
જે ચંદ્રને આપણે દૂરથી જોઈએ છીએ તેમાં હવે ભારત આજે ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. ISROનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગનો છે. ત્યારે ISRO દ્વારા અગાઉ લોન્ચ કરાયેલા મિશન ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 વિશે વિગતે...
મિશન ચંદ્રયાન-1 : ચંદ્ર ઉપર પાણી હોવાનું પ્રમાણિત થયું
ભારત દ્વારા 2008માં પહેલી વખત મૂન મિશન લોન્ચ કરીને સમગ્ર દુનિયાને આશ્ચર્યમાં મુકી દેવામાં આવી હતી. 22 ઓક્ટોબર 2008ના રોજ ભારતના શ્રીહરિકોટાથી સ્વદેશી લોન્ચવ્હિકલ એવા પીએસએલવી રોકેટની મદદથી ચંદ્રયાનને ચંદ્ર તરફ મોકલવામાં આવ્યું હતું. ભારતનું આ મિશન ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનું નહોતું. ચંદ્રયાન ચંદ્રથી 100 કિ.મી ઉપર રહીને તેના ચક્કર કાપતું હતું અને ચંદ્રની સપાટીની તસવીરો, તેનું મિનરલ ઈમેજિંગ, તેનું મેપિંગ અને તેનામાં રહેલા ખનીજો, પાણી અને અન્ય રસાયણોની શોધ કરતું હતું. આ યાન લોન્ચ થયાના 21 દિવસમાં ચંદ્રના ઓર્બિટમાં ગોઠવાઈ ગયું હતું. બે વર્ષ સુધી આ યાન ચંદ્રની આસપાસ ફરવાનું હતું પણ કમનસીબે એક જ વર્ષમાં તેનો સંપર્ક તૂટી ગયો અને ભારતનું મિશન અટકી ગયું. આ સમયગાળા દરમિયાન ચંદ્રની સપાટી ઉપર રહેલા ખનિજો, પાણી, હાઈડ્રોજન, હિલિયમ, ઓક્સિજન વગેરે માટેની મહત્ત્વની વિગતો ચંદ્રયાન દ્વારા મોકલાવવામાં આવી હતી. આ મિશનના ભાગ રૂપે ઈસરો દ્વારા 2019માં ચંદ્રની સપાટી ઉપર ઉતરવા જેવું મોટું સાહસ કરવામાં આવ્યું. આ મિશનને ચંદ્રયાન-2 નામ આપવામાં આવ્યું હતું. તેના કારણે ચંદ્રની પરિક્રમા કરનારા મિશનને ચંદ્રયાન-1 પણ કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો તે સમયે જ ભારતની ગણતરી વિશ્વના ચોથા દેશ તરીકે થઈ ગઈ હતી જેણે મૂન મિશન સફળ બનાવ્યું હતું. ભારત ત્યારે ચંદ્ર ઉપર સોફ લેન્ડિંગ કરી શક્યું નહોતું અને તેણે કરાવ્યું પણ નહોતું. તેમ છતાં ચંદ્ર ઉપર પાણી છે તે શોધ ભારતે કરી હતી. નાસાએ પણ આ વાતને પ્રમાણિત કરી હતી. 336 કરોડના ખૂબ જ ઓછા બજેટમાં ચંદ્રયાન-1 મિશન પાર પડ્યું હતું.
ચંદ્રયાન-2 : 95% સફળતાએ નવો જુસ્સો આપ્યો
ભારતને ચંદ્રયાન-1 દ્વારા જે સફળતા મળી તેના કારણે ચંદ્રની સપાટી ઉપર ઉતરીને વધારે વિગતે તપાસ કરવાની અને તેની સપાટી ઉપર ખરેખર જીવન શક્ય છે કે નહીં અથવા તો ચંદ્રનું ખરેખર મહત્ત્વ કેટલું છે તેની તપાસ કરવાનો અવસર મળી ગયો. આ દિશામાં 11 વર્ષ સુધી કામ કર્યા બાદ ભારતે 2019માં ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી ઉપર ઉતારવાની જાહેરાત કરી. 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું. આ યાન પણ સ્વદેશી વ્હિકલ જીએસએલવીની મદદથી જ લોન્ચ કરાયું હતું. આ અભિયાન માત્ર ગણતરીની મિનિટો માટે જ નિષ્ફળ ગયું હતું. ઓર્બિટરમાંથી છૂટા પડેલા લેન્ડર અને રોવર માત્ર 2.1 કિ.મી જ ઉપર હતા અને તેમનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ઈસરોએ અભિયાન નિષ્ફળ ગયાની જાહેરાત કરી હતી. ભારતે પહેલી વખત સ્વદેશી સાધનોની મદદથી ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનો અને અભ્યાસ કરવાનો પ્રયોગ કર્યો હતો. હાલમાં લેન્ડરના અવશેષો ચંદ્રની સપાટી ઉપર જ છે. ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ તબક્કામાં આ મિશન કામ કરવાનું હતું. ઓર્બિટર પોતાની જગ્યાએ સેટ થયા બાદ લેન્ડર અને રોવર નીચે ઉતર્યા અને કમનસીબે તેમનો સંપર્ક તૂટ્યો અને મિશન નિષ્ફળ ગયું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર યાન ઉતારવાનો ભારતનો પહેલો પ્રયાસ 95 ટકા જેટલો સફળ ગયો હતો. દુનિયાએ પણ આ પ્રયાસને વધાવી લીધો હતો. તે જ સમયે ભારતે ચંદ્રયાન-3ની જાહેરાત કરી દીધી અને આ બાકી રહી ગયેલી ખામીઓને દૂર કરીને સફળતા સાથે ચંદ્રની સપાટી ઉપર ભારતનું રોવર ઉતારવાનું સપનું ફરી જીવંત કરી દીધું.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vtRJSXE
0 Comments