નવી દિલ્હી, તા. 9 નવેમ્બર 2022, બુધવાર

ગેમિંગ ઉદ્યોગમાં સતત નવી નવી ટેકનોલોજી આવતી રહે છે અને રમતો બદલાતી રહે છે. ત્યારે એક નવા અહેવાલે સૌને ચોંકાવી દીધા છે. Oculus Riftના ફાઉન્ડર અને ડિઝાઈનર Palmer Luckeyએ પોતાના લેટેસ્ટ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) માસ્ટરપીસ અંગે જાણકારી આપી છે, જેમાં જણાવાયું છે કે, જો ગેમમાં તમારું મૃત્યુ થશે, તો અસલી જિંદગીમાં પણ મોત થશે.

VR હેન્ડસેટને NerveGear નામ અપાયું

આ વર્ચ્યુઅલ રિયાલિટી હેન્ડસેટ ઘણો જ પાવરફુલ હશે. લ્યૂસ્કીએ પોતાના બ્લોગ પોસ્ટમાં જાણકારી આપી છે કે, આ હેન્ડસેટ પર 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે આ હેન્ડસેટને NerveGear નામ અપાયું છે. આ હેન્ડસેટ એક નોર્મલ વીઆરની જેમ હશે. આમાં 3 એક્સપ્લોસિવ ડિવાઈસ ચાર્જ થઈ શકે છે. આ ડિવાઈસ ચાર્જને ફોટો સેન્સરમાં ફિટ કરાશે. આમાં ખેલાડી જેવો જ ગેમમાં મરશે, અસલી જિંદગીમાં પણ તેની મોત થઈ જશે. આ એક્સપ્લોસિવ ડિવાઈસ ત્યારે એક્ટિવ થશે, જ્યારે કોઈ ખાસ ફ્રિકવન્સીમાં સ્ક્રીન પર રેડ ફ્લેશ હશે. આ ડિવાઈસને ગેમ ડિઝાઈનર ગેમ મુજબ ડિઝાઈન કરી શકે છે.

વર્ચ્યુઅલની દુનિયામાં વાસ્તવિકતાનો અહેસાસ

લ્યૂસ્કીએ બ્લોગ પોસ્ટમાં માહિતી આપી છે કે વાસ્તવિક જીવનને વર્ચ્યુઅલ અવતાર સાથે જોડવાનો વિચાર તેમને હંમેશા આકર્ષિત કરે છે. તેમણે કહ્યું કે, ગ્રાફિક્સમાં ફેરફાર કરવાથી ગેમ વધુ રસપ્રદ બની શકે છે. જોકે વીઆર હેન્ડસેટમાં ગંભીર પરિણામોનો ખતરો જ તમને અને ગેમના તમામ અન્ય વ્યક્તિને વાસ્તવિકતાનો અહેસાસ કરાવી શકે છે. લ્યૂસ્કીએ કહ્યું કે, હજુ સુધી મારામાં આ ગેમ રમવાની હિંમત આવી નથી. તેમણે કહ્યું કે, આ પરફેક્ટ સિસ્ટમ નથી. તેમની પાસે એન્ટી ટેમ્પર મિકેનિઝમને લગતો પ્લાન પણ છે. લ્યૂસ્કી તેને એવું બનાવવા માંગે છે, જેમાં VR હેડસેટને દૂર કરવું અથવા તેનો નાશ કરવો અશક્ય હોય.

VR હેડસેટ અત્યારે માત્ર એક આર્ટનો નમૂનો

તેમણે કહ્યું કે આ VR હેડસેટ અત્યારે માત્ર એક આર્ટનો નમૂનો છે પરંતુ,  તે પહેલું VR ડિવાઈસ છે જે ફિક્શનથી અલગ લોકોને મારવાની ક્ષમતા ધરાવે છે. આ VR અંગે ઘણા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સરકારે આવા ખતરનાક વીઆર પર પ્રતિબંધ મૂકવા વિશે વિચારવું જોઈએ.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AGwifXn