- આર્થિક ભીંસ અને વધુ કમાણીની લાલચ - આ બંને કારણે ભારતમાં નવી જોબ કે સાઇડ ઇન્કમના નામે લોકો છેતરાઈ રહ્યા છે

નીચે આપેલા ત્રણ કિસ્સાઓ તમે વાંચશો તો કદાચ તમને પણ નવાઈ લાગશે કે સારી જોબની ઇચ્છા કે સાઇડ, ઇઝી ઇન્કમની લાલચ એવી તે કેવી પ્રબળ હોતી હશે કે લોકો બે-પાંચ લાખથી માંડીને એકાદ કરોડ સુધીની રકમના ખાડામાં ઊતરી જાય? એક વાત સ્પષ્ટ છે કે જે લોકો પાસે નાખી દેવા માટે આટલી રકમ હોય એ લોકો નાણાભીડના નહીં પણ લાલચના જ શિકાર બનતા હશે. 

વિવિધ પ્રકારે ઓનલાઇન છેતરપિંડી કરતા લોકો આ વાત બરાબર જાણે છે. સમગ્ર વિશ્વમાં બે પ્રકારે ઓનલાઇન ફ્રોડ થતા હોય છે, એક છે હેકિંગ અને બીજું છે ચીટિંગ. હેકિંગના કિસ્સામાં, ભોગ બનનાર વ્યક્તિનો મોટા ભાગે કોઈ દોષ હોતો નથી, બહુ બહુ તો એ સિક્યોરિટી બાબતે લાપરવાહ હોઈ શકે. આપણને જાણ પણ ન હોય, કોઈ વ્યક્તિ આપણા બેન્કની વિગતો મેળવી લે ને ખાતામાંથી રકમ સેરવાઈ જાય તો એ હેકિંગ થયું. 

પણ, આજે જેની વાત કરવી છે એ નર્યા ચીટિંગ, છેતરપિંડીની જ વાત છે, જેમાં લાલચ બહુ મોટો ભાગ ભજવે છે. આવી છેતરપિંડી કરનારા લોકો જુદી જુદી રીતે પોતાની જાળ બિછાવતા રહે છે, પછી જે માછલી ઝડપાય તેને ચૂસાય એટલી ચૂસી લે છે.

ઓછું ભણેલા લોકો આવી છેતરપિંડીમાં ફસાય એ સમજી શકાય, પણ ખાસ્સું ભણેલાય ફસાય?

- પહેલાં એક નજર આ નવાઈજનક કિસ્સાઓ તરફ...

પૂણેમાં રહેતા ૫૬ વર્ષના એક એડ ફિલ્મમેકરને એક વાર પોતાના મોબાઇલમાં પાર્ટટાઇમ જોબ ઓફર કરતો મેસેજ મળ્યો. એમને વાતમાં રસ પડ્યો અને વધુ વિગતો માગતો વળતો મેસેજ કર્યો. તેમને એક ચેટ એપ પર ગ્રૂપમાં જોડાવાનું કહેવામાં આવ્યું. ફિલ્મમેકર ગ્રૂપમાં જોડાયા એટલે તેમને રૂા. ૧૦,૦૦૦નું વેલકમ બોનસ આપવામાં આવ્યું. 

એ પછી તેમને વારાફરતી ‘પ્રી-પેઇડ ટાસ્ક’ સોંપવામાં આવ્યાં, જેમાં તેઓ પહેલાં રૂપિયા ચૂકવે એ પછી કોઈ ટ્રાવેલ એજન્સીનું ઓનલાઇન રેટિંગ કરવાનું ટાસ્ક સોંપવામાં આવતું હતું. પહેલાં તેમને રૂા. ૨૨,૦૦૦ જેટલી રકમ ચૂકવવાનું કહેવામાં આવ્યું અને ટાસ્ક પૂરો કરતાં તેમને રૂા. ૨૫,૦૦૦ જેટલી રકમ મોકલવામાં આવી. બીજી વાર રૂા. ૮૦,૦૦૦ના પેમેન્ટના બદલામાં ટાસ્ક પૂરો કરતાં રૂ. ૯૫,૦૦૦ જેટલી રકમ ચૂકવવામાં આવી. 

એ પછી પેમેન્ટની રકમ વધતી ગઈ પરંતુ વળતું કોઈ પેમેન્ટ મળ્યું નહીં. ફિલ્મમેકરે ૫૮ ટ્રાન્ઝેકશનમાં કુલ રૂા. ૯૬ લાખ જેટલી રકમ ચૂકવી, સામેથી કોઈ પેમેન્ટ આવ્યું નહીં અને સંપર્ક કપાઈ ગયો.

ગયા વર્ષે, દિલ્હીમાં રહેતી એક યુવતીને તેના ઇન્સ્ટાગ્રામમાં જોવા મળેલી એક એડમાં રસ પડ્યો. એડ એક પ્રાઇવેટ એરલાઇનમાં જોબ સંબંધિત હતી. એ યુવતીએ એડ ક્લિક કરી, એક પેજ ખૂલ્યું. તેમાં પૂછવામાં આવેલી વિગતો તેણે ભરી. 

જે વિગતો માગવામાં આવી હતી એમાં ખાસ કંઈ શંકાસ્પદ નહોતું. ઉપરાંત એરલાઇન ખાસ્સી જાણતી હતી. એ વિગતો આપ્યા પછી એ યુવતીને એક ફોનકોલ આવ્યો અને રૂ. ૭૫૦ની રજિસ્ટ્રેશન ફી ભરવાનું કહેવામાં આવ્યું. તેણે રકમ તરત ભરી દીધી. એ પછી તેને એરપોર્ટના ગેટ પાસ, ઇન્સ્યોરન્સ, સિક્યોરિટી વગેરે જુદા જુદા નામે વધુ રૂપિયા ડિપોઝિટ કરવાનું કહેવામાં આવ્યું. તમે માનશો? પેલી યુવતીએ ધીમે ધીમે રૂ. ૮.૬ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી આપી! એ પછી પણ રકમની માગણી ચાલુ રહેતાં તેને છેતરપિંડી થતી હોવાની શંકા ગઈ અને યુવતીના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી. 

પોલીસે આરોપીને ઝડપી પણ લીધો અને તેણે સ્વીકાર્યું કે કોવિડને કારણે ૨૦૨૦માં તેણે નોકરી ગુમાવતાં તે આ રસ્તા તરફ વળ્યો હતો.

બેંગ્લોરના ૩૪ વર્ષના એક સોફ્ટવેર એન્જિનીયરનો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે સંપર્ક થયો. યુવતીએ તેને પાર્ટટાઇમ જોબ ઓફર કરી અને સાથોસાથ ઓનલાઇન ટ્રેડિંગ કરીને જબરી કમાણી કરવાની પણ ઓફર આપી. 

સોફ્ટવેર એન્જિનીયરને કહેવામાં આવ્યું કે તેણે ફક્ત કેટલાંક ટાસ્ક પૂરાં કરવાનાં હતાં. એ સાથે એ માટે પેમેન્ટ કરવાનું હતું અને પછી ગણતરીના કલાકોમાં બમણું વળતર મેળવવાનું હતું. સોફ્ટવેર એન્જિનીયરે કહ્યા પ્રમાણે શરૂઆત કરી અને પ્રમાણમાં સારું એવું વળતર પણ મેળવ્યું. 

ઉત્સાહમાં આવીને તેણે રોકાણ વધારવાનું શરૂ કર્યું. ધીમે ધીમે કરતાં રકમનો આંકડો રૂા. ૧૨.૩ લાખે પહોંચ્યો. તેની લગભગ બધી બચત વપરાઈ ગઈ, પણ એ પછી કોઈ વળતર મળ્યું નહીં અને પેલી યુવતીનો સંપર્ક પણ કપાઈ ગયો. હવે સોફ્ટવેર એન્જિનીયરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પેલા એન્જિનીયરે ટ્રાન્સફર કરેલાં નાણાંના સગડ મેળવવાનું શરૂ કર્યું છે, પણ ઝાઝો સમય વિતી ગયો હોવાથી વાત મુશ્કેલ બની છે.

સ્કેમ કેમ વધી રહ્યાં છે?

ઉપર જણાવેલા કિસ્સાઓમાં, તદ્દન અજાણી વ્યક્તિ તરફથી, તદ્દન અજાણી કંપની માટે ઓફર કરવામાં આવતા જોબની વાત છે. જો એમાં પણ સોફ્ટવેર એન્જિનીયર જેવા લોકો ભેરવાઈ જતા હોય તો ટીસીએસ, ઇન્ફોસિસ જેવી અત્યંત પ્રતિષ્ઠિત કંપનીમાં જોબની વાત હોય તો ભલભલા લલચાઈ જાય એમાં નવાઈની વાત નથી. 

દિલ્હી પોલીસના આંકડા મુજબ આ વર્ષે ફક્ત જાન્યુઆરીના એક મહિનામાં ત્રીસ હજારથી વધુ લોકોએ ‘વર્ક ફ્રોમ હોમ’ જોબની ખોટી ઓફરમાં ફસાઈને કુલ રૂપિયા બસો કરોડ જેટલી રકમ ગુમાવી દીધી હતી. આ પ્રકારનાં સ્કેમ કરનારા લોકો માટે આ ‘બહુ ઓછા રોકાણે, બહુ મોટું વળતર’ આપતો ધંધો છે. ભારતમાં કોરોના પછી બેરોજગારીની સ્થિતિ વણસી હોવાથી આ પ્રકારનાં કૌભાંડનો શિકાર બની શકે તેવા લોકો સતત વધી રહ્યા છે. 

ભારતમાં અત્યારે મુખ્યત્વે બે પ્રકારના જોબ સ્કેમ થઈ રહ્યા છે. પહેલા પ્રકારમાં લોકોને પાર્ટ-ટાઇમ કામ કરી, ઓનલાઇન એડ કે વીડિયોને લાઇક કરવા જેવા નજીવા કામના બદલામાં સારી એવી રકમ ઓફર કરવામાં આવે છે. બીજા પ્રકારમાં બહુ જાણીતી, પ્રતિષ્ઠિત કંપનીઓમાં જોબની ઓફર આપીને લલચાવવામાં આવે છે. 

દેખીતું છે કે બંને પ્રકારના સ્કેમમાં ટાર્ગેટ ઓડિયેન્સ જુદા જુદા લેવલનાં હોય છે. આંચકાજનક વાત એ છે કે આ બંને લેવલના લોકો લગભગ સરખી સહેલાઈથી સકંજામાં આવી જાય છે!

પાર્ટ-ટાઇમ જોબ ઓફર

પહેલા પ્રકારના જોબ ફ્રોડમાં ‘પાર્ટ-ટાઇમ’ જોબ ઓફર કરવામાં આવે છે. આવા કિસ્સામાં મોટા ભાગે વોટ્સએપ અથવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જાણીતી અને ઘણે અંશે ફેમિલી-ઓરિએન્ટેડ કહી શકાય એવી સોશિયલ મીડિયા એપ્સ પર લોકોનો સંપર્ક કરીને તેમને મૂળ નોકરીની સાથોસાથ વધારાની આવક મેળવવા લલચાવવામાં આવે છે. 

પહેલા રાઉન્ડમાં સ્કેમસ્ટર્સ બિલકુલ અંધારામાં તીર ચલાવે છે. જો કોઈ વ્યક્તિ આવા બ્લાઇન્ડ મેસેજિંગનો જવાબ આપે તો પછી તેના પર ફોકસ કરવામાં આવે છે. લગભગ દરેક કિસ્સામાં પહેલી વારના વળતા સંપર્ક પછી ભોગ બનતી વ્યક્તિને ટેલિગ્રામ એપમાં કોઈ ગ્રૂપમાં જોડાવા કહેવામાં આવે છે (ટેલિગ્રામ એપ તેના યૂઝર્સને તદ્દન ગુમનામ રાખવા માટે ખાસ્સી વગોવાયેલી એપ છે). 

એ પછી ભોગ બનતી વ્યક્તિને એ ગ્રૂપ મારફત જુદી જુદી લિંક્સ મોકલીને તેના પર ક્લિક કરી વિવિધ કંપનીની ઓનલાઇન એડ્સ કે વીડિયોને લાઇક કરવાનું કહેવામાં આવે છે. ઓનલાઇન એડ્સ અને વીડિયોમાંથી કંપનીઓ જંગી કમાણી કરી શકે છે એ જગજાહેર હોવાથી ભોગ બનતા લોકો માની બેસે છે કે તેમને આ કમાણીમાંથી ભાગ મળી શકે છે. એ પછી સ્કેમસ્ટર્સ જુદા જુદા નામે શક્ય એટલી રકમ પડાવીને ગાયબ થઈ જાય છે. આ રીતે રૂપિયા આપીને કરાવવામાં આવતું રેટિંગ કે લાઇક્સ ગૂગલ, ફેસબુક, યુટ્યૂબ વગેરેની પોલિસી િવરુદ્ધ જ હોય છે.

મોટી કંપનીમાં જોબ ઓફર

બીજા પ્રકારના જોબ ફ્રોડમાં પ્રમાણમાં વધુ ભણેલા લોકોને નિશાન બનાવવામાં આવતા હોવાથી સ્કેમની પદ્ધતિઓ થોડી વધુ સ્માર્ટ હોય છે. આ પ્રકારના કૌભાંડમાં સામાન્ય રીતે લિંક્ડઇન કે અન્ય જોબ ઓફરિંગ સાઇટ્સ પર જોબ શોધતા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. 

આવા લોકોને કોઈ ‘જોબ કન્સલ્ટન્ટ’ સોશિયલ મીડિયા પર કે ફોન નંબર ઉપલબ્ધ હોય તો ડાયરેક્ટ ફોનથી જાણીતી કંપનીમાં ઇન્ટરવ્યૂ ઓફર કરે છે. સાથોસાથ સાચી પ્લેસમેન્ટ કંપની માગે એ રીતે એજ્યુકેશન અને એક્સપિરિયન્સના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાનું કહેવામાં આવે છે. એ પછી ખરેખર ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે પરંતુ પેલી સાચી, જાણીતી આઇટી કંપનીમાં નહીં, ‘જોબ કન્સલટન્ટ’ની ઓફિસમાં. ઇન્ટરવ્યૂના એ નાટક પછી ખાસ્સી ભારે ફી માગવામાં આવે છે અને જોબ ઓફર લેટર પણ આપવામાં આવે છે. જાણીતી કંપનીના લેટરહેડ પરના જોબ લેટરના આધારે પેલી વ્યક્તિ અસલી કંપનીમાં પહોંચે ત્યારે ખબર પડે છે કે બધી જ વાતમાં નરી બનાવટ હતી (કોરોના સમયે દેશનાં અત્યંત જાણીતાં પત્રકાર નિધિ રાઝદાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોબની ઓફરમાં ભરાઈ પડ્યાં હતાં અને તેમણે એ ઓફર સ્વીકારવા માટે પોતાની પ્રતિષ્ઠાભરી જોબ પણ છોડી દીધી હતી). 

હવે ઇન્ટરવ્યૂ સહિત બધું જ ઓનલાઇન થઈ શકતું હોવાથી આ પ્રકારના ફ્રોડ કરતા લોકો માટે આખી વાત ઘણી વધુ સહેલી બની ગઈ છે.

સ્કેમ કઈ રીતે પારખવું?

સાઇડ ઇન્કમ કે સારી જોબની ઓફર કોઈને પણ લલચાવી શકે છે, પણ થોડા સજાગ રહેવાથી મોટા આર્થિક નુક્સાનથી બચી શકાય. સૌથી સાદો નિયમ એક જ છે - ઇન્ટરનેટ પર, ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિનો ભરોસો કરવો નહીં, એ વ્યક્તિ પરિચિત લાગતી હોય તો પણ નહીં. કોઈ પણ મેસેજમાંની લિંક આખું યુઆરએલ દર્શાવતી હોય તો એ યુઆરએલ બરાબર ચકાસવું. જોખમી યુઆરએલ કઈ રીતે ઓળખી શકાય એ આખા અલગ લેખનો વિષય છે, પરંતુ યુઆરએલમાં ફેસબુક, ગૂગલ, ઇન્ફોસિસ, એક્સિસ બેંક જેવાં જાણીતાં નામ હોવાથી એ યુઆરએલ સાચું જ હશે એવું માની લેવા જેવું નથી. જો શેર થયેલી લિંક શોર્ટન્ડ હોય કે તેમાં સમજાય નહીં તેવા આંકડા કે આઇપી એડ્રેસ આપેલાં હોય તો એ ચોક્કસપણે જોખમી હોઈ શકે છે. આવી લિંક્સ પર ક્લિક્સ પણ ન કરવી અને તેને ફોરવર્ડ પણ ન કરવી!

તમને કોઈ પણ ઓફરમાં રસ પડે તો એ વ્યક્તિ કે કંપનીના નામથી ઓનલાઇન સર્ચ કરી જુઓ. સાથે scam, fraud, complaint જેવા શબ્દો ઉમેરશો તો કંઈક ગરબડ હશે તો તરત વધુ વિગતો મળી આવશે. ઓફર વિશે કોઈ પરિચત સાથે ચર્ચા પણ કરી શકાય. ખાસ તો જોબ કે સાઇ઼ડ-ઇન્કમ માટે ક્યારેય પહેલાં રૂપિયા આપશો નહીં - બધી જ જાણીતી ટેક અને અન્ય કંપનીઓ આ પ્રકારના ફ્રોડ વિશે અવારનવાર એડવાઇઝરી આપે છે, તેના પર ધ્યાન આપવા જેવું છે!



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PqO2WeC