
ભારત ચંદ્ર મિશન આજે (14 જુલાઈ) લોન્ચ માટે તૈયાર છે. ચંદ્ર મિશનમાં કોઈ ચૂક ન થાય, તે માટે ISROએ વિશેષ ઉપાય કર્યા છે. સફળ ચંદ્ર મિશન માટે વધુ ઈંધણ, અનેક સુરક્ષા ઉપાય અને ચંદ્ર પર એક મોટા લેન્ડિંગ લોકેશનને નક્કી કરવામાં આવ્યું છે. તેના માટે ISROએ ખાસ 'નિષ્ફળતા આધારિત ડિઝાઇન'નો વિકલ્પ પસંદ કર્યો છે જેથી કેટલીક વસ્તુઓ ખોટી હોવા પર પણ રોવર ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરે.
લેન્ડિંગ વિસ્તારને વધારી દેવાયોઃ ISRO ચીફ
ISRO ચીફ એસ.સોમનાથે કહ્યું હતું કે, ચંદ્રયાન-2ની સફળતા આધારિત ડિઝાઈન કરવાના બદલે ચંદ્રયાન-3માં નિષ્ફળતા આધારિત ડિઝાઈનનો વિકલ્પ પસંદ કરાયો છે. તો આ વખતે લેન્ડિંગ વિસ્તારને 500 મીટર * 500 મીટરથી વધારીને 4 કિલોમીટર * 2.5 કિલોમીટર કરી દેવાયો છે. તે ગમે ત્યાં ઉતરી શકે છે, એટલા માટે આ તમને એક નક્કી જગ્યાએ પહોંચવા સુધી સીમિત ન રહે. આ વખતે એક જગ્યા નક્કી કરશે, પરંતુ જો પ્રદર્શન ખરાબ થયું તો તે ગમે ત્યાં ઉતરી શકે છે. ચંદ્રયાન-3માં ઈંધણ પણ વધુ છે, જેનાથી લેન્ડિંગ સ્થળ પર જવાની ક્ષમતા વધારે છે.
આ વખતે નવું શું કરવામાં આવ્યું છે?
ભારતના મૂન મિશનની વાત કરીએ તો તેમાં ઘણા સુધારા અને વિકાસ જોવા મળે છે. ભારતે 2008માં જે મૂન મિશન શરૂ કર્યું હતું તે માત્ર ચંદ્રના નિરિક્ષણથી શરૂ થયું હતું. તે વખતે ચંદ્રના ઓર્બિટમાં રહીને તેની પ્રદક્ષિણા કરવી અને માહિતી ભેગી કરવાનો ગોલ હતો. તેમાં સફળતા મળ્યા બાદ ભારતે ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગનો ગોલ બનાવ્યો અને તે દિશામાં કામ કર્યું. તેમાં છેલ્લી ઘડીએ મિશન નિષ્ફળ ગયું. પહેલું મિશન ધાર્યા કરતા વહેલું પૂરું થઈ ગયું હતું.
ભારતે નવી, સસ્તી, આધુનિક, સ્વદેશી ટેક્નોલોજી દ્વારા ત્રીજું મિશન હાથ ધર્યું
મહત્ત્વની વાત એ છે કે, આ બંને મિશન દ્વારા ભારતને અવકાશયાત્રાનો અને તે દિશામાં કામ કરવાનો ખૂબ જ મોટો મહાવરો મળી ગયો હતો. ભારતે નવી, સસ્તી, આધુનિક, સ્વદેશી ટેક્નોલોજી દ્વારા ત્રીજું મિશન હાથ ધર્યું છે જે આગામી સમયમાં તેના પરિણામો આપશે.
સોફ્ટવેર અને સેન્સર ટેક્નોલોજી વધારે વ્યાપક અને અસરકારક બનાવાઈ
નવા યાનની ટેક્નોલોજી આધુનિક છે, તેના લેન્ડિંગ માટેના ઈમ્પેક્ટ લેગ્સ વધારે મજબૂત બનાવાયા છે. તેની સોફ્ટવેર અને સેન્સર ટેક્નોલોજી વધારે વ્યાપક અને અસરકારક બનાવાઈ છે. ગત મિશનની જેમ છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી થશે તો લેન્ડર પોતાની રીતે સેન્સરની મદદથી સુરક્ષિત જગ્યા શોધીને તે તરફ લેન્ડિંગ માટે પ્રયાસ કરી શકશે. સોલાર પેનલ પણ આધુનિક રખાઈ છે જે રોવરને વધારે ઊર્જા પ્રદાન કરશે. લેન્ડરના એન્જિનની ક્ષમતા વિકસાવાઈ છે. રોવર પોતાની રીતે સંશોધન કરશે, સંદેશા મોકલાવશે, તસવીરો મોકલશે અને બીજી ઘણી કામગીરી રોવર દ્વારા કરી શકાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mghV0J6
0 Comments