મેટા કંપનીની વિવિધ એપ્સનાં સેટિંગ્સ એક જ જગ્યાએથી થઈ શકે છે, હવે તેમાં નવાં ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, લિંક્ડઇન, સ્નેપચેટ, યુટ્યૂબ... આ બધી સોશિયલ મીડિયા સાઇટ્સ કોઈ ને કોઈ ખાસ બાબત પર ફોકસ્ડ છે. કોઈમાં ટેકસ્ટ પોસ્ટ પર ફોકસ છે, કોઈમાં લેટેસ્ટ ન્યૂઝ પર, કોઈમાં ઇમેજ પર, કોઈમાં પ્રોફેશનલ નેટવર્કિંગ પર, તો કોઈમાં બ્રાન્ડ પ્રમોશન, …એ કારણે દરેક સાઇટનું ઓડિયન્સ પણ અલગ અલગ છે. 

ચોક્કસ હેતુ માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ લોકો મોટે ભાગે તેમના હેતુને સૌથી વધુ અનુકૂળ એવી એક સોશિયલ સાઇટ નક્કી કરીને તેના પર વધુ એક્ટિવ રહે છે. પરંતુ ઘણા લોકો આ બધી સાઇટ પર દિવસ દરમિયાન વધતા ઓછા પ્રમાણમાં આંટાફેરા કરતા રહે છે. 

ખાસ કરીને પોતાના કે ક્લાયન્ટના બિઝનેસ માટે ડિજિટલ પ્રમોશન કરતા લોકોએ આ બધી જ સાઇટ પર એક્ટિવ રહેવું પડે છે. આમાંથી જો મૂળ મેટા કંપનીની માલિકીની વિવિધ સાઇટ્સ પર તમે એક્ટિવ હો તો હવે એ બધી એપને કનેક્ટ કરવાનું અને તેનાં સેટિંગ્સ મેનેજ કરવાનું વધુ સહેલું બન્યું છે. 

ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપની તેની બધી સર્વિિસસનાં સેટિંગ્સ કોમન રાખે, મેટા કંપનીમાં પણ આવી સગવડ ત્રણેક વર્ષ પહેલાં ઉમેરાઈ હતી, જે હવે વધુ ફીચર્સ સાથે વિસ્તરી છે. તમે મેટા એપ્સના પાવરયૂઝર હોય તો આ ફીચર્સ તમને પણ ઉપયોગી થઈ શકે છે!

- એફબી-ઇન્સ્ટાનાં સેટિંગ્સ થઈ શકે, એક જ જગ્યાએથી

મોટા ભાગે તમે ફેસબુક પર તો એક્ટિવ હશો જ. એ ઉપરાંત તમે ઉંમરના જે પડાવે હશો, એ મુજબ ફેસબુકની સાથોસાથ કદાચ ઇન્સ્ટાગ્રામમાં પણ એક્ટિવ હશો. એવી પણ પૂરી શક્યતા કે તમે એક એપમાં શેર કરેલું કન્ટેન્ટ બીજી એપમાં પણ જેમનું તેમ શેર કરતા હશો. ઉપર વાત કરી તેમ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરનું ઓડિયન્સ અલગ અલગ છે. પરંતુ તમે જેમને ટાર્ગેટ કરતા હો એ ઓડિયન્સ બંને પ્લેટફોર્મ પર હોય તો બંને પર એકસરખું કન્ટેન્ટ શેર કરવામાં કંઈ નુક્સાન નથી. 

ફેસબુકે પોતાનો ફેલાવો વધારવા જુદી જુદી એપ્સ/સર્વિસ ખરીદી લીધી ત્યારથી એવી શક્યતા હતી કે તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ વગેરે એપ્સનું જુદી જુદી રીતે ઇન્ટિગ્રેશન કરશે. એક કંપની તરીકે મેટાએ આ કામ લગભગ કરી લીધું છે અને બધી એપ્સના યૂઝર્સનો ડેટા એકઠો કરવાનું શરૂ કરી દીધું છે!

એ ઉપરાંત હવે કંપની યૂઝર્સ માટે એટલે કે આપણે માટે આવી એપ્સનાં અલગ અલગ એકાઉન્ટ મેનેજ કરવાનું પણ સરળ બનાવી રહી છે.

તેના ભાગ રૂપે, ફેસબુકે સપ્ટેમ્બર ૨૦૨૦માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મેટા એકાઉન્ટ્સ સેન્ટરની શરૂઆત કરી હતી. એ સગવડમાં (અને બાજુમાં લખ્યા મુજબનાં નવાં ફીચર આપણને મળે નહીં ત્યાં સુધી)આ એકાઉન્ટ્સ સેન્ટરમાં આપણને નીચેનાં બોક્સમાં લખ્યા મુજબના લાભ મળે છે. 

અત્યાર સુધી આ લાભ તરીકે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં વિવિધ પ્રકારના કન્ટેન્ટના શેરિંગ તથા અન્ય કેટલીક પાયાની બાબતો એક જ જગ્યાએથી મેનેજ કરવાના ઓપ્શન મળતા હતા.

હવે મેટા કંપનીએ એકાઉન્ટ્સ સેન્ટરનાં ફીચર્સ ઘણાં વધુ વિસ્તાર્યાં છે.

ફેસબુકમાં એકાઉન્ટ્સ સેન્ટર

ફેસબુક એપ ઓપન કરો અને તેમાં સ્ક્રીન પર સૌથી ઉપર, જમણે ખૂણે ત્રણ આડી લીટી પર ક્લિક કરો. તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરી ‘સેટિંગ એન્ડ પ્રાઇવસી’માં જાઓ. હવે ફરી સેટિંગ્સમાં જાઓ. તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરતાં ‘મેટા એકાઉન્ટ્સ સેન્ટર’ જોવા મળશે. 

ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ્સ સેન્ટર

ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો. તેમાં નીચે જમણા ખૂણે તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો. હવે ઉપર જમણા ખૂણે ત્રણ આડી લીટી પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. અહીં નીચેની તરફ સ્ક્રોલ કરતાં ંમેટા એકાઉન્ટ્સ સેન્ટર’ જોવા મળશે. 

ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં આ રીતે મેટા એકાઉન્ટ્સ સેન્ટરમાં જતાં આખરે આપણે એક જ સેન્ટ્રલ મેટા એકાઉન્ટ્સ સેન્ટરના પેજ પર પહોંચીશું અને ત્યાંથી આપણી ઇચ્છા મુજબ બંને સર્વિસ (કે વધુ)ને સંબંધિત કોમન સેટિંગ્સ કરી શકીશું. આ પછી આપણે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ અથવા મેટામાં સેટિંગ્સમાં જઇને એક એપમાંનું કન્ટેન્ટ બીજી એપમાં કેવી રીતે શેર કરવું તથા એક એપથી બીજી એપમાં કેવી રીતે લોગઇન થવું તેને સંબંધિત સેટિંગ કરી શકીએ છીએ.

આ સુવિધાનો લાભ લેવો જોઈએ?

આ મુદ્દાનો સવાલ થયો! જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેનો ભરપૂર ઉપયોગ કરતા હો તો બંનેમાં અલગ સેટિંગ્સ કરવાને બદલે, બંને એકાઉન્ટને કનેક્ટ કરી, તેમનાં કોમન સેટિંગ કરવાં સહેલાં બનશે. એ રીતે બંનેમાં લોગ-ઇન અને કન્ટેન્ટ શેરિંગ પણ સહેલું બનશે. વધુ ફીચર્સ મળ્યા પછી, તેનો પણ લાભ લઈ શકાય.

- એકાઉન્ટ્સ સેન્ટરનો અત્યારનો ઉપયોગ

અત્યારે જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં એકાઉન્ટ ધરાવતા હો તો બંનેમાંથી કોઈ પણ એપમાં મેટા એકાઉન્ટ્સ સેન્ટરમાં જઇને બંને એપનાં એકાઉન્ટને એકમેક સાથે કનેક્ટ કરી શકો છો. 

આ ઉપરાંત જો તમે મેટાની વર્ચ્યુઅલ રિયાલિટી સર્વિસ માટેના પ્લેટફોર્મ હોરાઇઝન માટે મેટા એકાઉન્ટ ધરાવતા હો તો તમે એને પણ અહીં ઉમેરી શકો છો. 

મેટા એકાઉન્ટ્સ સેન્ટરમાં આપણે એક ફેસબુક એકાઉન્ટ અને ૨૪ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ! થવા એક ફેસબુક એકાઉન્ટ, એક મેટા એકાઉન્ટ અને ૨૩ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉમેરી શકાય છે. 

- અલગ અલગ એપ્સમાં સહેલું શેરિંગ

તમે ફેસબુકમાં નિયમિત રીતે પોસ્ટ, સ્ટોરી, રીલ્સ વગેરે પોસ્ટ કરતા હો, અને એ જ બધું ઇનસ્ટાગ્રામમાં પણ શેર કરવું હોય તો તેવું સેટિંગ મેટા એકાઉન્ટ્સ સેન્ટરમાં અત્યારે શક્ય છે (નવા ફીચરમાં પણ આ સુવિધા જળવાઈ રહેશે). એથી ઉલટું, ઇન્સ્ટાગ્રામમાં જે કંઈ કન્ટેન્ટ પોસ્ટ કરીએ તે ફેસબુક પર પણ જાય, આપોઆપ, એવું સેટિંગ પણ અહીંથી કરી શકાશે.

સારી વાત એ છે કે બંને પ્લેટફોર્મ પર, તમે સ્ટોરી, પોસ્ટ, રીલ વગેરેમાંથી કયું કન્ટેન્ટ ઓટોમેટિકલી બીજા પ્લેટફોર્મ પર શેર થાય તે પસંદ કરી શકો છો. મતલબ કે કંટ્રોલ આપણા હાથમાં છે.

- જુદા જુદા એકાઉન્ટથી સહેલું લોગઇન

ફેસબુક-ઇન્સ્ટાગ્રામમાં એકમેકની લોગઇન ડીટેઇલ્સથી લોગઇન થવાનું હવે સહેલું બન્યું છે. ફરી, બંનેમાંથી કોઈ પણ એપમાં મેટા એકાઉન્ટ્સ સેન્ટરમાં જઈને આ માટેનાં સેટિંગ્સ કરી શકો છો.

કંપની કહે છે તેમ, ફેસબુક-ઇન્સ્ટાગ્રામનાં તમારાં તમામ એકાઉન્ટથી એકબીજામાં લોગઇન કરવાનો વિકલ્પ એકદમ સિમ્પલ, ફક્ત એક રેડિયો બટન ઓન કરવાનું છે. પરંતુ તમે ઇચ્છો તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનાં એકથી વધુ એકાઉન્ટમાંથી કયાના ઉપયોગતી બીજામાં લોગઇન થઈ શકાય તેનું ઝીણવટભર્યાં સેટિંગ પણ કરી શકો છો. મતલબ કે અહીં પણ કંટ્રોલ આપણા હાથમાં છે.

- એકાઉન્ટ્સ સેન્ટરમાં નવાં ફીચર્સ

હવે મેટા કંપનીએ તેના એકાઉન્ટ્સ સેન્ટરને વધુ વિસ્તાર્યું છે. અત્યાર સુધી આપણને એકાઉન્ટ્સ સેન્ટરમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી એપને એકમેક સાથે કનેક્ટ કરીને એક એપમાં પોસ્ટ કરેલું કન્ટેન્ટ આપોઆપ બીજી એપમાં શેર કરવાની તથા એક એપની મદદથી બીજી એપમાં લોગઇન થવાની સગવડ મળતી હતી. હવે બંને એકાઉન્ટ માટે બીજા ઘણા પ્રકારનાં કોમન સેટિંગ્સ કરી શકાય છે. મતલબ કે આપણે બંનેમાંથી કોઈ પણ એક એપમાં, ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ બંને એપને લાગુ પડે તેવાં વિવિધ સેટિંગ કરી શકીએ છીએ.

નવાં ફીચર્સ અનુસાર મેટા એકાઉન્ટ્સ સેન્ટરમાંથી આપણે બંને એપમાંની આપણી પર્સનલ ડીટેઇલ્સ, પાસવર્ડ અને સિક્યોરિટી સંબંધિત સેટિંગ્સ, આપણી પોતાની ઇન્ફર્મેશન તથા બંને એપને આપણે આપેલી વિવિધ પ્રકારની પરમિશન, બંને પ્લેટફોર્મ પર આપણે ક્યા પ્રકારની એડ્સ જોવા માગીએ છીએ તેના પ્રેફરન્સ, તેમ જ લાગુ પડતું હોય તો પેમેન્ટ્સનાં સેટિંગ્સ પણ એક જ જગ્યાએથી કરી શકીએ છીએ. 

એ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે કે આ નવા મેટા એકાઉન્ટ્સ સેન્ટરનો લાભ લઈને જો તમે અહીં કોઈ સેટિંગ કરશો તો એ મેટા કંપની હેઠળની બધી એપને લાગુ થશે. એ પણ ધ્યાને રાખવા જેવું છે કે મેટા એકાઉન્ટ્સ સેન્ટર ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એપમાં અલગ અલગ રીતે પણ આ જ પ્રકારનાં સેટિંગ્સ કરી શકાય છે. એટલું જ નહીં, આપણે ઇચ્છીએ ત્યારે બંને એકાઉન્ટ કનેક્ટ કરી શકીએ અને ઇચ્છીએ ત્યારે તેમને ડિસકનેક્ટ પણ કરી શકીએ છીએ.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Kom67Ty