો ફેલાવવાનું શરૂ કર્યું હતુ. જેના કારણે આસપાસના પાણીનો રંગ બદલાઈ ગયો હતો. પરંતુ નાસાના અર્થ મોનિટરિંગ વર્કશોપમાં જણાવવામાં આવ્યું છે કે, આ જ્વાળામુખી ફાટ્યાના 11 કલાક પછી જ પાણીની સપાટી પર એક નવો ટાપુ દેખાયો. આ મોનિટરિંગ વર્કશોપમાં સેટેલાઇટ દ્વારા આ ટાપુની તસવીરો પણ લેવામાં આવી છે.
NASA પ્રમાણે આ નવો બનેલો ટાપુનું કદ ટૂંક સમયમાં વધ્યું છે. 13 સપ્ટેમ્બરના રોજ, ટોંગાની ભૂસ્તરશાસ્ત્રીય સેવા સાથે મળીને સંશોધકોએ ટાપુનો વિસ્તાર 4000 ચોરસ મીટર અથવા લગભગ 1 એકર ગણાવ્યો હતો અને તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 10 મીટર (આશરે 33 ફૂટ) હોવાનું કહેવાય છે.
સંશોધકોએ માહિતી આપી હતી કે, 20 સપ્ટેમ્બરે આ ટાપુનું કદ વધીને 24000 ચોરસ મીટર અથવા લગભગ 6 એકર થઈ ગયું છે.
યુએસ સ્પેસ એજન્સીનું કહેવું છે કે, આ નવો આઇલેન્ડ સેન્ટ્રલ ટોંગા આઇલેન્ડમાં હોમ રીફ સીમાઉન્ટની ઉપર બન્યો છે. પરંતુ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે, આ નાનકડો ટાપુ કદાચ અહીં કાયમ માટે નહીં રહે.
નાસાએ જણાવ્યું છે કે "આ ટાપુ સમુદ્રમાં ડૂબી ગયેલા જ્વાળામુખીના કારણે બન્યો છે અને આવા ટાપુઓ માત્ર થોડા સમય માટે જ અસ્તિત્વ ધરાવે છે. જોકે ક્યારેક તે ઘણા વર્ષો સુધી રહે છે."
નાસા દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે કે, નજીકના લાટેઇકી (nearby Late'iki Volcano) જ્વાળામુખીના 12 દિવસના વિસ્ફોટને કારણે, 2020માં એક ટાપુ બનાવવામાં આવ્યો હતો પરંતુ તે પછી તે બે મહિનામાંજ વહી ગયો હતો. જ્યારે 1995માં આજ જ્વાળામુખીના કારણે બનેલો ટાપુ 25 વર્ષ સુધી રહ્યો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aeFQpI5
0 Comments