- આ મહિને, ભારત સરકારે દેશની ટોચની ઇ-કોમર્સ સાઇટ્સને ગ્રાહકોને ભરમાવતી ટ્રિક્સ બંધ કરવાની ચેતવણી આપી છે

તહેવારો નજીક છે! ઓનલાઇન શોપિંગ સાઇટ્સ બમણા જોરથી આપણને ‘ભરપૂર ડિસ્કાઉન્ટ’ આપવા મથશે અને આપણે સૌ પણ ઇ-શોપિંગ માટે મચી પડીશું. આપણે વાસ્તવિક દુકાનમાં ખરીદી કરવા જઈએ કે ઇ-દુકાનમાં, સેલ્સમેન આપણા ખિસ્સામાંથી રૂપિયા કઢાવવા માટે માર્કેટિંગની બધી જ સ્માર્ટ ટ્રિક્સ અજમાવે એ તો સમજી શકાય, પણ ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર આવી ટ્રિક્સ ડાર્ક બનતી જાય છે.

તમે ઓનલાઇન શોપિંગ કરવા જાઓ ત્યારે મનમાં અમુક ચોક્કસ વસ્તુઓ અને તેને માટે નાનું-મોટું બજેટ નક્કી કરીને પછી સાઇટ પર ખાબકતા હશો, છતાં, મોટા ભાગે એવું બનતું હશે કે તમને જરૂર ન હોય તેવી ચીજવસ્તુઓ પણ ખરીદી લો અને નક્કી કરેલા બજેટ કરતાં વધુ રકમ પણ ખર્ચી નાખો! 

આપણે એવું માનીએ કે આ તો માનવસહજ સ્વભાવ છે. ખરીદી કરવા નીકળ્યા હોઇએ તો નવી કેટલીક વસ્તુઓ પણ ગમી જાય અને ખિસ્સું જોર કરતું હોય તો આપણે ખરીદી કરી લઇએ. 

વાસ્તવમાં, ખાસ કરીને ઓનલાઇન શોપિંગની બાબતમાં આ માનવસહજ સ્વભાવની વાત નથી. ઇ-શોપ્સ એવી કેટલીય ટ્રિક્સ અજમાવે છે જેને કારણે આપણે તેમના સાણસામાં સપડાઈ જઇએ. તમે ઓનલાઇન ખરીદી કરતા હો તો ઇ-કોમર્સ સાઇટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી આવી કેટલીક ડાર્ક ટ્રિક્સ વિશે જાણવું જરૂરી છે - તહેવારો નજીક હોય ત્યારે તો ખાસ!

- સતત વધતું ઇ-શોપિંગ

ભારતમાં ઓનલાઇન શોપિંગમાં સારી એવી ભીડ જામી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, રિલાયન્સ, ટાટા અને મિશો જેવી કંપનીઓ દેશમાં ઓનલાઇન શોપિંગને જબરો વેગ આપી રહી છે. કોરોના દરમિયાન સમાજના દરેક વર્ગના લોકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યા અને હવે આ પ્રકારના શોપિંગમાં સૌને મજા પડી ગઈ છે!

દરમિયાન હમણાં એક સંસ્થાએ ભારતમાં ઇ-શોપિંગનો ટ્રેન્ડ તપાસવા માટે એક સર્વે કર્યો. તેનાં પરિણામો અનુસાર પ્રથમ ક્રમનાં શહેરોમાં બેંગલુરુના લોકો દર અઠવાડિયે ચાર કલાક જેટલો સમય ઓનલાઇન શોપિંગમાં ગાળે છે. બીજી તરફ ગૌહાટી, કોઈમ્બતુર અને લખનૌ જેવાં બીજા ક્રમનાં શહેરો દર અઠવાડિયે સરેરાશ અઢી કલાક જેટલો સમય ઓનલાઇન શોપિંગમાં ગાળે છે. 

સમગ્ર દેશમાં ઓનલાઇન શોપિંગનો વ્યાપ નાનાં શહેરોમાં વધુ વિસ્તરી રહ્યો છે - જ્યાંના લોકોને ડિજિટલ ટેક્નોલોજી અને તેની આંટીઘૂંટીઓની પૂરતી સમજ નથી!

- ઇ-શોપિંગમાં ડાર્ક પ્રેક્ટિસ સામે લાલ આંખ

તમે ક્યારેય નોંધ્યું છે કે ઇન્સ્ટાગ્રામ જેવી એપમાં એકાઉન્ટ ખોલાવવું એકદમ સહેલું હોય છે, પરંતુ એકાઉન્ટ પૂરેપૂરું ડિલીટ કરવું મુશ્કેલ? તમે એપમાં એકાઉન્ટ ડિલીટ કરવાનો રસ્તો શોધવા જાવ તો જડે જ નહીં કેમ કે એ માટે આપણે કમ્પ્યૂટરમાં ઇન્સ્ટાગ્રામની સાઇટ પર જઇને તેમાં લોગઇન થવું પડે. મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોનની સગવડ હોય પરંતુ કમ્પ્યૂટર ન હોય, એટલે એવા લોકો ઇચ્છે તો પણ ઇન્સ્ટાગ્રામનું પોતાનું એકાઉન્ટ, જ્યાં સુધી કમ્પ્યૂટરનો મેળ ન પડે ત્યાં સુધી ડિલીટ કરી શકે નહીં. કમ્પ્યૂટરની સગવડ થાય અને પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવાનું યાદ આવે તો પણ એકાઉન્ટ ડિલીટ કરતાં પહેલાં જુદી જુદી ઘણી રીતે, એકાઉન્ટ ડિલીટ કરવાને બદલે ડીએક્ટિવેટ કરવા જેવા જુદા જુદા રસ્તા સૂચવવામાં આવે! હવે થ્રેડ્સનું એકાઉન્ડ ડિલીટ કરવું હોય તો ઇન્સ્ટાગ્રામનું પણ ડિલીટ કરવું પડે! 

એકાઉન્ટ ખોલાવવું સહેલું પણ ડિલીટ કરવું મુશ્કેલ - ઇન્ટરનેટ પરની આવી ટ્રિકને ‘ડાર્ક પેટર્ન’ કહે છે. 

આ તો ફકત એક ઉદાહરણ થયું. ઇ-કોમર્સ સાઇટ્સ અને અન્ય પ્રકારની વેબસાઇટ્સ, જેના પરથી આપણને કોઈ ને કોઈ બાબત વેચવાનો પ્રયાસ થતો હોય એ બધા પર આપણને બાટલીમાં ઉતારવા જાતભાતની ટ્રિક અપનાવવામાં આવે છે. ભારતમાં આવી ડાર્ક પ્રેક્ટિસ સામે આખરે સરકાર જાગી છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ તરફથી, આ મહિનાની શરૂઆતમાં દેશની લગભગ બધી ટોચની ઇ-કોમર્સ વેબસાઇટ્સને પત્ર મોકલીને કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકોની પસંદ-નાપસંદ પર અસર કરે અને તેમના હિતને હાનિ પહોંચાડે તેવી ‘ડાર્ક પેટર્ન્સ’ અપનાવવાનું બંધ કરે. મંત્રાલયે ૧૭ સભ્યોનો એક ટાસ્ક ફોર્સ પણ રચ્યો છે, જે લોકોને આવી ટાર્ક પેટર્ન્સથી બચાવવા નવા નિયમો ઘડશે.

અલબત્ત, નિયમોથી આવી બાબતોને અંકુશમાં લેવી બહુ મુશ્કેલ છે કેમ કે સાઇટની ડિઝાઇન કે લખાણ પર સરકારનો પૂરો કંટ્રોલ હોઈ શકે નહીં. આપણે પોતે આવી ટ્રિક્સ બરાબર સમજીએ તો જ તેનાથી બચી શકીએ!


જલ્દી કરો, જલ્દી કરો

મોટા ભાગની ઇ-કોમર્સ સાઇટ્સ પર વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ વધારવા માટે ગ્રાહકોને તાબડતોબ ખરીદી કરવા માટે લલચાવવામાં આવે છે. એમાં દેખીતું કંઈ ખોટું નથી, પણ ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે જે તે પ્રોડક્ટની કિંમત આવી ઓફર પહેલાં વધારી દેવામાં આવે અને પછી ચોક્કસ સમયમાં ખરીદી કરવા પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે!

આવી ઉતાવળ ફક્ત ખરીદી માટે નહીં, સાઇટ પરનાં ઘણાં બધાં એક્શન માટે કરવામાં આવે. ઓનલાઇન શોપિંગ હવે ઘણે અંશે ઉંદર-બિલાડીની રમત જેવું બની ગયું છે. મોટા ભાગની શોપિંગ સાઇટ્સ આપણી પાસે એવાં કામ કરવા ઉતાવળ કરાવે છે, જે...  (એક) આપણે ન કરવું હોય, (બે) કરવું આપણને મુશ્કેલ લાગતું હોય, અને (ત્રણ) આપણે કરી રહ્યા છીએ એવી આપણને જાણ પણ ન હોય!

આપણે ઓનલાઇન શોપિંગ સાઇટ પર પહોંચીએ એ સાથે, એ સાઇટની સિસ્ટમ આપણી પાસે અમુક ખરીદીની અપેક્ષા રાખે છે, એ પૂરી ન થાય તો સિસ્ટમ ડાર્ક ટ્રિક્સ અજમાવવા લાગે છે.


એકને બદલે બીજું પધરાવાય

ઘણી વેબસાઇટ પર પ્રોડક્ટ કે સર્વિસ તરીકે આપણને કંઈક ઓફર કરવામાં આવે ને ડિલિવર થાય બીજી જ કોઈ બાબત. કોઈ ડ્રેસ ખરીદવા ઓર્ડર આપીએ ત્યારે કાપડ પ્યોર સિલ્ક હોવાનું કહેવામાં આવ્યું હોય, પરંતુ જે ડ્રેસ ડિલિવર થાય તે કોઈ નબળા મટિરિઅલનો હોય. મોટા ભાગની ઇ-કોમર્સ સાઇટ્સ આપણને ન ગમતી કે નુકસાનીવાળી કે જુદી ક્વોલિટીની લાગતી વસ્તુઓ રિટર્ન કરવાની સગવડ આપે છે. પરંતુ ઘણી વાર અમુક આખી પ્રોડક્ટ કેટેગરી માટે અથવા કેટેગરીમાંની અમુક પ્રોડક્ટ માટે રિટર્ન પોલિસી લાગુ હોતી નથી. આ બધું પ્રોડક્ટ પેજ પર લખવામાં આવ્યું હોય ખરું, પરંતુ એવી રીતે ખૂણેખાંચરે મૂકવામાં આવ્યું હોય કે ખરીદી કરતી વખતે તેના પર ધ્યાન જાય નહીં. પરિણામે આપણે પ્રોડક્ટ ખરીદી લઇએ, તેનું પેમેન્ટ પણ કરીએ અને પ્રોડક્ટ હાથમાં આવે ત્યારે ખબર પડે કે આપણે જોઈતી હતી તે વસ્તુ આ નથી અને રિટર્ન કરવી પણ શક્ય નથી! આ બાબત બીજી રીતે પણ જોખમી બની શકે છે. આપણે જાણીએ છીએ તેમ ઘણા બધા લોકો વિવિધ શોપિંગ સાઇટ્સના કસ્ટમર સપોર્ટ નંબર ગૂગલ પર શોધવા જતાં છેતરપિંડીનો ભોગ બને છે.


ન જોઈતું હોય તોય ધરાર લો

ઇ-શોપિંગ સાઇટ્સ પર આપણે ખરીદી કરીએ ત્યારે આ પગલાં લઈએ - જોઇતી વસ્તુ કાર્ટમાં ઉમેરીએ, પછી ખરીદી માટે કાર્ટના પેજ પર જઈએ અને પછી ચેકઆઉટ પેજ પર પેમેન્ટ કરીએ.

અમુક સાઇટ પર, આપણે જોઇતી વસ્તુઓ કાર્ટમાં ઉમેરીએ અને પછી કાર્ટના પેજ પર પહોંચીએ ત્યારે કાર્ટમાં આપણી મંજૂરી વિના કેટલીક વસ્તુઓ કે વધારાની સર્વિસ ઉમેરી દેવામાં આવતી હોય છે! ઉદાહરણ તરીકે આપણે કમ્પ્યૂટરનું કી-બોર્ડ ખરીદતા હોઇએ તો તેની સાથોસાથ માઉસ પણ ઉમેરી દેવામાં આવે, એ ખરેખર એક્સ્ટ્રા બોનસ કે ગિફ્ટ ન હોય, તેનો અલગથી ચાર્જ ગણવામાં આવતો હોય. અથવા, આપણે જે વસ્તુઓ ખરીદતા હોઇએ તેની સાથે એક્સટેન્ડેડ વોરન્ટીની ‘ઓફર’ ઉમેરી દેવામાં આવે અને તેનો પણ ચાર્જ ચડાવવામાં આવે. આપણે સજાગ હોઈએ અને પેમેન્ટ કરતાં પહેલાં આવી વધારાની ચીજવસ્તુઓ કાર્ટમાંથી દૂર કરીએ એ અલગ વાત છે, પરંતુ ઘણા લોકો બેધ્યાનપણે પેમેન્ટ કરી દે તો તેમને પોતાને જે વસ્તુઓ ન જોઇતી હોય એ પણ ખરીદી બેસે છે. 


ઓટો-રિન્યૂઅલનું છટકું

ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પે-વોલની પાછળ રાખવામાં આવે એ સમજી શકાય એવી બાબત છે. કેમ કે બધું જ ફ્રી હોઈ ન શકે. પરંતુ ઘણી બધી સાઇટ પર અને ઇ-કોમર્સ સાઇટ્સ પર પણ વિવિધ પ્રકારનું કન્ટેન્ટ કે સર્વિસ સ્પેશિયલ સબસ્ક્રિપ્શન હેઠળ ઓફર કરવામાં આવે, ત્યારે જો માસિક કે વાર્ષિક સબસ્ક્રિપ્શન હોય તો તેના ઓટો-રિન્યૂઅલની વ્યવસ્થા હોય છે. આ વિશે યૂઝર્સને સ્પષ્ટપણે જણાવવામાં આવતું નથી (કાયદાના પાલન માટે જણાવવામાં તો આવે, પણ પૂરતું ધ્યાન ન ખેંચાય એ રીતે!). 

પરિણામે એ સર્વિસમાં આપણી પેમેન્ટ પદ્ધતિ જેમ કે ક્રેડિટ કાર્ડ સેવ્ડ હોય તો સબસ્ક્રિપ્શનનો પહેલો સમયગાળો પૂરો થયા પછી નવા સમયગાળાની રકમ માટેનું પેમેન્ટ આપોઆપ થઈ જાય છે. આપણે સજાગ રહેવું પડે અને જે તે કન્ટેન્ટ કે સર્વિસ માટેનું સબસ્ક્રિપ્શન આપણે રિન્યૂ ન કરવું હોય તો પોતાના એકાઉન્ટમાં લોગઇન થઈ, એકાઉન્ટ્સના સેટિંગમાં પેમેન્ટના વિકલ્પમાં જઇને ઓટો-રિન્યૂઅલનો ઓપ્શન ડિસેબલ કરવો પડે. મોટા ભાગની વેબસાઇટ્સ આ વિકલ્પ સુધી પહોંચવાનું કામ મુશ્કેલ બનાવતી હોય છે.


છૂપા ચાર્જ ચુકવો

ઘણી બધી વાર એવું બનતું હોય છે કે આપણે છેક પેમેન્ટના પેજ સુધી પહોંચી જઇએ એ પછી છેક કેટલાક વધારાના ચાર્જ જણાવવામાં આવે. 

જેમ કે કોઈ પ્રોડક્ટ માટે મેઇન પેજ પર ફ્રી ડીલિવરી લખવામાં આવ્યું હોય પરંતુ પેમેન્ટના પેજ પર પહોંચીએ ત્યારે  પ્રોડક્ટની સંખ્યા, કુલ વેઇટ કે લોકેશન કે પ્રોડક્ટ હેન્ડલિંગ જેવા કોઈ ને કોઈ બહાને ડિલિવરીનો અલગ ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવે. 

આવી હિડન કોસ્ટ તરફ આપણે પહેલેથી ધ્યાન આપ્યું ન હોય અને ખરીદીના છેલ્લા તબક્કે અમુક વધારાના ચાર્જ  જણાવવામાં આવે તો મોટા ભાગના લોકો નવેસરથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાં પડવાને બદલે વધારાના ‘નજીવા’ ચાર્જ ચૂકવી દેવાનું પસંદ કરતા હોય છે, ‘હશે, જવા દોને, ચાલશે!’ એવું કંઈક વિચારીને.

વ્યક્તિગત રીતે ગ્રાહક માટે આ ચાર્જ નજીવો હોઈ શકે પરંતુ રોજના હજારો, લાખો ઓર્ડર્સ પર જો આવો વધારાનો ચાર્જ લાગુ કરવાની ટ્રિક સફળ થાય તો ઓનલાઇન સાઇટ્સને ખાસ્સી મોટી વધારાની આવક થઈ જાય!


સીધો દિલ પર હુમલો

ઇ-કોમર્સ કે અન્ય પ્રકારની સાઇટ પર તમે એવું પણ જોયું હશે કે આપણે ઓપન કરેલું પેજ છોડીને બીજા કોઈ પેજ પર જવા આગળ વધીએ ત્યારે ફટ દઈને એક પોપઅપ ઓપન થાય. એમાં જાતભાતના મેસેજ હોઈ શકે. કોઈમાં ફ્રી ઇ-બુક ઑફર કરવામાં આવે તો કોઈમાં ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે. 

અહીં સુધી બધું બરાબર, પરંતુ એ ઓફર કે ડિસ્કાઉન્ટ નકારવા માટેની લિંક પર ‘‘ના, મને બચત બિલકુલ પસંદ નથી, હું તો આખી કિંમત જ ચૂકવીશ.’’ જેવું કંઈક નકારાત્મક લખાણ જોવા મળે! ફર્સ્ટ એઇડનાં પેક્સ વેચતી એક વેબસાઇટે તો હદ કરી નાખી હતી. એ સાઇટનાં નોટિફિકેશન નકારવા માટેની લિંક પર આવું લખાણ હતું ‘‘મારે નોટિફિકેશન નથી જોઈતાં, મારે જીવતા રહેવું જ નથી!’’ સામાજિક હેતુ માટે દાન માગતી સાઇટ્સ ‘‘ના, મને બીજા લોકોની પરવા નથી’’ એવાં લખાણ મૂકતી હોય છે. આપણી લાગણી સાથે રમત કરતાં આવાં લખાણ ‘કન્ફર્મ શેમિંગ’ કહેવાય છે. તેમાં, ઓફર નકારવી શરમજનક છે એવું ઠસાવવાનો પ્રયાસ થાય છે. ઘણી વાર આવાં પોપ-અપ બંધ કરવાનું બટન પણ સ્પષ્ટ દેખાય નહીં એવી રીતે મૂકવમાં આવે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/orhLmZ4