
- ભૂગોળ શીખવતી રસપ્રદ ગેમ્સ
આ પૃથ્વી પર નદીઓ, પહાડો, મહાસાગરો, દેશો, ખંડો વગેરે ઘણું એવું છે, જેના વિશે આપણે ઘણું જાણતા નથી. આપણી પૃથ્વીનાં જાણીતાં છતાં અજાણ્યાં પાસાંનો પરિચય કેળવવાનો એક સહેલો રસ્તો છે, એટલાસ અથવા તો નક્શા.પરંતુ પ્રિન્ટેડ એટલાસ હાથમાં લઈએ કે ઇન્ટરનેટ પરના ડિજિટલ મેપ્સમાં ખાબકીએ, એમાં એક સાથે એટલું બધું સામે આવે કે આપણે ગૂંચવાઈ જઈએ!
સદનસીબે કેટલીક સાઇટ્સ એવી પણ છે, જે મજાની રીતે આપણું ભૂગોળનું જ્ઞાન વધારી આપે છે. આવી એક સાઇટ એટલે https://ift.tt/yQX4M1z.
નેધરલેન્ડની એક મીડિયા કંપનીએ આ સાઇટ બાળકોને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરી છે, પણ આપણે રમવા બેસીએ તો સમજાય કે ઘણી વાતોની આપણને પણ પૂરતી જાણકારી નથી!
છેલ્લા કેટલાક સમયથી આપણે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ગજાગ્રહ ચાલતો હોવાની વાતો અખબારમાં વાંચીએ છીએ, પણ ઉત્તર-દક્ષિણ કોરિયા વિશ્વના નક્શા પર બતાવી શકીએ ખરા? હિમાલયની પર્વતમાળા વિશે આપણે જાણીએ, પણ આલ્પ્સની પર્વતમાળા ક્યાં આવી એ કહી શકીએ? ઇરાન-ઇરાક કે સ્પેનની રાજધાનીનાં નામ જાણીએ છીએ?
વર્લ્ડ-જ્યોગ્રાફી-ગેમ્સ સાઇટ પર, આ બધું જ નાની નાની ઇન્ટરએક્ટિવ ગેમ કે ક્વિઝના સ્વરૂપમાં મૂકવામાં આવ્યું છે.
વિશ્વના દેશો, તેમની રાજધાની, રાષ્ટ્રધ્વજ, પૃથ્વી પરના ખંડો, મહાસાગરો, નદીઓ, રણ વગેરે વિશેની આ ગેમ્સમાં કોઈ પણ ગેમ સિલેક્ટ કરી તેમાં જઈએ એટલે મોટા ભાગે વિશ્વનો નક્શો જોવા મળે, તેના પર ગમે ત્યાં ક્લિક કરીએ એટલે ગેમ શરૂ થાય અને એક પછી એક સવાલ પૂછવામાં આવે. જમણી તરફ આપણો સ્કોર જોવા મળે. ખોટા જવાબો આપીને થાકો તો ‘ગિવ અપ’ પર ક્લિક કરીને બધા પ્રશ્નોના જવાબ એક સાથે જાણી શકો છો.
યુનાઇટેડ નેશન્સના હાલના તમામ, ૧૯૩ સભ્ય દેશોને આ ગેમ્સમાં આવરી લેવાયા છે તથા તેના માટે વિકિપીડિયા અને સીઆઇએની વર્લ્ડ ફેક્ટબુકમાંથી વિવિધ સ્થળોની માહિતી તારવવામાં આવી છે.
હા, એક ખાસ વાત - આ ગેમ્સમાં ભારતનો નક્શો, આપણને ભારતીય તરીકે વાંધાજનક લાગે એ રીતે દર્શાવાયો છે. ટીચર કે પેરેન્ટ તરીકે બાળકોને આ નક્શા બતાવો તો, આપણે જે નક્શા જોઈએ છીએ તે અને આ નક્શા કેમ જુદા છે તે તેમને જરૂર સમજાવશો - દેશ-દુનિયાનું એમનું જ્ઞાન એ રીતે પણ વધારી શકાશે!
- ગૂગલ ડોક્સમાં વર્ડ કાઉન્ટ
આપણે કોઈ પણ રિપોર્ટ કે અન્ય પ્રકારના લખાણ પણ કામ કરી રહ્યા હોઈએ ત્યારે ક્યારેક તેમાં કેટલા વર્ડ્સ કે કેરેક્ટર્સ છે તે જાણવું જરૂરી બને. માઇક્રોસોફ્ટ વર્ડમાં આવી સગવડ છે તે તમે જાણતા હશો. એવી જ સગવડ, ગૂગલ ડોક્સમાં પણ છે.
પીસીમાં તમારું ડોક્યુમેન્ટ ઓપન હોય ત્યારે સૌથી ઉપરના મેનૂમાં ‘ટૂલ્સ’ પર ક્લિક કરો. તેમાં ‘વર્ડ કાઉન્ટ’ પર ક્લિક કરતાં એ ડોક્યુમેન્ટમાં પેજ, વર્ડ્સ, કેરેક્ટર્સ અને સ્પેસ વિના કેરેક્ટર્સની સંખ્યા જોવા મળશે.
આખા ડોક્યુમેન્ટમાંથી, માત્ર તમે સિલેક્ટ કરેલા પેરેગ્રાફમાંના શબ્દોની સંખ્યા જાણવી હોય તો એ પણ અહીં જાણી શકાશે. આ સગવડ ગૂગલ ડોક્સ એપમાં પણ મળશે.
અચ્છા, માઇક્રોસોફ્ટ વર્ડમાં આ સગવડ ક્યાં છે એ સવાલ થયો?! ડોક્યુમેન્ટના છેક તળિયે, સ્ટેટસ બારમાં વર્ડ કાઉન્ટ મળે છે. જો ન દેખાય તો સ્ટેટસ બાર પર રાઇટ ક્લિક કરો અને જે મેનૂ ખૂલે તેમાં વર્ડ કાઉન્ટ સામેના બોક્સને ટિક કરી દો!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qGch3Dd
0 Comments