વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસમાં બંને દેશો વચ્ચે અત્યંત ઘાતક MQ-9B રીપર ડ્રોન્સની ડીલ થશે. આ ડ્રોનને હંટર કિલર ડ્રોન પણ કહેવામાં આવે છે.

ગયા વર્ષે 31 જુલાઈના રોજ અમેરિકાએ કાબુલમાં તત્કાલીન અલ કાયદાના વડા અલ જવાહિરીની હત્યા કરી હતી. હુમલો એટલો સચોટ હતો કે જવાહિરી સિવાય બિલ્ડિંગમાં રહેલા અન્ય કોઈનું મૃત્યુ થયું નહોતું.આ સમગ્ર ઓપરેશન આ કિલર ડ્રોન દ્વારા કરવામાં આવ્યું હતું.આ કારણે જ ચીન અને પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધોને જોતા ભારતે આ અનોખા ડ્રોન ખરીદવાનો નિર્ણય કર્યો છે.

આશરે 3 અબજ યુએસ ડોલરના આ સોદામાં ભારતને 30 MQ 9B રીપર ડ્રોન મળશે, જેમાંથી 14 ડ્રોન ભારતીય નૌકાદળને અને 8-8 ડ્રોન આર્મી અને એરફોર્સને આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીની બે દિવસમાં અમેરિકાની મુલાકાત દરમિયાન આ ડીલ પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે અને સંરક્ષણ નિષ્ણાતો તેને ગેમ ચેન્જર તરીકે જોઈ રહ્યા છે. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂયોર્ક ટાઈમ્સ' અનુસાર, અમેરિકાએ આ આધુનિક ડ્રોનનો ઉપયોગ તાલિબાન અને ISIS વિરુદ્ધ કર્યો હતો. આ રીપર ડ્રોન યુએસ આર્મીના હવાઈ કાફલાનો ખૂબ જ જરૂરી હિસ્સો ગણાય છે. જેનો ઉપયોગ સર્વેલન્સ અને હુમલા એમ બંને માટે થાય છે

શું છે આ કિલર ડ્રોનની ખાસિયતો ?

ભારત પાસે 7,517 કિમીનો દરિયાકિનારો છે. આ સિવાય LAC ચીન સાથે 4,056 કિમી, પાકિસ્તાન સાથે 3,323 કિમી, નેપાળ સાથે 1,752 કિમી અને મ્યાનમાર સાથે 1,645 કિમી છે. આ સ્થિતિમાં આપણે એવા એરક્રાફ્ટની જરૂર છે જે પાડોશી દેશોની આંખોમાં ધૂળ નાખીને રીયલ ટાઈમ મોનીટરીંગ કરી શકે.

MQ 9B રીપર ડ્રોન આ જરૂરિયાતને ખૂબ સારી રીતે પૂર્ણ કરે છે. જમીન પર બે પાઇલોટ અને સેન્સર ઓપરેટરોની ટીમ દ્વારા તેને દૂરથી ઉડાડવામાં આવે છે. પાયલોટ ટેકઓફ, ફ્લાઇટ પાથ અને લેન્ડિંગને નિયંત્રિત કરે છે, જ્યારે સેન્સર ઓપરેટરો કેમેરા અને સર્વેલન્સ સાધનોને નિયંત્રિત કરે છે.  એવું કહેવાઈ રહ્યું છે કે  સરકાર 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ તેને દેશમાં બનાવવા માંગતી હતી, પરંતુ અમેરિકા તેને ઝડપથી વેચવા માંગે છે. ચીનની વધતી આક્રમકતા અને ચીન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતા ડ્રોનને જોતા ભારતે આ ડીલને મંજૂરી આપી હતી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nvIX2Ke