
- નાસાના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનું ઓલ ટાઇમ ગ્રેટ સંશોધન
- વિશ્વના ચાર નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓએ સંશોધનપત્રો રજૂ કરીને આ મહાચમત્કારની ઇમેજીસ સાથે સચોટ પુરાવા આપ્યા
ઝ્યુરીચ/મુંબઇ : અનંત,અફાટ,અજીબોગરીબ બ્રહ્માંડના પ્રથમ પ્રકાશનું કિરણ મળી ગયું છે. અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે (જે.ડબલ્યુ.એસ.ટી.)અનંત,અફાટ,અજીબોગરીબ બ્રહ્માંડનું અત્યારસુધીનું સૌથી અજાણ્યું રહસ્ય અને આશ્ચર્ય પણ શોધી કાઢ્યું છે.
વિશ્વનું સૌથી આધુનિક અને ૧૦ અબજ અમેરિકન ડોલરના મહા ખર્ચે બનેલું જે.ડબલ્યુ.એસ.ટી. હાલ પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટરના દૂરના અંતરે લાગ્રાન્ગ પોઇન્ટ -૨ પર રહીને અંતરીક્ષનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો તાગ મેળવી રહ્યું છે.
જે.ડબલ્યુ.એસ.ટી.ની આંકડાકીય માહિતી અને ઇમેજીસ(છબી)ના ગહન અભ્યાસના આધારે અમેરિકા,નેધરલેન્ડ, જાપાન,સ્વિત્ઝર્લેન્ડ એમ ચાર દેશના નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડના પ્રથમ પ્રકાશનું કિરણ અંતરીક્ષના જન્મના ચોક્કસ કયા તબક્કે, કેટલાં વર્ષ બાદ, કઇ પરિસ્થિતિમાં પહેલી જ વખત બહાર ફેંકાયું તેની અદભૂત વિગતો તૈયાર કરી છે.
આ ચારેય ખગોળશાસ્ત્રીઓનાં સંશોધનપત્ર આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયાં છે.
નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ ગ્રોનીન્ગેનના સિનિયર ખગોળશાસ્ત્રી પિયરલુઇગી રિનાલ્ડીએ તેમના સંશોધનપત્રમાં કહ્યું છે કે આજથી ૧૩.૮ અબજ વર્ષ પહેલાં થયેલા મહાવિસ્ફોટમાંથી બ્રહ્માંડનો જન્મ થયો(ખગોળશાસ્ત્રીઓ જેને બીગ બેન્ગ કહે છે) તેના એક અબજ વર્ષ બાદના તબક્કે બહુ ઝડપભેર વિકાસ પ્રક્રિયા થઇ હતી. વળી, તે તબક્કે કલ્પનાતીત તાપમાન હતું.સાથોસાથ પ્લાઝ્મા વાયુઓનાં ઉકળતાં અને અતિ ઘટ્ટ વાદળો ઘુમરાતાં હતાં. વાયુઓનાં આ જ અતિ ગાઢ વાદળાંને કારણે પ્રકાશ બહાર આવી શકતો નહોતો. ઇલેક્ટ્રોન્સ ચારે તરફ ઉડતો હતો. આમ છતાં સમય જતાં એટલે કે ૩૦૦,૦૦૦(ત્રણ લાખ) વર્ષ બાદ પ્લાઝ્માના વાયુઓ ઠંડા પડયા એટલે ફોટોન્સ અને ઇલેક્ટ્રોન્સનું સંયોજન થયું અને તે પ્રક્રિયામાંથી હાઇડ્રોજન એટમ્સ(હાઇડ્રોજનના અણુઓ) નું સર્જન થયું.
આ તબક્કાને ખગોળશાસ્ત્રની ભાષામાં એપોક ઓફ રિકોમ્બિનેશન કહેવાય છે.
હાઇડ્રોજનના અણુઓનું સર્જન થયું એટલે બહુ થોડો પ્રકાશ ધીમી પ્રક્રિયાથી બહાર આવ્યો. આમ બ્રહ્માંડના જન્મના એક અબજ વર્ષ બાદ પ્રકાશનું પ્રથમ કિરણ બહાર આવ્યું.
બરાબર આ જ તબક્કે હાઇડ્રોજનમાંથી ગેલેક્સીના અને તેમાં તારાના સર્જનની પ્રક્રિયા પણ શરૂ થઇ. ગેલેક્સીના અને તારાના ઝળહળાટથી અંતરીક્ષ વધુને વધુ પારદર્શક બનવાની પ્રક્રિયા પણ શરૂ થઇ. આ સમગ્ર કુદરતી પ્રક્રિયાને ખગોળશાસ્ત્રની ભાષામાં હાઇડ્રોજન આલ્ફા કહેવાય છે.
જાપાનની નાગોયા યુનિવર્સિટીના સિનિયર ખગોળશાસ્ત્રી દાઇચી કાશીનો તેમના સંશોધનપત્રમાં કહે છે,રિઆયોનાઇઝેશનની પ્રક્રિયા અંતરીક્ષના વિકાસની અને પ્રકાશના પહેલા કિરણના પ્રવાસની સૌથી મહત્વની પ્રક્રિયા છે. આમ છતાં આ પ્રક્રિયા એક સરખી અને સાતત્યપૂર્ણ પણ નહોતી. હા, આ તબક્કે તારાનાં અને ગેલેક્સીનાં અલ્ટ્રાવાયોલેટ રેઝ(પારજાંબલી કિરણો) નાના નાના પોકેટ્સમાં અને બબલ્સમાં( નાના નાના જૂથમાં અને પરપોટાના સ્વરૂપમાં) ફેલાયાં હતાં. જોકે આશ્ચર્યની પ્રક્રિયા તો એ હતી કે પારજાંબલી કિરણોનો ઝળહળાટ અનંત અંતરીક્ષમાં ૪૦ લાખ પ્રકાશ વર્ષના અતિ અતિ વિશાળ વિસ્તારમાં ફેલાયો હતો.
અમેરિકાની મેસેચ્યુસેટ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી(એમ.આઇ.ટી.-કેમ્બ્રિજ)ના ખગોળશાસ્ત્રી એન્ના -ક્રિસ્ટીના એઇલર્સ અને સ્વિત્ઝર્લેન્ડની ઝુરીચ યુનિવર્સિટના ખગોળ-ભૌતિકશાસ્ત્રી જોરીટ મેટ્ટહી બંને તેમનાં સંશોધનપત્રમાં બહુ મહત્વના મુદ્દા રજૂ કરતાં કહે છે, બ્રહ્માંડના જન્મના એક અબજ વર્ષ બાદ જે જે ગેલેક્સીઝનો જન્મ થયો તેનું તાપમાન અતિ અતિ બળબળતું હતું. તેમાં જરૂરી પદાર્થ પણ ઓછો હતો અને તેમાં ધૂળ --કાંંકરા વધુ હતાં.આમ છતાં તે ગેલેક્સીઝમાં તારાના જન્મની પ્રક્રિયા બહુ ઝડપભેર થઇ હતી. અમુક ગેલેક્સીઝ ક્વેઝાર ગેલેક્સી પ્રકારની અને બહુ ઝળહળતી પણ હતી.
અત્યારસુધીના આ સૌથી મહત્વના સંશોધનના આધારે હવે બ્રહ્માંડના બાળપણની ગેલેક્સીઓનો અને તારાનો ગહન અભ્યાસ થઇ શકશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/S3YCpER
0 Comments