વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની ન્યૂરોલિંક મગજમાં ચિપ બેસાડવાના પ્રયોગો હાથ ધરશે. આ ચિપના કારણે સેંકડો લોકોને મગજની ગંભીર બીમારીથી રાહત મળી શકશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચિપથી કેટલાય કામ ટેકનોલોજી સાથે જોડાઈને સરળ બની જશે. અમેરિકન સરકાર મંજૂરી આપશે એટલે પ્રયોગ શરૃ કરાશે.
ઈલોન મસ્કની કંપની ન્યૂરોલિંકે ૨૦૧૬થી બ્રેઈન ચિપ બનાવવાના પ્રયોગો હાથ ધર્યા હતા. આ ચિપ મગજમાં બેસાડીને ગંભીર ન્યૂરો ડિસીસ નિવારી શકાશે. ખાસ તો જે લોકો ગંભીર બીમારીથી પીડાય છે તેમના દિમાગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત આ ચિપ બેસાડી દેવાથી તેમનું કામ વધુ સરળ બની જશે. પ્રાણીઓ પર ચિપનું ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાયું હતું. એમાં ખૂબ જ આશાસ્પદ પરિણામો મળ્યા છે. હવે કંપનીએ અમેરિકન સરકારની પરવાનગી માગી છે.
આ વાયરલેસ બ્રેઈન ચિપ ક્રાંતિકારી સાબિત થશે એવો દાવો કંપની કરી રહી છે. મગજમાં જે વિચારો ચાલતા હશે એ પણ ચિપના માધ્યમથી રેકોર્ડ થઈ શકશે. એટલું જ નહીં, તમે ટાઈપિંગ કરવા માંગતા હશે એ બાબતો માત્ર વિચારીને ટાઈમ કરી શકાશે. થોડા સમય પહેલાં કંપનીએ એક વીડિયો જાહેર કર્યો હતો. એક વાંદરાના દિમાગમાં ચિપ બેસાડીને તેનો પ્રયોગ કરાયો હતો. વીડિયોમાં જોઈ શકાતું હતું કે બ્રેઈન ચિપના કારણે વાંદરો માત્ર વિચારીને વીડિયો ગેમ રમી શકતો હતો.
જોકે, આ ટ્રાયલ પહેલાં બ્રેઈન ઈમ્પ્લાન્ટના પ્રયોગો દરમિયાન ઓછામાં ઓછાં ૧૫ વાંદરાઓનાં મોત થયા હતા. એ મુદ્દે પણ જીવદયા પ્રેમી સંસ્થાઓએ મસ્કની કંપનીની ઝાટકણી કાઢી હતી. ઈલોન મસ્ક આ ટેકનોલોજીને લઈને ખૂબ જ ઉત્સાહી છે. મસ્કે એક નિવેદનમાં કહ્યું હતું કે આ ચિપથી શરીરનું કામ જ્યાં પૂરું થઈ જાય છે ત્યાંથી મગજનું કામ શરૃ થશે. આ ચિપ એવી એડવાન્સ ટેકનોલોજીથી બની છે કે બીજા ડિવાઈસ પણ તેનાથી કંટ્રોલ થશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Pypj8dh