- ઇસરોના વિજ્ઞાનીઓની અને એન્જિનિયરોની વધુ એક ટેકનિકલ સિદ્ધિ

- ઇન્ટરનેટ, ઇમરજન્સી સર્વિસીસ, કૃષિ, મોબાઇલ નેટવર્ક, પાવર ગ્રીડ્ઝ જેવા ક્ષેત્રમાં ગ્લોબલ પોઝીશનિંગ સર્વિસ આપશે

બેંગલુરુ/મુંબઇ : ઇસરોએ આજે નેવિગેશન સેટેલાઇટ એનવીએસ --૦૧ સફળતાપૂર્વક તરતો મૂકીને વધુ એક ટેકનિકલ સિદ્ધિ મેળવી છે.એનવીએસ -૦૧ સેટેલાઇટ આજે સવારે ૧૦ -૪૨ કલાકે શ્રીહરિકોટાના સતીષ ધવન -૨ સ્પેસ સેન્ટર પરથી તરતો મૂકાયો છે. ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે કુલ ૨૨૩૨ કિલો વજનના ભારેભરખમ એનવીએસ -૦૧ સેટેલાઇટને  જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ(જીએસએલવી -એફ -૧૨) રોકેટ દ્વારા તરતો  મૂકાયો  છે. સેટેલાઇટ  તરતો  મૂકાયો  તેની બરાબર ૧૯ મી મિનિટે તે પૃથ્વીથી  ૨૫૧ કિલોમીટરની  જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક પહોંચી ગયો હતો. મહત્વની ટેકનિકલ સિદ્ધિ એ છે જીએસએલવી -એફ -૧૨માં સ્વદેશી  ટેકનોલોજીનું ક્રાયોજેનિક એન્જિન પણ  છે. જીએસએલવી રોકેટ  ૫૧.૭ મીટર  તોતિંગ  ઉંચું અને   ત્રણ હિસ્સાનું છે. તેનું વજન ૪૨૦ ટન છે.  

 એનવીએસ -૦૧ સફળતાપૂર્વક  તરતો  મૂકાયો  ત્યારે ઇસરોના ચેરમેન એસ.સોમનાથ તેમની બેંગલુરુ ઓફિસમાં વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો સાથે હાજર રહ્યા હતા.   

 એસ.સોમનાથે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ નેવિગેશન સેટેલાઇટ કુલ  પાંચમાંનો પહેલો એનવીએસ -૦૧ સેટેલાઇટ છે. ખરેખર તો અમે કુલ  સાત સેટેલાઇટનું ઇન્ડિયન કોન્સ્ટેલેશન (ઝૂમખું) બનાવ્યું છે.આજના એનવીએસ-૦૧ સેટેલાઇટની મદદથી ભારતમાં મોબાઇલ ફોન, માછીમારો, કૃષિ ક્ષેત્ર,ઇન્ટરનેટ, પાવર ગ્રીડ, તાકીદની -કટોકટીની સેવા, નાણાંકીય સંસ્થાઓ,નાગરિક સેવાની સંસ્થાઓ વગેરેને સમય અને દિશાની  ઉત્તમ,સચોટ, ઝડપી સેવા આપશે. એટલે કે આ સેટેલાઇટ  ભારતમાં કુલ ૧,૫૦૦ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં  પોતાની સ્વદેશી ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ(જીપીએસ) તરીકે  સતત ૧૨ વર્ષ સુધી  ઉત્તમ સેવા આપશે. અમે એનવીએસ-૦૧માં અમુક મહત્વના ટેકનિકલ સુધારા  કરીને તેને વધુ આધુનિક બનાવ્યો છે.

એનવીએસ -૦૧માં એલ - ૧,એલ- ૫, એસ બેન્ડ વગેરે વૈજ્ઞાનિક ઉપકરણો છે. ઉપરાંત ઇસરોએ પહેલી જ વખત એનવીએસ -૦૧માં સંપૂર્ણ સ્વદેશી બનાવટની રૂબિડિયમ એટમિક ક્લોક(જેને રૂબિડિયમ એટમિક ફ્રિક્વન્સી સ્ટાન્ડર્ડ પણ કહેવાય છે) પણ ગોઠવવામાં આવી છે.રૂબિડિયમ એટમિક કલોક એનવીએસ -૦૧ સેટેલાઇટનું હાર્ટ (સૌથી મહત્વનું વૈજ્ઞાનિક ઉપકરણ) છે. રૂબિડિયમ એટમિક ક્લોક ઇસરોની સહયોગી સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર(અમદાવાદ) દ્વારા બનાવવામાં આવી છે.આ પ્રકારની રૂબિડિયમ એટમિક  ક્લોક વિશ્વના અંતરીક્ષ સંશોધન ક્ષેત્રના બહુ ઓછા દેશ બનાવી શકે છે.

એસ.સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે ઇસરો હવે પછી  જીએસએલવી દ્વારા  હવામાન અને આબોહવાની આગાહી વિષયક માહિતી આપતો સેટેલાઇટ ઇન્સેટ - ૩ ડીએસ અને  નાસા ઇસરો સિન્થેટિક એપેર્ચર રાડાર(એન.ઇ.એસ.એ.આર.--નિસાર) સેટેલાઇટ   મૂકવામાં આવશે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9TvgmOR