Image Envato

તા. 29 માર્ચ 2023, બુધવાર

ઇમારતો અને લોકોને આકાશમાંથી પડતી વીજળીથી બચાવવા માટે છત પર રોડ્સ લગાવવામાં આવે છે. આ રોડ્સ વીજળી પડતા તેને જમીનની અંદર મોકલી દે છે. બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ વીજળી પડતા પહેલા જ તેને જમીનની અંદર મોકલવાની ટેકનોલોજીની શોધ કરી છે. આ રોડ્સ આકાશમાંથી વીજળી પડતા પહેલા જ આકાશ તરફ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ   ફેંકે છે. આ ડિસ્ચાર્જ વીજળીને પોતાની તરફ આકર્ષિત કરે છે. વીજળી આ રોડ્સ સાથે અથડાઈને જમીનમાં જતી રહે છે.

પરીક્ષણ માટે વૈજ્ઞાનિકોએ લગાવ્યા સ્લો મોશન કેમેરા

બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ સાઓ પાઉલો શહેરના ઉત્તર-પૂર્વમાં સ્થિત ઈમારતો પર રોડ્સ લગાડ્યા હતા. આ પ્રકારની ઘટના એક મિલીસેકંડથી પણ ઓછા સમયમાં થાય છે. આ ઘટનાના ફોટોસ કે વીડિયો લેવા ખુબ જ કઠિન છે. આ સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ 450 ફૂટ દુર હાઈ સ્પીડ વીડિયો કેમેરા લગાવ્યા હતા. જેથી રોડ દ્વારા આકાશમાં ફેકેલ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ અને વીજળીના મળવાની ફોટોસ લઈ શકાય. આ કેમરાએ દર સેકન્ડે 40 હજાર ફોટોસ લીધા હતા.

લોકોનો જીવ બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે આ રોડ્સ

નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્પેસ રિસર્ચના સીનીયર રિસર્ચરે જણાવ્યું હતું કે, 'અમે 31 ઈલેક્ટ્રીકલ ડિસ્ચાર્જ રેકોર્ડ કર્યા, જે આકાશમાંથી વીજળીને પોતાની તરફ આકર્ષિત કરતા દેખાયા હતા.આકાશમાં મોસમ બદલતાની સાથે જ આ રોડ્સ એક્ટીવ થઈ જાય છે. આ આકાશની નેગેટીવ ચાર્જ્ડ વીજળીને તરત જ પોઝીટીવ બનાવી ખેંચી લે છે. આ લોકોને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે.   

ગ્રીસમાં લેઝર દ્વારા વીજળીની દિશા બદલવામાં આવી હતી

થોડા મહિનાઓ પહેલા ગ્રીસના વૈજ્ઞાનિકોએ આકાશમાં લેઝર દ્વારા રેપિડ ફાયરિંગ કરી વીજળીની દિશા બદલી હતી. આ પ્રયોગ દ્વારા એ સ્થાપિત કરવામાં આવ્યું હતું કે ઇમારતો પર વીજળીના રોડ્સની જગ્યાએ લેઝર બીમનો પણ ઉપયોગ કરી શકાય છે. જેના કારણે વીજળી પડવાથી જાન-માલનું નુકસાન થશે નહીં. જોકે આ પ્રયોગને સંપૂર્ણ રીતે વિકસાવવામાં સમય લાગશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/atkVeTB