- સૂર્ય મંડળનાં આશ્ચર્યો - રહસ્યોનો તાગ મળી રહ્યો છે 

- બરફનાં બનેલાં અને ભૂરા - નારંગી રંગનાં વિશાળ વલયો  જોઇને ખગોળશાસ્ત્રીઓ ભાવવિભોર બની ગયા 

વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે (જેડબલ્યુએસટી) સૂર્ય મંડળનું રૂપકડું  રહસ્ય  શોધ્યું છે.આ મનોહર રહસ્ય છે સૌર મંડળના સાતમા ક્રમના અને  બરફ તથા  વાયુના વિરાટ ગોળા  યુરેનસ ગ્રહનાં  કુલ ૧૩માંનાં  ૧૧ સુંદર વલયો(જેને રીંગ્ઝ કહેવાય છે)ની અને છ(૬) ઉપગ્રહોની અદભૂત  રંગીન  ઇમેજીસ(છબી)નું.  પૃથ્વીથી યુરેનસ ૩.૦૬૮૫  અબજ કિલોમીટરના અતિ અતિ દૂરના અંતરે  છે.

યુરેનસનાં ૧૧ વલયો ભૂરા અને નારંગી રંગનાં છે જ્યારે  યુરેનસના મીરાન્ડા, ઉબ્રીયેલ, એરિયલ, ટાઇટેનિયા વગેરે ઉપગ્રહોની છબીઓ પણ મજેદાર  છે.

નાસાનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે  જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે  પહેલી જ વખત ૨૦૨૩ની ૬,ફેબુ્રઆરીએ યુરેનસનાં કુલ ૧૩માંનાં ૧૧ સુંદર વલયોની મનોહર  અને રંગીન ઇમેજીસ લીધી છે. આમાંનાં મોટાભાગનાં વલયો અતિ પ્રકાશિત અને ચળકતાં હોવાથી તેનું કુદરતી સૌંદર્ય જોઇને નાસાના ખગોળ વિજ્ઞાાનીઓ ભાવવિભોર થઇ ગયા છે. જેમ્સ વેબે  તેના અત્યાધુનિક ટેકનોલોજીવાળા  નિયર ઇન્ફ્રારેડ કેમેરા(એનઆઇઆરસીએએમ)  દ્વારા યુરેનસનાં આ તમામ ૧૧ વલયોની ઇમેજીસ  લીધી છે.

આશ્ચર્યની બાબત તો એ છે કે ટેલિસ્કોપે યુરેનસનાં સૌથી અંદરનાં ,અતિશય ઝાંખાં અને ધૂળ,પથ્થર,બરફનાં બનેલાં બે મોટાં વલયોની ઇમેજીસ પણ લઇને ઝળહળતી સફળતા મેળવી છે. 

નાસાના વિજ્ઞાાનીઓએ યુરેનસનાં ૧૧ વલયોની રંગીન ઇમેજીસ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનાં બે આધુનિક ફિલ્ટર્સ દ્વારા મળેલી માહિતીનો સુમેળ કરીને  તૈયાર કરી છે.  યુરેનસ  ગ્રહની ભૂરા રંગની  સુંદરતમ  ઇમેજમાં   બરફનું ઘટ્ટ પાણી, મીથેન અને એમોનિયા વાયુઓ સાથે તેનું ઉંડું ખડકાળ  કન્દ્ર  પણ જોઇ શકાય છે.  

યુરેનસને  બહારનું પણ એક વિશાળ  વલય  છે તેવી    ૧૯૭૭માં   પહેલી જ વખત  સંશોધનાત્મક આગાહી કરનારા વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલે ગુજરાત સમાચારને એવી વિશિષ્ટ માહિતી આપી હતી કે યુરેનસનાં સુંદર વલયો બરફ,ધુળ,પથ્થરનાં બનેલાં છે. વળી, બરફ, ધૂળ, પથ્થરનાં કણો એકબીજાં જોડાયેલાં હોય. આ બધાં કણો  સતત ગોળ ગોળ ફરતાં હોવાથી કોઇ વિશાળ મહાસાગર ગોળ ગોળ  ફરતો હોય તેવું અજીબોગરીબ દ્રશ્ય સર્જાય.  આપણા સૌર મંડળમાંના  ગુરુ, શનિ,યુરેનસ, નેપ્ચુન વગેરે જેવા વાયુના મહાકાય ગ્રહોને  બરફનાં વલયો  હોવાથી તેનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે. વળી, યુરેનસ સહિત આ બધા વાયુના ગ્રહોનાં વલયો ખગોળશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય પણ છે. નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે યુરેનસનાં ૧૧ વલયોની ઇમેજીસ લીધી છે ત્યારે હવે ભારત સહિત વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ તેના વિશે ઉપયોગી સંશોધન પણ કરી શકશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DWzF0xN