-સેમસંગ તેના ફોનમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલને હટાવી શકે છે. 

નવી દિલ્હી,તા. 18 એપ્રિલ 2023, મંગળવાર

છેલ્લા ઘણા વર્ષોથી સર્ચ એન્જિનની દુનિયામાં ગૂગલનો એકતરફી એકાધિકાર છે. જોકે હવે માઈક્રોસોફ્ટના AI સર્ચ એન્જિને ગૂગલને મોટો પડકાર આપવાનું શરૂ કરી દીધું છે. માઈક્રોસોફ્ટનું ChatGPT એક તરફ ગૂગલની ચિંતા વધારી રહ્યું છે તેવામાં હવે સેમસંગ વધુ એક ફટકો આપવા જઈ રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સેમસંગ તેના ફોનમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલને હટાવી શકે છે. દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન કંપની ગૂગલને બદલે માઇક્રોસોફ્ટ બિંગનો સર્ચ એન્જિન તરીકે ઉપયોગ કરી શકે છે.

આજકાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. વિશ્વભરની ટેક કંપનીઓ AI સેક્ટરમાં જંગી રોકાણ કરી રહી છે. માઇક્રોસોફ્ટે અમેરિકન AI રિસર્ચ કંપની OpenAIમાં પણ રોકાણ કર્યું છે. આ કંપનીએ ગયા વર્ષે ChatGPT લોન્ચ કર્યું છે. ChatGPT ની લોકપ્રિયતા હાલ સાતમા આસમાને છે. 

સેમસંગના નિર્ણયથી ગૂગલને નુકસાન :

જો સેમસંગ તેના ફોનમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન માટે ગૂગલનો ઉપયોગ નહીં કરે તો ગૂગલને મોટું નુકસાન થઈ શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત Bingનો ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ઉપયોગ કરશે. માઇક્રોસોફ્ટે Bingમાં ChatGPT સપોર્ટ આપવામાં આવે છે. આમ યુઝરનો સર્ચ એન્જીન અનુભવ પહેલા કરતા સારો થશે.

સર્ચ એન્જિન માર્કેટમાં ગૂગલનું પ્રભુત્વ :

સેમસંગ વિશ્વની બીજી સૌથી મોટી સ્માર્ટફોન ઉત્પાદક કંપની છે, જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. સ્ટેટિસ્ટાએ સર્ચ એન્જિન માર્કેટના જાહેર કરેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2023 સુધીમાં વૈશ્વિક સર્ચ એન્જિન માર્કેટમાં ઓનલાઈન સર્ચ એન્જિન બિંગનો હિસ્સો 8.85 ટકા છે. બીજી તરફ ગૂગલનો માર્કેટ શેર 84.69 ટકા છે. જોકે ગૂગલે પણ જાહેરાત કરી છે કે તેઓ પણ નવું AI સર્ચ એન્જિન લાવશે. રિપોર્ટ અનુસાર અમેરિકન ટેક કંપની MAGIને ડેવલપ કરી રહી છે, જે એક નવું AI સર્ચ એન્જિન છે. આ સિવાય કંપની હાલના સર્ચ એન્જિનમાં AI સર્વિસ પણ ઉમેરશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/L8XzjuD