
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનો આપણો પરિચય હજી તાજો તાજો છે ત્યારે તેનાં અલગ અલગ પાસાં સામે આવી રહ્યાં છે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને તેના પર આધારિત ચેટબોટ્સ સાથે આપણી ઓળખાણ હજી બહુ જૂની નથી. માંડ સાત-આઠ મહિનાથી આપણે તેના સીધા સંપર્કમાં આવ્યા છીએ. અે પહેલાં, લાંબા સમયથી સોશિયલ મીડિયા પર અને ગૂગલની વિવિધની સર્વિસમાં એઆઇનો ઉપયોગ તો ભરપૂર થતો હતો, પણ એ બધું મોટા ભાગે જે તે કંપનીઓના પોતાના ઉપયોગ પૂરતું સીમિત હતું અથવા આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ એવી ખબર નહોતી.
ચેટજીપીટીના આગમન સાથે વાત એકદમ બદલાઈ ગઈ. આપણે સીધેસીધો એઆઇનો ઉપયોગ કરવા લાગ્યા. એઆઇ વાસ્તવમાં એકદમ વિસ્તૃત બાબત છે, પણ આપણો તેની સાથેનો સંપર્ક વાતચીતથી જ વધુ ગાઢ બન્યો છે.
અત્યારે વિવિધ કંપની અને આપણે સૌ, આ નવા જિનનો કેવી રીતે ઉપયોગ કરવો કે સામનો કરવો તેની ફિકરમાં પડ્યા છીએ, ત્યારે એઆઇ સંબંધિત પણ એકબીજાથી એકદમ જુદી બે બાબતો વિશે વધુ જાણીએ.
- એઆઇને હજી વધુ ફોકસ્ડ બનાવતી એક નવી સર્વિસ
આ વર્ષની શરૂઆતથી ટેકનોલોજીની દુનિયામાં અને વાસ્તવિક વિશ્વમાં બે શબ્દો સૌથી વધુ ગાજ્યા છે. ચેટજીપીટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ). ચેટજીપીટી ચેટબોટ પબ્લિક માટે લોન્ચ થયો ત્યારથી તેની વેબસાઇટ (chat.openai.com)ના ટ્રાફિકમાં સતત જબરજસ્ત વધારો નોંધાયો હતો. જોકે જૂન મહિનામાં પહેલી વાર તેના ટ્રાફિકમાં હળવો ઘટાડો નોંધાયો છે. તેનાં બે કારણ હોઈ શકે ઃ એક, પ્રારંભિક જીજ્ઞાસા પછી ચેટજીપીટીના ઉપયોગમાં લોકોનો રસ ઘટ્યો હોય અને બે, ચેટજીપીટીનો ઉપયોગ હવે તેની વેબસાઇટ પૂરતો સીમિત રહેવાને બદલે ઘણો વિસ્તર્યો છે. આપણે જુદી જુદી ઘણી રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તથા ગૂગલે પણ ચેટજીપીટીના વિકલ્પ જેવી બાર્ડ સર્વિસ (bard.google.com) સૌ માટે ઓપન કરી દીધી હોવાથી ચેટજીપીટીને એક મજબૂત હરીફ મળ્યો છે.
આમ ચેટજીપીટીની વેબસાઇટમાં ટ્રાફિક ભલે થોડો ઘટ્યો હોય, એઆઇના ઉપયોગમાં લોકોનો રસ સતત વધી રહ્યો છે.
તેનું કારણ શું? સૌથી મોટું કારણ એ કે આપણે ગૂગલ કે અન્ય કોઈ સર્ચ એન્જિનમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે આપણી ક્વેરીના જવાબ મળી શકે તેવાં ઢગલાબંધ પેજિસની લિંક રિઝલ્ટ સ્વરૂપે મળે છે. તેમાંથી જવાબ શોધવા માટે ખાખાંખોળાં કરવાની જવાબદારી આપણે માથે રહે. ચેટજીપીટી કે ગૂગલ બાર્ડ તેનો બહુ સહેલો ઉપાય આપે છે. આપણે જે પૂછીએ તેનો ધડાક દઇને સીધેસીધો જવાબ જ એ આપી દે છે.
હવે આ ટેકનોલોજી હજી વધુ વિસ્તરી રહી છે અથવા કહો કે વધુ ફોક્સ્ડ અને વધુ ધારદાર બની રહી છે. આ વર્ષની શરૂઆતમાં ગૂગલે તેની ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન ‘ટેઇલવિન્ડ’ નામના એક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ ગયા અઠવાડિયે પસંદગીના અમુક યૂઝર્સ માટે યુએસમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આપણા સુધી તે પહોંચતાં થોડી વાર લાગશે પરંતુ એઆઇનું અને સાથોસાથ આપણું ભવિષ્ય કેવું છે એ જાણવામાં રસ હોય તો આ પ્રોજેક્ટ ટેઇલવિન્ડ વિશે જાણવા જેવું છે. પ્રોજેક્ટ લોન્ચ કરતી વખતે ગૂગલે તેનું નામ બદલીને નોટબુક એલએમ (લેંગ્વેજ મોડેલ) કરી દીધું છે. દેખીતું છે કે આ સર્વિસમાં એઆઇનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે.
નોટબુક એલએમ શું છે?
અત્યારે આપણા સૌની સૌથી મોટી મુશ્કેલી કોઈ હોય તો એ છે બિગ ડેટા. આપણને જુદી જુદી બાબતો વિશે પાર વગરનો ડેટા તો સહેલાઈથી મળી જાય છે, પણ એ બધી ઇન્ફર્મેશનમાંથી ઇનસાઇટ તારવવાનું કામ મુશ્કેલ હોય છે. ચેટજીપીટી કે ગૂગલ બાર્ડ તરફ લોકોએ ધસારો કર્યો તેનું તારણ આ જ છે કે તે બિગ ડેટામાંથી જોઈતા જવાબો ફટાફટ શોધી આપે છે.
નોટબુક એલએમ આ કન્સેપ્ટને આગળ વધારતો એક એક્સપરિમેન્ટલ પ્રોજેક્ટ છે. તેની ખાસિયત એ છે કે આ સર્વિસ આપણા વર્ચ્યુઅલ રિસર્ચ આસિસ્ટન્ટ જેવું કામ આપે છે. હજી મોટી ખાસિયત એ છે કે તે આપણે પસંદ કરેલા સોર્સનો જ ઉપયોગ કરે છે!
કઈ રીતે અલગ છે?
અત્યારે આપણે ચેટજીપીટી કે ગૂગલ બાર્ડને કંઈ પણ પૂછીએ તો તે તેના પોતાના ડેટાબેઝ અથવા આખા ઇન્ટરનેટના વિશાળ ડેટા સોર્સમાંથી આપણા પ્રશ્નને સંબંધિત બાબતો તારવી આપે છે. જ્યારે નોટબુક એલએમ આપણે કહ્યા હોય તે સોર્સમાંથી જ જુદી જુદી બાબતો તારવી આપે છે. મતલબ કે આ એઆઇ ચેટબોટનું એકદમ પર્સનલાઇઝ્ડ વર્ઝન છે!
ધારો કે આપણે નોટબુક એલએમમાં લોગઇન થયા પછી ગૂગલ ડ્રાઇવમાંથી કોઈ ગૂગલ ડોકને સોર્સ તરીકે સિલેક્ટ કરીએ તો નોટબુક એલએમ તે લાંબા ડોક્યુમેન્ટની ટૂંકી સમરી તૈયાર કરી આપે છે. આ સમરીમાં આખા ડોક્યુમેન્ટના મહત્ત્વના ટોપિક તારવવામાં આવે છે અને સાથોસાથ આપણે સમજવા જરૂરી સવાલો પણ કહેવામાં આવે છે.
આપણે ઇચ્છીએ તો નોટબુક એલએમને કેટલાક પ્રશ્નો પૂછીએ અને નોટબુક એલએમ માત્ર આપણા જ સિલેક્ટેડ ડોક્યુમેન્ટમાંથી જવાબ આપે એવું હવે શક્ય છે.
એ જ રીતે કોઈ કન્ટેન્ટ ક્રિએટર પોતાના મનમાં લગતા વિવિધ આઇડિયા નોટબુક એલએમમાં અપલોડ કરે અને પછી તેમાંથી વીડિયો ક્રિએટ કરવા માટેની સ્ક્રિપ્ટ માગે તો નોટબુક એલએમ એ કામ કરી આપે છે.
તમે કોઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય અને તેને માટે ફંડિંગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હો તો તમે પોતાના સ્ટાર્ટઅપની વિગતો નોટબુક એલએમમાં અપલોડ કરી શકો છો અને પછી પૂછી શકો છો કે આ સ્ટાર્ટઅપના ફંડિંગ માટે પીચ કરવામાં આવે ત્યારે ઇન્વેસ્ટર્સ તરફથી કેવા સવાલો આવી શકે છે.
જોકે હજી સાવધાની જરૂરી છે
ચેટજીપીટી કે ગૂગલ બાર્ડને આપણે કંઈ પણ પૂછીએ ત્યારે તે હંમેશાં સાચા જ જવાબ આપે એવું જરૂરી નથી. અત્યારે તે બેધડક ખોટી માહિતી પણ આપે છે. નોટબુક એલએમ વિશે પણ ગૂગલ પોતે કહે છે કે આ સર્વિસમાં માત્ર આપણે સિલેક્ટ કરેલા સોર્સનું એનાલિસિસ થાય છે અને તેમાંથી જ જવાબો આપવામાં આવે છે, તેમ છતાં હજી તેના પર પૂરેપૂરો ભરોસો મૂકવા જેવો નથી!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/h6OGmuP
0 Comments