- સમુદ્રના પ્રવાહો, પેટાળમાંના ભૂખંડો, બદલાતી આબોહવાની જાણકારી મળશે :  યુરોપિયન સ્પેસ એજન્સી સહિત જુદા જુદા દેશના રાડાર સેટેલાઇટ્સ દ્વારા માહિતી મળી

સાન ડિયેગો / મુંબઇ :  વિશ્વના તમામ   સુમદ્રોના તળિયે ૧૯,૦૦૦ કરતાં પણ વધુ જ્વાળામુખી  મળી આવ્યા છે.આ વિશિષ્ટ સંશોધનમાં અમેરિકા, બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશના મરીન  ફિઝિસિસ્ટ્સ(સમુદ્રને લગતી બાબતોના વિજ્ઞાનીઓ) જોડાયા હતા.

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીની સ્ક્રીપ  ઇન્સ્ટિટયુટ ઓફ ઓશનોગ્રાફીના મરીન ફિઝિસિસ્ટ્સ ડેવીડ સેન્ડવેલ અને તેની ટીમે પૃથ્વીના સૌથી ઉંડા અને વિશાળ પ્રશાંત મહાસાગર(પેસિફિક મહાસાગર) સહિત જુદા જુદા સમુદ્રોના પેટાળનું સંશોધન કર્યું  છે. 

સંશોધનની આ વિગતો ૨૦૨૩ની ૬,એપ્રિલે અર્થ એન્ડ સ્પેસ સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ  થયું છે.

ડેવીડ સેન્ડવેલે એવી  માહિતી આપી હતી કે અમે આ નવતર સંશોધન માટે યુરોપિયન સ્પેસ એજન્સીના રાડાર સેટેલાઇટ ક્રાયોસેટ -૨ સહિત અન્ય દેશોના  રાડાર  સેટેલાઇટ્સ દ્વારા મળેલી  ઇમેજીસ(છબી) અને અન્ય વિગતોનો અભ્યાસ કર્યો છે. અમારા આ સંશોધનના આધારે હવે મહાસાગરોના પ્રવાહો(કરન્ટ્સ), તળિયે પથરાયેલા પ્લેટ ટેક્ટોનિક્સ (પ્લેટ ટેક્ટોનિક્સ), ક્લાઇમેટ ચેન્જીસ(આબોહવામાં થતા ફેરફાર) વગેરે બાબતો અને પરિબળો વિશે પણ ઉપયોગી માહિતી મળશે. 

વિજ્ઞાનીઓની ટીમે એવી માહિતી પણ  આપી હતી કે આમ તો પૃથ્વીનો વિરાટ ગોળો ૭૦ ટકા પાણી (સમુદ્ર,મહાસાગરો)થી  ઘેરાયેલો છે. મહાસાગરોના તળિયે વિશાળ અને રંગબેરંગી જીવ સૃષ્ટિ પણ છે. નાના મોટા  પર્વતો પણ  છે.આમ છતાં રાડાર સેટેલાઇટ્સની મદદથી મહાસાગરાની ચોક્કસ  ઉંડાઇ કેટલી છે અને ત્યાં ખરેખર શું શું  છે તેની સચોટ માહિતી મળે છે. આ જ સંશોધન દરમિયાન અમને તમામ મહાસાગરોના તળિયે ૧૯,૦૦૦ કરતાં પણ વધુ જ્વાળામુખી હોવાની જાણકારી મળી છે. 

ડેવીડ સેન્ડવેલે એવી માહિતી પણ આપી હતી કે આ સંશોધન માટે અમે વર્ટિકલ ગ્રેવિટી ગ્રેડિયન્ટ મેપ( કોઇપણ ગ્રહ, તારા,પૃથ્વી,સમુદ્ર  જેવા  વિશાળ ક્ષેત્રના ચોકકસ બિંદુએથી  ગુરુત્વાકર્ષણ બળની દિશાનો નકશો)નો ઉપયોગ કર્યો છે. અમને  આ પ્રક્રિયા દરમિયાન જુદી જુદી ઉંચાઇ ધરાવતા   સીમાઉન્ટ્સ( સમુદ્રમાંના જ્વાળામુખીની   ગતિવિધિ દ્વારા બનતા પર્વતો)ની પણ જાણકારી મળી છે.   એટલે કે  પેસિફિક    મહાસાગર   સહિત અન્ય મહાસાગરોના તળિયે ૧૯,૩૨૫ નવા સીમાઉન્ટ્સ મળ્યા  છે.  આમાંનાં અમુક  નાના  સીમાઉન્ટ્સની ઉંચાઇ   ૨,૫૦૦ મીટર(૭,૦૦૦ ફૂટ) છે.  અમારા સંશોધન મુજબ આવા સીમાઉન્ટ્સ આમ તો સક્રિય અથવા  નિષ્ક્રિય જ્વાળામુખી  હોય છે. આવા સીમાઉન્ટ્સ  મહાસાગરના પેટાળમાંનો કોઇ જ્વાળામુખી ફાટે અને તેમાંથી બહાર  ફેંકાયેલા લાવારસમાંથી બનેલા હોય છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LUtuoaO