
નવી દિલ્હી,તા. 13 એપ્રિલ 2023,ગુરૂવાર
ગુરૂ એટલે કે બૃહસ્પતિના ગ્રહ પર જિંદગીની તલાશ માટેનુ અભિયાન માનવ જાત શરૂ કરવા જઈ રહી છે. યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા આજે એરિયન-5 સેટેલાઈટ આ માટે લોન્ચ કરવામાં આવશે. જેને ગુરૂની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.
આ સેટેલાઈટમાં એવા ઉપકરણ ફિટ કરાયા છે જે ગુરૂ ગ્રહના ચંદ્રોનુ પણ મેપિંગ કરી શકે. યુરોપિયન સ્પેસ એજન્સીનો આ સેટેલાઈટ ગુરૂ ગ્રહના ત્રણ ચંદ્રની સપાટી પર કોઈ જાતનુ જીવન છે કે નહીં તે શોધવા માટે પ્રયત્ન કરશે. જોકે આ મુસાફરી લાંબી છે. આ સેટેલાઈટને ગુરૂ ગ્રહની ભ્રમણકક્ષામાં પહોંચતા આઠ વર્ષનો સમય લાગશે. જુલાઈ 2031 બાદ તે ગુરૂ ગ્રહની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.
વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે, ગુરૂના ત્રણ ચંદ્ર કેલિસ્ટો, યુરોપા અને ગેનીમેડ પર મહાસાગરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે. આ બાબતની તપાસ સેટેલાઈટ કરશે. સ્પેસ એજન્સીએ આ મિશનને જ્યુપિટર આઈસ મૂન્સ એક્સપ્લોરર( જ્યુસ) નામ આપ્યુ છે. સેટેલાઈટ એરિયન -5 જ્યુપિટર એટલે કે ગુરૂ ગ્રહ પરના ચંદ્રમા પર કયા પ્રકારનુ વાતાવરણ હોય છે તેનો પણ અભ્યાસ કરશે.
ગુરૂ સુધી પહોંચવા માટે એજન્સીએ પોતાના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી સેટેલાઈટનો ઉપયોગ કર્યો છે. એ પછી પણ તે પોતાની તાકાત પર ગુરૂ સુધી પહોંચી શકે તેમ નથી. એટલે આ સેટેલાઈટ પૃથ્વી અને શુક્ર ગ્રહના ચક્કર લગાવશે અને તેના ગુરૂત્વાકાર્ષણ બળનો ઉપયોગ કરીને ગુરૂની ભ્રમણકક્ષામાં પહોંચવા માટે લાંબી છલાંગ લગાવશે.
એરિયન સેટેલાઈટમાં મેપિંગ માટેના કેમેરા, પાર્ટિકલ ડિટેક્ટર, ચંદ્રની સપાટીના મેપિંગ માટે રડાર જેવા દસ ઉપકરણો ફિટ કરવામાં આવ્યા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tlFchqZ
0 Comments