ન્યૂયોર્ક,5 જૂલાઇ,2023, બુધવાર

 કુકિંગ ગેસનો ખોરાક રાંધવા માટે સમગ્ર દુનિયામાં ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ મધ્યમવર્ગના લોકો રાંધણ ગેસ વાપરે છે. જો કે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ કુકિંગ ગેસથી બનેલો ખોરાક આરોગવો આરોગ્ય માટે યોગ્ય નથી એટલું જ નહી પર્યાવરણ માટે પણ હાનિકારક હોવાનું જણાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કુકિંગ ગેસનો પણ વિકલ્પ શોધવાનો સમય પાકી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી કુકિંગ ગેસ પર સંશોધનો થવા લાગ્યા છે.

તાજેતરના સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં બાળકોને દમની તકલીફ જોવા મળી જેમાં કુકિંગ ગેસથી પેદા થતા ઉત્સર્જનની પણ મહત્વની ભૂમિકા હતી. દર આઠ માંથી એક બાળકના આરોગ્ય સંબંધી સમસ્યા માટે ગેસ સ્ટોવથી થયેલું ઉત્સર્જન જવાબદાર હતું. અમેરિકાના કન્ઝયૂમર પ્રોડકટ સેફટી કમિશનને ટાંકીને જણાવાયું છે કે એ પણ કુકિંગ ગેસ પર પ્રતિબંધ મુકવા પર વિચાર કરી રહયું છે.


 પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના વૈજ્ઞાનિકો કુકિંગ ગેસ પર સ્ટડી કરી રહયા છે. યુનિવર્સિટીની વેલસાઇટ પર પ્રોફેસર ડોના ગ્રીને જણાવ્યું છે કે કુકિંગ ગેસથી થતું પ્રદૂષણ ચિંતાનો વિષય છે. સ્ટોવ પર ખોરાક રાંધવાથી પ્રદૂષકો સાથે રોજ પનારો પડે છે. રાંધતી વખતે મો ગેસની ખૂબ નજીક હોય છે જે સારી બાબત નથી. આથી વધુ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ હોય તે દિશામાં વિચારવાની જરુર છે. કુકિંગ ગેસથી સલામત અંતર રાખવું જરુરી છે.


કુકિંગ ગેસ ઘરની આસપાસ જ એવો પ્રદૂષક છે જેને નજર અંદાજ કરીએ છીએ. જયારે ગેસ સળગાવવામાં આવે ત્યારે ખરેખર તો તે ઝેરી મીથેન જ છે.  કુકિંગ ગેસમાં મીથેન મુખ્યત્વે હોય છે. જે બળ્યા પછી ગરમી પેદા કરે છે. નાઇટ્રોજન અને ઓકસીજન સાતે મળીને નાઇટ્રો ઓકસાઇડ બનાવે છે. ૨૦૨૨માં થયેલા એક સ્ટડીમાં પણ ઉલ્લેખ હતો કે અમેરિકામાં ગેસ સ્ટોવથી જે કાર્બન ઉત્સર્જન થાય છે તે પાંચ લાખ કારોથી થતા ઉત્સર્જન જેટલું છે. કેટલાક વૈજ્ઞાનિકો ઇન્ડકશન સ્ટોવ અને ઇલેકટ્રીક સ્ટવના ઉપયોગ પર ભાર મુકી રહયા છે. ઇન્ડકશન સ્ટવમાં ઇલેકટ્રોમેગ્નેટિકથી ગરમી પેદા થાય છે જે કુકિંગ ગેસ કરતા સારો વિકલ્પ છે પરંતુ તે સસ્તો નથી. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1y2poP3