
યુટયૂબમાં ઉમેરાઈ રહી છે ગેમ્સ
યુટ્યૂબમાં પરોવાયેલાં રહેતાં સંતાનોનાં મમ્મી-પપ્પાને ધ્રાસ્કો પડે એવા સમાચાર! થોડાંવર્ષ પહેલાં ગૂગલે ‘સ્ટેડિયા’ નામે ગેમિંગ સર્વિસ લોન્ચ કરી હતી, પરંતુ એમાં કંપનીને સોશિયલ મીડિયાની જેમ જ સરેઆમ નિષ્ફળતા મળી હતી! જોકે હજી કંપનીએ આશા છોડી નથી. હવે સમાચાર છે કે ગૂગલ ફરીથી ગેમિંગ સ્પેસમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. આ વખતે આ માટે કંપની યુટ્યૂબની સફળતાનો આધાર લે તેવી શક્યતા છે. અત્યારે યુટ્યૂબમાં તેનું ઇન્ટરનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો આ ફીચર લાઇવ થશે તો યૂઝર્સ યુટ્યૂબની ઓનલાઇન એપ તથા વેબસાઇટમાં ઓનલાઇન ગેમ્સ રમી શકશે! અત્યારે આ નવી સર્વિસને ‘પ્લેયેબલ્સ’ નામ આપવામાં આવ્યું છે.
યુટ્યૂબ પરના હાલના વીડિયો કરતાં આ સર્વિસ બિલકુલ અલગ રહેશે. પરંતુ પ્લેટફોર્મ એક રહેશે. તમે કદાચ જાણતા જ હશો કે નેટફ્લિક્સમાં પણ આવી રીતે મૂવીઝ કે વિવિધ શો જોવા ઉપરાંત ગેમ્સ રમવાની સગવડ છે. અત્યારે એવું લાગે છે કે યુટ્યૂબ પર ખાસ ગેમિંગ માટે બનેલા કોન્સોલ કે પ્લે સ્ટેશન્સમાં રમી શકાય તેવી હેવી ગેમ્સ ઓફર કરવામાં નહીં આવે. પ્લેયેબલ્સમાં મોટા ભાગે નાની મોટી હલકી ફૂલકી ગેમ્સ ઓફર કરાશે (નેટફ્લિક્સમાં કંઈક એવું જ છે). એ જ કારણે એકધારા વીડિયો જોઈને કંટાળેલા લોકોને થોડી વાર માટે પ્લેયેબલ્સમાં બીજું કંઈક કરવાનો મોકો મળશે. અલબત્ત આ વિશે અત્યારે કંપની તરફથી પૂરતી માહિતી આપવામાં આવી રહી નથી.
- ટેલિગ્રામમાં પણ આવે છે સ્ટોરીઝ
હજી હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વિવિધ સોશિયલ મીડિયા સર્વિસિસ પર સ્ટોરીઝની ચડતીપડતી વિશે વાત કરી હતી. મોટા ભાગે ૨૪ કલાક માટે શેર થયા પછી ગાયબ થતી સ્ટોરીઝ સ્નેપચેટ અને ફેસબુકની વિવિધ સર્વિસમાં ખાસ્સી પોપ્યુલર થઈ છે. પરંતુ અન્ય પ્લેટફોર્મ્સને સ્ટોરીઝનો લાભ લેવામાં મોટા ભાગે નિષ્ફળતા મળી છે. હવે વાત આવી છે કે આ મહિનાથી એટલે કે જુલાઈ ૨૦૨૩થી ટેલિગ્રામમાં પણ સ્ટોરીઝ લોન્ચ થઈ જશે.
ટેલિગ્રામના ફાઉન્ડરે પોતે આ જાહેરાત કરી છે. વોટ્સએપની જેમ ટેલિગ્રામમાં એપ ઓપન કરતાં ઉપરના ભાગે અન્ય યૂઝર્સે શેર કરેલી સ્ટોરીઝ જોવા મળશે. ટેલિગ્રામની સ્ટોરીઝ પર અન્ય લોકો રિએકશન આપી શકશે કે મેસેજથી રિસ્પોન્ડ પણ કરી શકશે. આ ઉપરાંત ટેલિગ્રામની સ્ટોરીઝમાં ડ્યુઅલ કેમેરા ફીચર પણ રહેશે, જેને કારણે આપણે પોતાને તથા આસપાસની બાબતોને આગલા-પાછલા બંને કેમેરાથી એક સાથે કેપ્ચર કરીને તેને સ્ટોરીઝ તરીકે શેર કરી શકીશું.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KErx8HR
0 Comments