- અંતરીક્ષ સંશોધનના ઇતિહાસની પ્રથમ સુવર્ણ  સિદ્ધિ

- પૃથ્વીના વાતાવરણને વેરણછેરણ કરતા સૌર તોફાનોની સચોટ આગાહી કરવામાં ઘણી મદદ મળી શકશે

વોશિંગ્ટન/મુંબઇ : અંતરીક્ષ સંશોધનના ઇતિહાસમાં પહેલી જ વખત  કોઇ માનવકૃત અવકાશયાનને કે ઉપકરણને  છેક સૂર્યની   ૬,૦૦૦ ડિગ્રી સેલ્સિયસના કલ્પનાતીત  તાપમાનમાં ઉકળતી ભઠ્ઠીની  નજીક પહોચવામાં  સફળતા મળી છે.  

સાથોસાથ  સૌર પવનો  સૂરજની  સપાટી પરના ચોક્કસ  કયા હિસ્સામાંથી બહાર ફેંકાય છે  અને તેનું (સૌર પવનો)નું સ્વરૂપ કેવું હોય છે તેનું રહસ્ય પણ શોધ્યું છે. વિશ્વભરના  ખગોળશાસ્ત્રીઓ  છેલ્લાં ૬૦ વર્ષથી  સૌર પવનોનું કેન્દ્ર ક્યાં છે તેનું  સંશોધન કરી રહ્યા છે.

૨૦૧૮ની ૧૨, ઓગસ્ટે રવાના  થયેલું પાર્કર સોલાર પ્રોબ હાલ સૂર્યની સપાટીથી ૨૫ થી ૩૦ સોલર રાડ્ડી એટલે કે એક કરોડ ૩૦ લાખ માઇલના અંતરે છે જે ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ ઘણું નજીક ગણાય. પાર્કર સોલાર પ્રોબ ૫૮૭,૦૦૦ કિલોમીટર(પ્રતિ કલાક)ની અતિ તીવ્ર ગતિએ પ્રવાસ કરી રહ્યું છે. અંતરીક્ષ સંશોધન માટેનાં  અત્યારસુધીનાં તમામ અવકાશયોની સરખામણીએ સૌથી આધુનિક અને સૌથી વધુ ગતિએ પ્રવાસ કરી રહેલા પાર્કર સોલાર પ્રોબે ૨૦૨૧ની ૧૭,માર્ચે પહેલી જ વખત સૂર્યથી   નજીક  રહીને કુલ ૧૫ વખત ચક્કર માર્યાં છે. 

નાસાનાં સૂત્રોએ ખુશી  વ્યક્ત કરતાં જાહેર કર્યું છે કે અમારું પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સપાટી પરથી ફેંકાતા સૌર પવનો(જેને સોલાર વિન્ડ્ઝ કહેવાય છે)ના અતિ અતિ વિશાળ દરિયાની નજીક પહોંચી ગયું છે. આ જ સૌર પવનો સર્યનારાયણની ધગધગતી સપાટી પરથી બહાર ફેંકાય છે.સૌર પવનોનું દ્રશ્ય   કોઇ  વિરાટ કદના  ફુવારામાંથી  અતિ અતિ ઉકળતા પાણીનો  ધોધ બહાર ફેંકાતો હોય તેવું હોય છે.

નાસાના પાર્કર સોલાર પ્રોબની આ  ઐતિહાસિક  અને સોનેરી સફળતા વિશે યુનિવર્સિટી ઓફ  કેલિફોર્નિયા ,બર્કલી(અમેરિકા)ના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર સ્ટુઅર્ટ .ડી.બેલે અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ-કોલેજ પાર્કના વિજ્ઞાાની જેમ્સ ડ્રેકે આંતરરાષ્ટ્રીય સ્તરના જર્નલ  નેચરમાં ૨૦૨૩ની ૭, જૂને સંશોધનપણ પણ રજૂ કર્યું છે.

આ સંશોધનપત્રમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ  છે કે  નાસાના  પાર્કર સોલાર પ્રોબે સૂર્યની સપાટી પરથી ફેંકાતા મહાવિનાશક સૌર પવનોનું ઉદ્ગમ કેન્દ્ર શોધી કાઢ્યું છે. કોરોનલ હોલ્સમાંથી બહાર ફેંકાતા  વિદ્યુતભારવાહી પદાર્થકણોનું રહસ્ય ખોળી કાઢ્યું છે. આ જ કોરોનલ હોલ્સમાંથી સૌર પવનો અફાટ અંતરીક્ષમાં ફૂંકાય છે.સૌર પવનોમાં  પ્લાઝ્માનો પ્રવાહ સતત બહારની દિશામાં  વહેતો હોય છે અને તેમાં ઇલેક્ટ્રોન તથા પ્રોટોનનાં   વિદ્યુતભારવાહી પદાર્થકણો હોય છે.

સૌર પવનો બે પ્રકારના હોય  છે. એક, સૂરજના બંને ધુ્રવ પ્રદેશ પર ફૂંકાતા સાહર પવનોની ગતિ ૮૦૦ કિલોમીટર(પ્રતિ સેકન્ડ) જેટલી તીવ્ર હોય. બે,  સૌર પવનોની ગતિ સૂરજના બાકીના હિસ્સામાં  ૪૦૦  કિલોમીટર( પ્રતિ સેકન્ડ)ની થોડી ઓછી  હોય છે.    

કોરોનલ હોલ્સ  આદિત્યનારાયણના ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવના એવા   હિસ્સો છે જ્યાંથી વિદ્યુતચુંબકીય ક્ષેત્ર(મેગ્નેટિક  ફિલ્ડ)નો પ્રવાહ વહે છે. 

સૂરજ  તેની  શાંત અવસ્થામાં એટલે કે ઓછો સક્રિય  હોય છે ત્યારે આ કોરોનલ  હોલ્સમાંથી બહાર ફેંકાતા સૌર પવનો પણ પ્રમાણમાં ઘણા  મંદ -ઓછા  તીવ્ર હોવાથી તે પૃથ્વીના વાતાવરણને બહુ વિપરીત અસર નથી કરતા.આમ છતાં સૂર્યનારાયણ તેની ૧૧ વર્ષની સાયકલ દરમિયાન ફરીથી અતિ અતિ સક્રિય થાય, ભારે ક્રોધાયમાન થાય ત્યારે તેના બંને ધુ્રવ(ઉત્તર ધુ્રવ-દક્ષિણ ધુ્રવ) ઉલટાઇ જાય.આ ભયંકર પરિસ્થિતિમાં પેલાં કોરોનલ હોલ્સમાંથી  સૌર પવનો પણ   ફરીથી અતિ તીવ્ર બનીને આખા બ્રહ્માંડમાં ફેંકાય.  સૌર પવનો વિદ્યુત ચુંબકીય ઉર્જાનાં વિરાટ કદનાં બંડલ્સ જેવા હોય. સૌર પવનોનાં આવાં ભારે વિનાશક બંડલ્સ   છેક પૃથ્વીના વાતાવરણ સુધી આવીને બધું ખેદાનમેદાન કરી નાખે.સંદેશા વ્યવહાર આખો ખોરવી નાખે.

નાસાનાં સૂત્રોએ એવો મહત્વનો મુદ્દો રજૂ કર્યો છે કે હવે પાર્કર સોલાર પ્રોબ દ્વારા સૌર પવનોનું કેન્દ્ર મળ્યું ત્યારે સૌર તોફાનો(સોલર સ્ટોર્મ) ચોક્કસ ક્યારે  અને કેટલી તીવ્રતાથી પૃથ્વી સુધી આવશે, તેનું  સ્વરૂપ કેવું હશે વગેરે ઉપયોગી બાબતોની   સચોટ  આગાહી  કરી શકાશે. આવી  સચોટ આગાહીથી  સૌર તોફનોને કારણે  સમગ્ર વિશ્વના સંદેશા વ્યવહારમાં સર્જાતા અવરોધને  અને નુકસાનને બચાવી શકાશે. 

ઉપરાંત, સૌર પવનોની ગતિ કરતાં ૧૦૦ ગણી વધુ  ગતિથી પૃથ્વી ભણી આવતાં વિદ્યુતભારવાહી પદાર્થ કણોનું રહસ્ય પણ પાર્કર સોલર પ્રોબે શોધ્યું   છે. આ જ વિદ્યુતભારવાહી પદાર્થકણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે જે ભયાનક ટક્કર થાય અને પરિણામે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ  ધુ્રવ પ્રદેશોમાં  રંગબેરંગી  આરોરા લાઇટ્સના વિશાળ કદના પટ્ટા પણ સર્જાય છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6tEFSN4