image : Pixabay 


IIT મદ્રાસના વિજ્ઞાનીઓએ 3D પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણની શોધ કરી છે. તેની મદદથી દૂધમાં ભેળસેળ માત્ર 30 સેકન્ડમાં ઓળખી શકાય છે. આ ઉપકરણની મદદથી દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ, સાબુ, સ્ટાર્ચ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ-હાઇડ્રોજન-કાર્બોનેટ, મીઠું અને અન્ય ભેળસેળવાળી વસ્તુઓને તાત્કાલિક શોધી શકાય છે. સંશોધકોનો દાવો છે કે સામાન્ય લોકો આ ઉપકરણથી ઘરે બેઠા દૂધમાં ભેળસેળને સરળતાથી શોધી શકશે. આ સંશોધન નેચર જર્નલમાં પણ પ્રકાશિત થયું છે.

જુઓ કેટલો ઉપયોગી છે આ ઉપકરણ 

આઈઆઈટી મદ્રાસના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય રિસર્ચર પ્રોફેસર પલ્લબ સિંહા મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ ઉપકરણ સાથે પરીક્ષણ કરવા માટે માત્ર એક મિલીલીટર દૂધની જરૂર પડશે. આ પરીક્ષણ પાણી, તાજા રસ અને મિલ્કશેક જેવા પ્રવાહીમાં થતી ભેળસેળ પણ શોધી શકે છે.

કઈ રીતે કામ કરે છે આ ઉપકરણ

3D પેપર-આધારિત માઇક્રોફ્લુડિક ઉપકરણ જાડા પ્રવાહીમાં પણ અશુદ્ધિઓને ચોક્કસ રીતે શોધી શકે છે. તેની ડિઝાઇનમાં વોટમેન ફિલ્ટર પેપર ગ્રેડ 4 નો ઉપયોગ કરાયો છે, જે  પ્રવાહમાં મદદ કરે છે અને વધુ રીએજન્ટના સંગ્રહ માટે પરવાનગી આપે છે. રીએજન્ટ એ પદાર્થ અથવા સંયોજન છે જે રાસાયણિક પ્રતિક્રિયા પેદા કરવા માટે સિસ્ટમમાં ઉમેરવામાં આવે છે અથવા મિશ્ર કરવામાં આવે છે. તે પદાર્થને પણ રીએજન્ટ  કહેવામાં આવશે જે પ્રતિક્રિયા થાય છે કે નહીં તે ચકાસવા માટે ઉમેરવામાં આવે છે.

આ ટેક્નોલોજી પરંપરાગત લેબ-આધારિત પરીક્ષણ કરતાં સસ્તી 

પ્રો. મહાપાત્રાએ જણાવ્યું કે આ ટેક્નોલોજી સમય માગતી પરંપરાગત લેબ-આધારિત પરીક્ષણ કરતાં સસ્તી છે. ભારતમાં દૂધમાં ભેળસેળની ફરિયાદો વધી રહી છે, તેથી આ ટેક્નોલોજી સામાન્ય લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભેળસેળયુક્ત દૂધના સેવનથી કિડનીની સમસ્યા, બાળમૃત્યુ, પેટની સમસ્યાઓ, ઝાડા અને કેન્સર જેવી તબીબી સમસ્યાઓ પણ થવાની સંભાવના છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LSgJeV0