
નવી દિલ્હી, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર
ટ્વિટર ફરી એકવાર તેના યુઝર્સ માટે બ્લુ સબસ્ક્રિપ્શન પેકેજ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. સોમવારે સર્વિસ રી-લોન્ચ થયા બાદ યુઝર્સો નાણાં ચૂકવીને બ્લુ ટિક મેળવી શકશે. સાથે જ કન્ટેન્ટ એડિટ ઉપરાંત અન્ય ઘણી સુવિધાઓ પણ મળશે. જોકે આ સર્વિસ એપલ iOS યુઝર્સ માટે મોંઘી પડશે. કંપનીએ જાહેરાત કરતા કહ્યું કે, આવતીકાલે સોમવારે Twitter Blue લોન્ચ કરાશે. આ સર્વિસનો વેબસાઈટ પર ઉપયોગ કરવાનો ચાર્જ 8 ડોલર તેમજ Apple iOS પર સાઇન અપ કરવા માટે દર મહિને 11 ડોલરનો ખર્ચ કરવો પડશે.
સંપૂર્ણ વેરિફિકેશન બાદ જ બ્લૂ ટિક પ્રોવાઈડ કરાશે
ટ્વિટર પ્રોડક્ટ મેનેજર એસ્થર ક્રોફોર્ડે જણાવ્યું કે, અમે કોઈપણ પ્રકારની છેતરપિંડી (જે ટ્વિટરના નિયમોની વિરુદ્ધ છે)નો સામનો કરવા કેટલાક નવા નિર્ણયો લીધા છે. કોઈપણ યુઝર્સને બ્લુ ટિક આપતા પહેલા તે યુઝર્સના એકાઉન્ટની સંપૂર્ણ સમીક્ષા કરાશે. એટલે કે વેરિફિકેશન બાદ જ યુઝર્સને બ્લુ ટિક પ્રોવાઈડ કરાશે.

Twitter Blueમાં કન્ટેન્ટ એડિટ, લાંબા ટ્વિટ લખવાની પણ સુવિધા મલશે
આ સર્વિસ હેઠળ યુઝર્સને તેના ટ્વીટના કન્ટેન્ટને એડિટ કરવાનો અધિકાર પણ મળશે. જોકે આ માટે કંપનીએ માત્ર 30 મીનીટનો સમય આપ્યો છે, ત્યાર બાદ કન્ટેન્ટ એડિટ કરી શકાશે નહીં. ઉપરાંત તમે 1080 પિક્સલનો વીડિયો પણ અપલોડ કરી શકશો. ટ્વિટ લખવા માટે અપાતા મર્યાદિત શબ્દોથી પણ યુઝર્સને રહાત મળશે. આ સુવિધા હેઠળ યુઝર્સ લાંબા ટ્વિટ પણ લખી કશે. સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સની ટ્વીટ્સને વધુ મહત્વ અપાશે અને તેમને અન્ય યુઝર્સ કરતાં 50 ટકા ઓછી જાહેરાતો દેખાશે.

ફોટો અથવા નામ બદલશો તો જતુ રહેશે બ્લુ ટિક
સૌથી મહત્વની વાત એ છે કે, જો યૂઝર્સ તેમની પ્રોફાઇલ પર ફોટો કે નામ બદલશે તો તેમની બ્લુ ટિક હટાવી દેવાશે અને રિ-વેરિફિકેશન બાદ ફરીથી બ્લુ ટિક અપાશે. સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે જણાવ્યું કે, સબ્સ્ક્રાઇબર્સ તેમના હેન્ડલ, ડિસ્પ્લે પર નામ અથવા પ્રોફાઇલ ફોટો બદલી શકશે, પરંતુ જો તેઓ આમ કરશે, તો તેમની બ્લુ ટિક દૂર કરી દેવાશે અને તેમના એકાઉન્ટને ફરીથી વેરિફાઇ કરાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/g7KUkGu
0 Comments