- અણધાર્યા ને ક્યારેક અવિચારી લાગતા નિર્ણયો લેવા માટે જાણીતા ઇલોન મસ્કે ટ્વીટરની મજાની ઓળખ આખરે ખતમ કરી

બહુ ઓછી કંપનીનાં નામ લોકોની રોજબરોજની જિંદગીમાં ગાઢ રીતે વણાઈ જતાં હોય છે. આપણે નેટ પર કંઈ સર્ચ કરીએ તો એ માટે કહીએ છીએ કે ‘ગૂગલ કર્યું’. વાસ્તવમાં ‘ગૂગલિંગ’ જેવો કોઈ શબ્દ નથી. એમ, ટ્વીટર પર કંઈ પોસ્ટ કરીએ તો તેને કહેવાય છે ‘ટ્વીટ કર્યું!’ (‘ફેસબુક કર્યું’ એમ કોઈ કહેતું નથી!). હવે એવું કહી શકાશે નહીં, ટ્વીટરના નવા માલિક ઇલોન મસ્કે, દુનિયાભરમાં અને આપણા મનમાં વર્ષોથી સતત કલબલાટ કરતા નામને જ ‘એક્સ (ex -ભૂતકાળ)’કરી નાખ્યું છે! 

ઇલોન મસ્કે ગયા વર્ષે ૪૪ અબજ ડોલરમાં ટ્વીટર કંપની  ખરીદી એ જ એક મોટો જુગાર હતો. ત્યારે કંપનીની બ્રાન્ડ વેલ્યૂ જબરજસ્ત હતી, પણ આર્થિક સ્થિતિ ડામાડોળ હતી. મસ્કે આવક વધારવા જાતભાતનાં, વિવાદાસ્પદ પગલાં લીધાં અને કંપનીની સ્થિતિ વધુ કથળી. ઇલોક મસ્કે કંપનીના ભારતીય મૂળના સીઇઓ સહિત અનેક એમ્પ્લોઇઝની હકાલપટ્ટી કરી અને છેવટે હવે કંપનીની ઓળખ સમા પંખીને પણ અલવિદા કહી દીધી છે. ખ૧૫-૧૭ વર્ષની મહેનત પછી ટ્વીટરની વિશ્વવ્યાપી બ્રાન્ડવેલ્યૂ ક્રિએટ થઈ હતી. ઇલોન મસ્કના એક નિર્ણયથી તેમાં વીસેક અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું મનાય છે.

આમ કરવાનું કારણ? 

ટ્વીટર કંપની ખરીદી ત્યારે જ ઇલોન મસ્કે કહ્યું હતું કે તેઓ એક ‘એન એપ ફોર એવરીથિંગ’ - બધી બાબતોની એક એપનું સર્જન કરવા માગે છે. એ જ હેતુ માટે તેમણે ટ્વીટર જેવી, સારો એવો યૂઝરબેઝ ધરાવતી કંપની ખરીદી અને હવે તેને ‘સુપરએપ’ બનાવવાની દિશામાં કંપનીની ઓળખ બદલી છે.

કંપનીના નવા સીઇઓએ પણ તેમની ટ્વીટ, સોરી, ‘એક્સ’માં લખ્યું છે કે હવે કંપની ઓડિયો, વીડિયો, મેસેજિંગ, પેમેન્ટ્સ, બેન્કિંગ વગેરે બધી સર્વિસ આપતી ‘સુપરએપ’ બનવા તરફ આગળ વધશે. ચીનની ‘વીચેટ’ ફક્ત મેસેજિંગ એપમાંથી સફળ રીતે ‘સુપરએપ’ બની છે. તેના અત્યારે સવાથી દોઢ અબજ જેટલા એક્ટિવ યૂઝર્સ છે અને એક એપમાં નાની-મોટી ૩૫ લાખ જેટલી સર્વિસ ઉપલબ્ધ છે!

ઇલોન મસ્ક આવો ચમત્કાર કરી શકશે? અત્યારે દુનિયા તો તેના ફેવરિટ મજાના પંખીની કતલના આંચકામાં ડૂબેલી છે! જોકે એટલું કહેવું રહ્યું કે આવો જુગાર ખેલનારા ઇલોન મસ્ક એકલા નથી. ટેકજગતમાં કેટલીય કંપનીઓનાં નામમાં રોમાંચક બદલાવ આવ્યા છે...




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pu6rQSN