
ગૂગલના પૂર્વ સાયન્ટિસ્ટ રે કુર્જવીલ વૈજ્ઞાનિક ભવિષ્યવાણીઓ માટે વિજ્ઞાાનજગતમાં વિખ્યાત છે. ૭૫ વર્ષના આ કમ્પ્યુટર સાયન્ટિસ્ટે અગાઉ કરેલી ઘણી આગાહી સાચી પડી ચૂકી છે. હવે તેમણે નિવેદન આપ્યું છે કે ૨૦૩૦ સુધીમાં નેનો રોબોટિક્સની મદદથી માણસ અજર-અમર થઈ જશે. ૫૦થી ૧૦૦ નેનોમીટરની સાઈઝના આ રોબોટ્સ માનવશરીરના નિદાન અને ઈલાજમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે.
ગૂગલમાં કામ કરી ચૂકેલા રે કુર્જવીલે તેમના પુસ્તક ધ સિગ્યુલારિટી ઈઝ નિયરના આધારે દાવો કર્યો હતો કે નેનોબોટ્સ ખૂબ જ મોટું પરિવર્તન લાવશે. ૨૦૩૦ સુધીમાં આ નેનોબોટ્સ માણસને અમર બનાવવાની દિશામાં ખૂબ જ ચાવીરૃપ ભૂમિકા ભજવતા થઈ જશે. નસોમાં દોડીને નિદાન કરતા ઉપરાંત ટેકનોલોજીની મદદથી ઈલાજ પણ કરી દેશે. તેનાથી સેંકડો માણસોની આવરદા વધશે.
ડીએનએની તપાસ, સેલ ઈમેજિંગ વગેરેમાં આ નેનોરોબોટ્સનો ઉપયોગ શરૃ થયો છે. આગામી સાત-આઠ વર્ષમાં આ ટેકનોલોજી ખૂબ જ ઝડપથી વિકસશે અને અસરકારક પણ સાબિત થશે. આ સાયન્ટિસ્ટના મતે નેનોરોબોટ્સ માનવશરીરને ઉર્જાવાન રાખવામાં મદદ કરશે. ફિટ રાખવામાં મદદ કરશે. ખોરાક પચાવવાથી લઈને શરીરમાંથી બિનજરૃરી તત્ત્વોને દૂર કાઢવામાં પણ ઉપયોગી થઈ પડશે. પરિણામે માનવશરીર રોગમુક્ત થશે.
રે કુર્જવીલે અગાઉ ઘણી મહત્ત્વની સટિક સાયન્ટિફિક આગાહીઓ કરી છે. તેમની ૧૪૭માંથી ૮૬ ટકા આગાહીઓ સાચી પડી ચૂકી છે, જેમાં ૨૦૦૦ના વર્ષ પછી રોબોટ ચેસમાં માણસને હરાવી દેશે એવી આગાહીનો પણ સમાવેશ થતો હતો. વાયરલેસ ટેકનોલોજી અને ઈન્ટરનેટના વિકાસના ઘણાં દૂરગામી નિવેદનો આ કમ્પ્યૂટર સાયન્ટિસ્ટે કર્યા હતા, જે પછીથી સાચા ઠર્યા હતા.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/i8tVLQo
0 Comments