
- ÃkkuíkkLke rð[khþÂõík yLku MksoLkþÂõíkÚke ykÃkýe yks yLku ykðíke fk÷ çkË÷e Lkk¾Lkkhk ÷kufku rðþu Úkkuzwt òýeyu
પિતા આપણને જન્મ આપે અને પછી ખભે બેસાડીને દુનિયા પણ બતાવે. દરેક વ્યક્તિની આગવી જીવનદૃષ્ટિ હોય, જે મોટા ભાગે સંતાનોને વારસામાં મળે. જે વ્યક્તિની દૃષ્ટિ આસપાસ દેખાતું હોય તેનાથી પણ ક્યાંય દૂર દૂર સુધી પહોંચે, એ ઇતિહાસ સર્જે.
ટેક્નોલોજીના સંદર્ભે જોઈએ તો સદીઓથી એવા મહામાનવો પાક્યા, જે બહુ દૂરનું જોઈ શક્યા. જે નથી તેમાંથી બહાર આવીને, જે જોઈએ છે તેના પર આગળ વધવાની તેમની ધગશને પરિણામે જ દુનિયાને જાતભાતની અનેક શોધોની ભેટ મળી. ‘ટેક્નોવર્લ્ડ’માં આપણું ફોકસ ખાસ કરીને ઇન્ફર્મેશન ટેક્નોલોજી પર છે એટલે તેને સંબંધિત વિવિધ શોધોના જનકની આજે વાત કરીએ, જેમણે આપણી આજની દુનિયાનું સર્જન કર્યું છે.
એમના વિશે વાંચતી વખતે એ ખાસ નોંધવા જેવું છે કે મોટા ભાગની ટેકનોલોજીની શોધનું શ્રેય ભલે એક વ્યક્તિને ફાળે જાય, પરંતુ તેમના સમય પહેલાં અને તેમના સમકાલીન અનેક લોકોની વિચારશક્તિ અને સર્જનશક્તિથી જ આખા વિશ્ર્વને અસર કરે એવું કંઈક નવું સર્જાતું હોય છે. નીચે જે લોકોની વાત કરી છે તેમના વિશે વધુ જાણવા ઇન્ટરનેટ પર આગળ વધશો ત્યારે એવા બીજા લોકો વિશે પણ ઘણું જાણવા મળશે.
બીજી વાત. આજની ટેક્નોલોજીનો બરાબર ઉપયોગ કરતી જનરેશન પર અત્યારે બેવડી જવાબદારી છે - જૂની પેઢીને આ બધું સમજાવવું અને નવી પેઢીને આ બધાના સમજભર્યા, ખરેખરા સ્માર્ટ ઉપયોગ તરફ વાળવી. આજથી જ શરૂઆત કરી જુઓ - હેપ્પી ફાધર્સ ડે!
Charles Babbage : કમ્પ્યૂટરના પિતા
વર્ષ ૧૭૯૧માં લંડનમાં જન્મેલા ચાર્લ્સ બેબેજ વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનીયર હતા! તેમણે ૧૮૩૩માં ‘એનેલિટિકલ એન્જિન’ તરીકે જાણીતું થયેલું એક સાધન બનાવ્યું, જેની મદદથી ગણતરી થઈ શકતી હતી અને તેમાં ડેટા સ્ટોર કરવાની મેમરી પણ હતી, જનરલ પર્પઝ કમ્પ્યૂટરનો એ પહેલો કન્સેપ્ટ ગણાયો. આ મશીન માટે મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ લખનારાં લેડી એડા લવલેસ દુનિયાનાં પહેલાં કમ્પ્યૂટર પ્રોગ્રામર ગણાયાં. એ પછી મોડર્ન, પહેલું કમર્શિયલી સક્સેસફુલ પર્સનલ કમ્યૂટર બન્યું છેક ૧૯૭૪માં. હેન્રી એડવર્ડ રોબર્ટ્સ નામના મેડિકલ ડોક્ટર અને એન્જિનીયર આ સર્જન થકી પર્સનલ કમ્પ્યૂટર્સના પિતા ગણાયા. બિલ ગેટ્સે તેમની પ્રેરણાથી માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી હતી!
Vint Cerf : ઇન્ટરનેટના પિતા
વિન્ટ સર્ફ ‘ફાધર ઓફ ઇન્ટરનેટ’ તરીકે જાણીતા હોવા છતાં એ પોતે કહેતા રહે છે કે આ શોધનું શ્રેય બીજા ઘણા લોકોને જાય છે. આજના ઇન્ટરનેટનાં મૂળ જેમાં છે તે અમેરિકન ડીફેન્સ સિસ્ટમ માટેના ‘આર્પાનેટ’નો કમ્યુનિકેશન પ્રોટોકોલ વિન્ટ સર્ફે લખ્યો અને આજે તમામ કમ્પ્યૂટર જેની મદદથી એકમેક સાથે કમ્યુનિકેટ કરે છે તે TCP/IP—Transmission Control Protocol/Internet Protocol પણ તેમણે લખ્યો. તેમાં રોબર્ટ કાહ્નની પણ મોટી ભૂમિકા હતી. હવે વિન્ટ નાસા સાથે મળીને ઇન્ટરનેટને બ્રહ્માંડના અન્ય ભાગોમાં પહોંચાડવાની મથામણમાં લાગ્યા છે! ૧૯૯૫માં ભારતમાં ઇન્ટરનેટ લાવનારા વીએસએનએલ કંપનીના ચેરમન બી. કે. સેંગલ ભારતમાં ઇન્ટરનેટના પિતા ગણાય છે.
Tim Berners Lee : વર્લ્ડ વાઇડ વેબના પિતા
‘ઇન્ટરનેટ’ અને ‘વર્લ્ડ વાઇડ વેબ’ બહુ નજીકની છતાં અલગ બાબત છે. આ ડબલ્યુડબલ્યુડબલ્યુની શોધ જિનિવામાંની જગવિખ્યાત લેબોરેટરી CERNમાં કામ કરતા ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ ટીમ બર્નર્સ લીએ કરી. લેબમાં કામ કરતા લોકો અને પ્રોજેક્ટ્સ વચ્ચેનાં કનેકશન યાદ રાખી શકાય તે માટે તેમણે ‘ઇન્કવાયર’ નામનો પ્રોગ્રામ લખ્યો. લેબમાં આખી દુનિયામાં પથરાયેલા સંશોધકો કામ કરતા હતા એટલે આ પ્રોગ્રામ સૌને બહુ ઉપયોગી થયો. આગળ જતાં ટીમે વિવિધ કમ્પ્યૂટરમાં સ્ટોર કરેલી ઇન્ફર્મેશનને પરસ્પર સાંકળી શકાય અને સૌને ઉપલબ્ધ કરી શકાય એવી વ્યવસ્થા વિકસાવી. જેમાંથી વર્લ્ડ વાાઇડ વેબનો જન્મ થયો. પહેલા બ્રાઉઝર અને સર્વરનું સર્જન પણ તેમણે કર્યું.
Claude Shannon : ઇન્ફર્મેશન એજના પિતા
આજનો જમાનો ‘ડિજિટલ’ કમ્યુનિકેશનનો છે અને એ પહેલાં ‘એનેલોગ’ કમ્યુનિકેશનનો યુગ હતો એટલું આપણે જાણીએ, પણ બંને વચ્ચેનો તફાવત ખાસ જાણતા નથી. એનેલોગ સિસ્ટમમાં ઇન્ફર્મેશન તરંગોની મદદથી પ્રસરે, જ્યારે ડિજિટલ વ્યવસ્થામાં બધું જ ઝીરો અને વનની મદદથી સર્જાય - ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો, ગેમ... વગેરે બધું જ આખરે ઝીરો- વનથી સર્જાય અને કમ્યુનિકેટ થાય. આ ડિજિટલ વ્યવસ્થા ક્લેઉડ શેનન નામના ગણિતશાસ્ત્રી અને એન્જિનીયરને આભારી છે. તેમણે ૧૯૪૦ના દાયકામાં બેલ લેબોરેટરીઝના સાથમાં આ ડિજિટલ ક્રાંતિનાં બીજ રોપ્યાં ને ‘ઇન્ફર્મેશન એજ’ના પિતા બન્યા. જોકે વૃદ્ધાવસ્થામાં તેઓ બધું જ ભૂલી જવાય તેવા અલ્ઝાઇમર રોગનો ભોગ બન્યા!
Ray Tomlinson : ઇમેઇલના પિતા
૧૯૬૦-૭૦ના દાયકામાં અમેરિકન કમ્પ્યૂટર પ્રોગ્રામર રે ટોમલિન્સન આર્પાનેટ માટે કામ કરતા હતા. એ સમયે તેમની કંપનીએ Sndmsg નામનો એક મેસેજિંગ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો, જેની મદદથી એક જ કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા વિવિધ લોકો એકમેકને મેસેજ મોકલી શકતા હતા. રે ટોમલિન્સને આ પ્રોગ્રામમાં ફેરફાર કરીને સમગ્ર આર્પાનેટ સિસ્ટમમાં જુદા જુદા કમ્પ્યૂટર પર મેસેજ મોકલી શકાય એવી વ્યવસ્થા વિકસાવી. કમ્પ્યૂટરના યૂઝરને આગવી ઓળખ આપવા દરેકના એડ્રેસમાં @ સાઇન ઉમેરી. આ પહેલથી દુનિયાભરના લોકોને પલક વારમાં ઇમેઇલ મોકલવાની ક્રાંતિકારી ભેટ મળી. જોકે તેમણે સૌથી પહેલાં ઇમેઇલમાં શું લખ્યું હતું એ તેમને પોતાને યાદ નહોતું!
Jonathon Fletcher : સર્ચ એન્જિનના પિતા
વિધિની વક્રતા જુઓ, આજે આપણે ગૂગલ, બિંગ જેવા કોઈ પણ સર્ચ એન્જિનમાં Jonathon Fletcher લખીને સર્ચ કરીએ તો ઓછાં પરિણામ મળે છે - ઊંડા ઊતરીએ તો ખબર પડે કે આ વ્યક્તિ ‘ફરગોટન (ભુલાઈ ગયેલા) ફાધર ઓફ સર્ચ એન્જિન’ છે! ૧૯૯૮માં ગૂગલની સ્થાપના થઈ તેનાં પાંચ વર્ષ પહેલાં ઇંગ્લેન્ડના જોનાથન ફ્લેચરે વેબ રોબોટની મદદથી વેબ પેજિસ શોધી શકતી અને તેનો ઇન્ડેક્સ તૈયાર કરતી વ્યવસ્થા વિકસાવી. એ સાથે ક્વેરી કરીને માહિતી શોધી શકાય તેવું વેબ ફોર્મ પણ ડેવલપ કર્યું ને નામ આપ્યું ‘જમ્પસ્ટેશન’. આમ ક્રાઉલિંગ, ઇન્ડેક્સિંગ અને સર્ચિંગ એ વેબ સર્ચનાં ત્રણેય પાસાં આવરી લેતું એ પહેલું વેબ સર્ચ એન્જિન ગણાયું! તેના પછી આવેલા યાહૂ, ગૂગલ વગેરેએ બાજી બદલી નાખી!
Jack Kilby : માઇક્રોિચપના પિતા
એક સમય એવો હતો, જ્યારે કમ્પ્યૂટર ડિઝાઇન કરી શકાતાં હતાં, પણ વાસ્તવમાં બનાવી શકાતાં નહોતાં. કેમ? કેમ કે તેમાં એટલા બધા પાર્ટ્સ અને વાઇરિંગ કરવું પડે કે આખી વાત અશક્ય બની જતી હતી. ૧૯૫૮ના અરસામાં એક કંપનીમાં નવા નવા ઇલેક્ટ્રિકલ એન્જિનીયર તરીકે જોડાયેલા જેક કિલ્બીએ આ ચેલેન્જ ઉપાડી લીધી. તેમને લાગ્યું કે જો બધા પાર્ટ્સને એક જ મટિરિયલમાં બનાવીને જોડવામાં આવે તો વાયરની જરૂર ન રહે. એ મથામણમાંથી જન્મી ઇન્ટિગ્રેટેડ સર્કિટ (આઇસી), જે નવા સમયમાં ‘માઇક્રોચિપ’ તરીકે ઓળખાઈ. આજે આપણે જે જે ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરીએ છીએ તે બધાં માઇક્રોચિપને આભારી છે, એક ચિપથી દુનિયા બદલાઈ ગઈ!
JCR Licklider : ક્લાઉડના પિતા
અત્યારે આપણે માટે ક્લાઉડ કમ્પ્યૂટિંગ ઘણી સામાન્ય વાત બની ગઈ છે, દુનિયાને ઘણી બધી રીતે બદલી નાખનારી આ શોધનાં મૂળ ૧૯૬૦માં છે. તેનું શ્રેય જેસીઆર લિકલાઇડર નામના એક કમ્પ્યૂટર સાયન્ટિસ્ટને જાય છે, જે સાયકોલોજિસ્ટ પણ હતા! તેઓ માત્ર ડીફેન્સ માટે સીમિત આર્પાનેટને વિસ્તારીને સમગ્ર વિશ્વના લોકો અને ડેટાને એકમેક સાથે સાંકળી શકાય તેવા પ્રોજેક્ટ પર કામ કરતા હતા ત્યારે તેમણે ક્લાઉડ કમ્પ્યૂટિંગનો વિચાર રજૂ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે ૧૯૬૩માં ૨૦ લાખ ડોલરના ખર્ચે એક જ કમ્પ્યૂટરનો એક સાથે બે કે વધુ લોકો ઉપયોગ કરી શકે તેવા પ્રોજેક્ટનું કામ શરૂ થયું હતું. એ સમયે આજે ક્લાઉડ કમ્પ્યૂટિંગ તરીકે ઓળખાતા આ કનસેપ્ટમાં વધુમાં ૩ લોકો કનેક્ટ થઈ શકતા હતા!
Martin Cooper : સેલફોનના પિતા
ટેલિફોનની શોધ છેક ૧૮૭૬માં થઈ, એ પછી તેને વાયરલેસ બનાવવાનો વિચાર છેક ૧૯૪૭માં રમતો થયો. બેલ લેબ્સ કંપનીના એન્જિનીયર્સે દોડતી કારમાંથી વાત થઈ શકે તેવા ‘કાર ફોન્સ’ અને તેમને ફોન નેટવર્ક સાથે જોડવા ‘હેક્ઝાગોનલ સેલ’ (આજના મોબાઇલ ટાવર્સ)નો કન્સેપ્ટ રજૂ કર્યો હતો. તેમણે એવા ‘કાર ફોન’ ડેવલપ કર્યા, પણ એ ફોન માટે કારમાં બારેક કિલો વજનનાં સાધનો સાથે ફેરવવાં જરૂરી હતાં! મોબાઇલ ફોન ડેવલપ કરવા બેલ લેબ્સ સાથે હરીફાઈમાં ઊતરેલી મોટોરોલાના માર્ટિન કૂપરે બાજી મારી લીધી. તેમણે પોતાના સવા કિલોના સેલફોનથી હરીફ કંપનીમાં ફોન જોડ્યો, ઇતિહાસ સર્જ્યો ને એ સાથે સેલ ફોનના પિતા બન્યા!
Jaap Haartsen : બ્લુટૂથના પિતા
અભ્યાસ ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગનો પણ કારકિર્દીની શરૂઆત મોબાઇલ કંપની એરિકસનમાં. મોબાઇલ ફોનમાં નવી સુવિધા મળે અને ફોનનું વેચાણ વધારી શકાય એ માટે તેમને ઇન્ડોર વાયરલેસ કમ્યૂનિકેશન સિસ્ટમ શોધવાનું કામ સોંપાયું. ૧૯૯૪માં જેપ હાર્ટસેન નામના, મૂળ નેધરલેન્ડ્સના આ એન્જિનીયરે શોર્ટ રેન્જનું રેડિયો કનેકશન સ્થાપી શકાય તેવું સોલ્યુશન અને તેનાં સ્પેસિફિકેસન્સ વિકસાવ્યાં, જેને આજે આપણે બ્લૂટૂથ વાયરલેસ ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ! આ ટેકનોલોજીથી આજે પાસે પાસે રહેલાં અનેક પ્રકારના ડિવાઇસિસ વાયર વિના એકમેક સાથે કનેક્ટ થઈ શકે છે અને ટેક્સ્ટ,ઇમેજ, વીડિયો વગેરે ડેટાની આપલે કરી શકે છે.
Andy Rubin : એન્ડ્રોઇડના પિતા
આજે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વગરની દુનિયાની કલ્પના મુશ્કેલ છે, પણ ૨૦૦૩માં એના સર્જક એન્ડી રુબિને ફોન માટે મફત ઓપરેટિંગ સિસ્ટમ હોય અને વેલ્યુ એડેડ સર્વિસિસ (એપ્સ!) વેચવામાં આવે એવા ફોનની કલ્પના કરી ત્યારે લોકોને તેને હસી કાઢી હતી. લોકોને હતું આખી દુનિયામાં આવા દસેક લાખ ફોન વેચાય તોય ઘણું, પણ ગૂગલના સહસ્થાપક લેરી પેજને આ આઇડિયામાં કસ દેખાયો, એમણે ૨૦૦૫માં એક-બે મીટિંગના અંતે એન્ડીની એન્ડ્રોઇડ કંપની ખરીદી અને આખી ટીમને ગૂગલમાં સમાવી લીધી. એન્ડી એન્ડ્રોઇડ ફોનના પિતા ગણાયા, પણ ગૂગલમાંથી છૂટા થયા પછી ૨૦૧૫માં તેમણે વધુ એક મોબાઇલ ફોન સ્ટાર્ટ-અપ શરૂ કર્યું, જે કોઈ ગ્રાહક ન મળતાં સમેટી લેવું પડ્યું!
Geoffrey Hinton : એઆઇના પિતા
આ નામ આજકાલ ખાસ્સું ચર્ચામાં છે, કારણ કે તેમણે વિકસાવેલી ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આખી દુનિયાને હચમચાવી દીધી છે. ખુદ જ્યોફ્રી હિન્ટન પોતે હવે એઆઇનાં જોખમો વિશે ચિંતિત છે અને આ જ મુદ્દે તેમણે હમણાં ગૂગલ કંપની છોડી છે. બ્રિટિશ-કેનેડિયન હિન્ટન સાયકોલોજિસ્ટ અને કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ છે. એઆઇના આધાર સમાન આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક્સ પરના કામે તેમને જગખ્યાતિ અપાવી.અલબત્ત, એઆઇનો કન્સેપ્ટ આપવામાં એલન ટ્યુરિંગનો પણ સિંહફાળો ગણાય છે. છેક ૧૯૪૭માં લંડનમાં આપેલા એક પ્રવચનમાં આ ગણિતશાસ્ત્રીએ કહ્યું હતું કે આપણને એવું મશીન જોઇએ છે જે અનુભવમાંથી જાતે શીખી શકે.
Joseph Engelberger : રોબોટિક્સના પિતા
એઆઇની જેમ અત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ રોબોટિક્સ ટેકનોલોજીના સર્જક તરીકે એકથી વધુ નામ લેવામાં આવે છે. જેમાં સૌથી પહેલું નામ જોસેફ એન્જલબર્જરનું છે, જે મોર્ડન રોબોટિક્સના પિતા ગણાય છે. ૧૯૫૬માં તેઓ એક કોકટેલ પાર્ટીમાં બીજા એક એન્જિનીયર જ્યોર્જ દેવોલને મળ્યા અને બંનેએ વિજ્ઞાનકથાના લેખક આઇસેક અસીમોવની રોબોટ્સની કલ્પનાઓ વિશે વાત કરી. બંનેના રસ મળ્યા અને તેમણે પાર્ટનરશીપ કરી. ૧૯૫૯માં પહેલો રોબોટ પ્રોટોટાઇપ બન્યો, નામ આપવામાં આવ્યું ‘ધ અલ્ટીમેટ’. તેમણે અમેરિકાની ઓટો કંપનીઓને રોબોટિક્સ અપનાવવા સમજાવી. જનરલ મોટર્સે તેનો ઉપયોગ શરૂ કર્યો અને રોબોટિક્સના યુગનાં મંડાણ થયાં!
Kevin Ashton : આઇઓટીના પિતા
ઇન્ટરનેટની આપણી સમજ મોટા ભાગે, એકમેક સાથે સંકળાયેલા સ્માર્ટફોન અને કમ્પ્યૂટરની વ્યવસ્થા પૂરતી સીમિત છે, પરંતુ હવે દુનિયાભરનાં અબજો સાધનો એકમેક સાથે કનેક્ટ થઈને ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ વિકસાવી રહ્યાં છે. ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ - આઇઓટી’ શબ્દ પહેલી વાર ૧૯૯૯માં બ્રિટિશ સંશોધક કેવિન એસ્ટને તરતો મૂક્યો. તેમના મતે કમ્પ્યૂટર્સની એક બહુ મોટી મર્યાદા છે - કમ્પ્યૂટર પાસે બ્રેઇન છે પણ સેન્સ નથી! આપણે કંઈક ટાઇપ કરીએ કે બારકોડ સ્કેન કરીએ ત્યારે જ કમ્પ્યૂટરના બ્રેઇન સુધી કોઈ માહિતી પહોંચે. પરંતુ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સેન્સર્સને કારણે ચાલે છે અને હવે કમ્પ્યૂટર ઘણી બધી જુદી જુદી રીતે ઘણું જાણી શકે છે! કેવિનની કંપનીએ આરએફઆઇડી અને અન્ય સેન્સર્સનાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ વિક્સાવ્યાં છે.
Andrew Weinreich : સો. નેટવર્કના પિતા
આપણે સૌ તો સોશિયલ મીડિયાના સર્જક તરીકે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગને ઓળખીએ, પરંતુ ફેસબુકના પ્રારંભના સાત વર્ષ પહેલાં ૧૯૯૬માં ‘સિક્સ ડિગ્રીસ’ નામે ઇન્ટરનેટ આધારિત એક સોશિયલ નેટવર્ક રચાયું હતું! આઇડિયા એ હતો કે દુનિયાના તમામ લોકો, ફક્ત છ કે તેથી પણ ઓછાં સ્ટેપ્સમાં એકમેકના સંપર્કમાં આવી શકે છે. આ નેટવર્ક પર લોકો જેમને હજી ઓળખતા ન હોય એવા લોકો સાથે કનેક્ટ થઈ શકતા હતા. એ કંપનીના સ્થાપક એન્ડ્રયુ વેઇનરિકને સોશિયલ નેટવર્કિંગ માટેની પહેલી પેટન્ટ પણ મળી હતી અને એ સોશિયલ નેટવર્કિંગના પિતા ગણાયા. સિક્સડિગ્રીસની વેબસાઇટ હજી પણ ચાલુ છે, પણ પહેલાં ઓરકૂટ અને પછી ફેસબુકના વાવાઝોડાંમાં એ ખોવાઈ ગઈ છે.
Your Name : નવી જનરેશનના પિતા!
આ પેજ પર અન્ય જે લોકોની વાત છે તેમની શોધનો પૂરો લાભ આપણાં સંતાનોને તો જ મળી શકે, જો આપણે એનું મહત્ત્વ પારખી શકીએ અને તેને નવી જનરેશનને પાસ-ઓન કરી શકીએ. નવી જનરેશન વધુ સ્માર્ટ છે એ વાત સાચી, પણ એમની પાસે આપણી જેટલો અનુભવ નથી. ટેક્નોલોજી ફક્ત એક સાધન છે, જેની મદદથી બહેતર જિંદગી ઘડી શકાય છે. બાળકોના હાથમાં સ્માર્ટફોન કે આઇપેડ મૂકવા ઉપરાંત, એમાં શું શું જોવું, શું શું કેવી રીતે કરવું એ પણ આપણે જાણીએ અને કરીએ તો આપણે બની નવી જનરેશનના સ્માર્ટ પપ્પા!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fh0bLZX
0 Comments