નોબેલ સમિતિએ ૨૦૨૨ના વર્ષના નોબેલ એવોર્ડ્સની જાહેરાત મેડિસીનની કેટેગરીથી કરી હતી. સ્વીડનના સ્વાન્તે પાબોને મેડિસીનનો પુરસ્કાર અપાશે. માનવ જેનોમ અને ઈમ્યૂન સિસ્ટમ સહિતના તેમના સંશોધકોએ દુનિયાભરના એ ક્ષેત્રના સંશોધકો માટે નવી દિશા ખોલી હતી. તેમના સદ્ધર પ્રદાનને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર એનાયત કરાયો હતો.
સ્વીડિશ વિજ્ઞાની સ્વાન્તે પાબોને ૨૦૨૨નો મેડિસીનનો નોબેલ પારિતોષિક મળશે. તેમને હ્મુમન જેનોમ અંગે ખૂબ જ પાયાનું કામ કર્યું છે. માનવજાતિના લુપ્ત પુર્વજોનો તેમણે અભ્યાસ કર્યો હતો. માનવ વિકાસના જેનોમ ઉપરાંત ઈમ્યૂન સિસ્ટમ પર જેનોમની અસર અંગે તેમણે ખૂબ જ મહત્વનું સંશોધન કર્યું છે. લુપ્ત થયેલા હોમોનિનનો વારસો હોમો સેપિયન્સમાં ટ્રાન્સફર થયો હતો. એ તેમણે વર્ષોના સંશોધન બાદ સાબિત કર્યું હતું. હોમો સેપિયન્સ આજની માનવજાતિના પૂર્વજો મનાય છે. હોમોનિન પછીથી કાળક્રમે વિલુપ્ત થઈ ગયા હતા. સ્વીડન ઉપરાંત જર્મનીમાં રહીને તેમણે સંશોધનો કર્યા હતા. જર્મનીની રીસર્ચ ઈન્સ્ટિટયૂટના તેઓ ડિરેક્ટર હતા.
સ્વીડિશ વિજ્ઞાની સ્વાન્તે પાબોનો જન્મ ૨૦મી એપ્રિલ, ૧૯૫૫માં સ્ટોકહોમમાં થયા હતા. તેમના પિતા સૂને બર્ગસ્ટ્રોમ વિખ્યાત વિજ્ઞાાની હતા. તેમને પણ ૧૯૮૨માં મેડિસીનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેના બરાબર ૪૦ વર્ષ પછી સ્વાન્તે પાબોને મેડિસીન કેટેગરીમાં જ નોબેલ પારિતોષિક મળશે. બાપ-દીકરા બંનેને નોબેલ એવોર્ડ મળ્યો હોય એવી આ માત્ર બીજી ઘટના છે. પિતા અને સંતાન બંનેને નોબેલ પુરસ્કાર મળ્યો હોય એવી આ નોબેલ પુરસ્કારના ઈતિહાસમાં માત્ર આઠમી ઘટના છે. અગાઉ ૧૯૧૫માં પિતા વિલિયમ હેનરી બ્રેગ અને તેમના પુત્ર વિલિયમ લોરેન્સ બ્રેગ બંનેને એક સાથે ફિઝિક્સનો નોબેલ એનાયત થયો હતો.
નોબેલ સમિતિએ મેડિસીનના પુરસ્કારની સાથે જ ૨૦૨૨ના વર્ષના વિજેતાઓની જાહેરાત કરવાની શરૃઆત કરી છે. હવે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, લિટરેચર, શાંતિ અને અર્થશાસ્ત્રના નોબેલ જાહેર થશે. ડિસેમ્બરમાં નોબેલ સમિતિ એક કાર્યક્રમમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/74oiXIS