- અદભૂત -સફળ વૈજ્ઞાનિક  પ્રયોગ : યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાને સૌર મંડળના લાલ ગ્રહ મંગળ પરથી મોકલેલો  સાંકેતિક સંદેશો 16 મિનિટે પૃથ્વી પર આવ્યો

મુંબઇ : ૨૦૨૩ની ૨૪, મે : સમય : મધરાતના : ૧૨ : ૪૬, ગુરુવાર. અનંત બ્રહ્માંડના એક સાવ જ અજાણ્યા સ્થળેથી પૃથ્વીવાસીઓને પહેલી જ વખત  એલિયન મેસેજ મળ્યો છે. રહસ્યમય ભાષામાં લખાયેલો સંદેશો મળ્યો છે. 

અફાટ અંતરીક્ષમાં આપણો સાદ સાંભળનારું કોઇ છે  કે કેમ  તેની  પૃથ્વીવાસીઓની  જિજ્ઞાસા કદાચ પૂરી થઇ હોય તેવી અજીબોગરીબ ઘટના બની છે.  

ગુપ્ત ભાષાનો  આ સંદેશો મળવાથી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ તો રાજીના રેડ થઇ ગયા છે. સાથોસાથ આ ભેદી સંદેશો ઉકેલવા અને તે બ્રહ્માંડના  ચોક્કસ કયા સ્થળેથી આવ્યો  છે તે રહસ્ય ઉકેલવા જગતભરના ખગોળશાસ્ત્રીઓ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ ટીમ તૈયાર કરી છે. 

બીજીબાજુ  હકીકત સાવ જ જુદી છે. ફોડ પાડીને કહીએ તો વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓએ એ સાઇન ઇન સ્પેસ નામના સાયન્સ પ્રોજેક્ટ અંતર્ગત એક અનોખો પ્રયોગ કર્યો છે. 

આ પ્રયોગનો હેતુ એ છે કે પૃથ્વીવાસીઓને અનંત ,અફાટ,રહસ્યમય બ્રહ્માંડના કોઇ દૂર સૂદૂરના ગ્રહ,ઉપગ્રહ,કે ગેલેક્સીમાંથી  કદાચ પણ કોઇ ગુપ્ત સંદેશો કે ભેદી અવાજ મળે તો તેને કઇ રીતે ઉકેલવો, તે સંદેશો ખરેખર અંતરીક્ષના ચોક્કસ કયા સ્થળેથી આવ્યો છે તેનું સચોટ પગેરું શોધવાનો છે. એ સાઇન ઇન સ્પેસ પ્રોજેક્ટના આ ગુપ્ત સંદેશા સાથે ડેનિયેલા દ પોઉલીસ નામના આર્ટિસ્ટ જોડાયેલા છે.

ગુરુવારે સૌર મંડળના લાલ ગ્રહ મંગળ પરથી પૃથ્વીવાસીઓને એક સાંકેતિક ભાષામાં લખાયેલો સંદેશો મળ્યો. 

ગુપ્ત ભાષાનો આ સંદેશો ખરેખર તો યુરોપિયન સ્પેસ એજન્સી(ઇએસએ)ના એક્ઝો માર્સ ટ્રેસ ગેસ ઓર્બિટર નામના અવકાશયાન દ્વારા એક  પ્રયોગરૂપે   મોકલવામાં આવ્યો છે. ખગોળશાસ્ત્રીઓ પહેલી જ વખત એલિયન મેસેજનું રિહર્સલ કર્યું છે. 

ઇ.એસ.એ.ના અવકાશયાન દ્વારા સંદેશો ગુરવારે રાતે ૧૨ : ૩૦ વાગે વહેતો  થયો જે બરાબર ૧૬ મિનિટ બાદ પૃથ્વી પરની ત્રણ વેધશાળા  -- સર્ચ ફોર  એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ (એસ.ઇ.ટી.આઇ -કેલિફોર્નિયા-અમેરિકા)  અને મેડિસીના રેડિયો એસ્ટ્રોનોમિકલ સ્ટેશન(ઇટાલી) ,ગ્રીન બેન્ક ઓબ્ઝર્વેટરી(વર્જિનિયા -અમેરિકા) એમ ત્રણ વેધશાળાને મળ્યો છે.         

મંગળ પરથી આવેલો આ એલિયન મેસેજ ભલે એક પ્રયોગરૂપે હોય પણ અંતરીક્ષ સંશોધન અને બ્રહ્માંડના કોઇ ખૂણે કોઇપણ સ્વરૂપમાં જીવન છે ,પૃથ્વીવાસીઓને હોંકારો દેનારું કોઇ છે કે કેમ  તેનો અદભૂત અને સફળ વૈજ્ઞાનિક પ્રયોગ જરૂર કહી શકાય.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ljTs5Iw