આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં આજે વધુ એક નવી સિદ્ધિનો ઉમેરો થવા જઈ રહ્યો હતો. પરંતુ સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ કે જે આજે NASA અવકાશયાત્રીઓ, એક રશિયન અવકાશયાત્રી અને એક અમીરાતના આવકાશયાત્રીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર જવા ઉડાન ભરવાનું હતું તે રદ્દ કરવામાં આવી છે. NASAએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ સિસ્ટમમાં ખામી સર્જાતા રોકેટનું લોન્ચિંગ રદ કરવામાં આવ્યું છે, હવે પછી લોન્ચિંગ માટે આગળની તારીખ અને સમય ફરી આપવામાં આવશે. 

 ક્રૂ-6 મિશન ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આજે ઉડાન ભરવાનું હતું 
અહેવાલ અનુસાર, સ્પેસએક્સ ડ્રેગન ક્રૂ-6 મિશન ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આજે ઉડાન ભરવાનું હતું. હવે ગ્રાઉન્ડ સિસ્ટમમાં ખામી સર્જાતા લોન્ચિંગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ, જેને એન્ડેવર કહેવામાં આવે છે, તે આવતીકાલે ISS પહોંચવાનું હતું જે હવે ઉડાનના સમય પર આધાર રાખશે.

આ દેશોના વૈજ્ઞાનિકો મિશનમાં સામેલ 
અહેવાલ અનુસાર, આ મિશન હેઠળ NASAના સ્ટીફન બોવેન અને વોરેન હોબર્ગ, રશિયાના એન્ડ્રે ફદેવ અને સંયુક્ત આરબ અમીરાતના સુલતાન અલ-ન્યાદી સ્પેસ સ્ટેશન પર છ મહિના સુધી રહેવાના છે. નેયાદી, 41, અરબ દેશના ચોથા અવકાશયાત્રી હશે અને સંયુક્ત આરબ અમીરાતના બીજા અવકાશયાત્રી હશે.  નેયાદીએ આ મિશનને "મહાન સન્માન" ગણાવ્યું છે. 

હાલ ISS પર રશિયન અવકાશયાત્રીઓ અને  NASAના અવકાશયાત્રી હાજર છે 
હાલમાં ISS પર રશિયન અવકાશયાત્રીઓ દિમિત્રી પેટેલિન અને સર્ગેઈ પ્રોકોપ્યેવ તેમજ નાસા અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયો છે. તેઓ 28 માર્ચે પરત ફરવાના હતા, પરંતુ તેમની સોયુઝ MS-22 કેપ્સ્યુલની કૂલિંગ સિસ્ટમ ડિસેમ્બરના મધ્યમાં ISS સાથે ડોક કરતી વખતે એક નાની ઉલ્કાને કારણે નુકસાન થયું હતું. ત્રણ અવકાશયાત્રીઓને ઘરે લાવવા માટે માનવરહિત રશિયન સોયુઝ કેપ્સ્યુલ, MS-23એ શુક્રવારે કઝાકિસ્તાનથી ઉડાન ભરી હતી. તેઓ હવે સપ્ટેમ્બરમાં પૃથ્વી પર પરત ફરવાના છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LxlEfnC