- વીડિયો ક્રિએશનમાં અત્યારે હોબીના સંતોષથી માંડીને પ્રોફેશનલ કરિયર વિક્સાવવા સુધીની તકો રહેલી છે

વીડિયો હવે માત્ર ટાઇપ પાસ કરવા માટેની પ્રવૃત્તિ નથી. ફ્રેન્ડ્સ ઉપરાંત ફેન્સ/કસ્ટમર્સ સાથે કનેક્ટ થવાનો અને ખાસ તો, કમાણી કરવાનો પણ એ એક મોટો રસ્તો બની ગયો છે. એ કારણે, તમે ફક્ત વીડિયો જોઈ-જોઈને કંટાળ્યા હોય અને પોતાના વીડિયો બનાવવાની ઇચ્છા જાગી હોય તો મનમાં ઘણા બધા સવાલો હોઈ શકે. 

પહેલો સવાલ, ઓફકોર્સ, ‘કમાણી કેટલી થઈ શકે?’ એ જ હોઈ શકે, પણ એ માટેનું પહેલું કદમ વીડિયો ક્રિએટ કરવાનું છે. વીડિયો શૂટ કરવા એ બિલકુલ મુશ્કેલ કામ નથી, મુશ્કેલ બની શકે એનું એડિટિંગ.

વીડિયો એડિટિંગ માટે ઉપયોગી થઈ શકે એવી એપ્સ અને સોફ્ટવેરની રેન્જ બહુ મોટી છે. એ ધ્યાનમાં રાખીને નીચે બિલકુલ બિગિનર્સને કામ લાગે એવી કેટલીક સર્વિસ અને ત્યાર પછી, વીડિયો એડિટિંગમાં જેમને આગળ વધવું હોય તેમને ઉપયોગી થઈ શકે તેવા સોફ્ટવેરની વાત કરી છે.

તમારો હેતુ ફક્ત ઇન્સ્ટાગ્રામમાં મજાની રીલ્સ મૂકવાનો હોય કે પછી પ્રોફેશનલ ટચ ધરાવતા વીડિયો ક્રિએટ કરતાં શીખવું હોય, આ બધી સર્વિસ કે સોફ્ટવેર તમને કામ લાગશે. અહીં જણાવ્યા સિવાય પણ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, અહીં ફોકસ ફ્રી અને એમાંય વધુ ફીચર આપતી સર્વિસ પર છે.

- શરુઆત કરવા માટે, એકદમ ઇઝી ઓપ્શન્સ

- ઇન્સ્ટાગ્રામ

વીડિયો શૂટ અને એડિટ કરવાનો તમારો અલ્ટિમેટ ગોલ શું છે? જો તમે પ્રોફેશનલ વ્લોગર કે યુટ્યૂબર ન હો અને તમારો એઇમ માત્ર ઇન્સ્ટાગ્રામ પર હલકીફુલકી રીલ કે સ્ટોરી શેર કરવાનો હોય તો તમારે ઇન્સ્ટાગ્રામથી આગળ કશું વિચારવાની કે તપાસવાની જરૂર નથી!

તમારી વીડિયો ક્લિપને સિમ્પલ છતાં ક્રિએટિવ ટચ આપવા માટે ઇન્સ્ટાગ્રામ પોતે ઘણાં બધાં ટૂલ આપે છે. તમારે ફક્ત આટલું જ કરવાનું છે - ઇન્સ્ટાગ્રામમાંથી જ વીડિયો શૂટ કરો, ઇન્સ્ટાગ્રામમાં જ તેમાં ઓડિયો એડ કરો. ચાહો તો ટેકસ્ટ અને સ્ટીકર ઉમેરો. 

તમે જાણતા જ હશો કે ઇન્સ્ટાગ્રામ વીડિયો પર જુદી જુદી ઇફેક્ટ ઉમેરવાની સગવડ આપે છે. વીડિયો નિશ્ચિત મર્યાદાથી લાંબો હોય તો ઇન્સ્ટાગ્રામમાં જ તેને ટ્રીમ કરી શકો છો. બસ, આટલું કરો અને ઇન્સ્ટાગ્રામ પર તમારો વીડિયો શેર કરી દો!

instagram.com

- યુટ્યૂબ

ઇન્સ્ટાગ્રામની જેમ જો તમારું લક્ષ્ય યુટ્યૂબ હોય તો આ પ્લેટફોર્મ પણ સિમ્પલ વીડિયો એડિટિંગ ટૂલ્સ આપે છે. આપણે પોતાના કેમેરાથી વીડિયો કેપ્ચર કર્યા પછી યુટ્યૂબ પર પોતાની ચેનલમાં તેને અપલોડ કરી શકીએ. 

વીડિયોને પબ્લિક માટે ઓપન કરતાં પહેલાં યુ્ટ્યૂબના સેટિંગ્સમાં વીડિયો એડિટરની મદદથી આપણા વીડિયોમાંથી ન જોઇતા ભાગ કટ કરી શકાય. વીડિયોના અમુક ભાગને બ્લર (ધૂંધળા) પણ કરી શકાય. એ જ રીતે યુટ્યૂબની લાઇબ્રેરીમાંથી કોપીરાઇટ ફ્રી વીડિયો ઉમેરી શકાય. આપણા વીડિયો પરના આ બધા જ ફેરફારો આપણે પ્રીવ્યૂ કરી શકીએ અને પછી બધું યોગ્ય લાગે તો આ વીડિયોને પબ્લિક માટે ઓપન કરી શકાય. અલબત્ત યુટ્યૂબના વીડિયો એડિટરમાં મળતાં આ બધાં સેટિંગ એકદમ બેઝિક છે. તમે વીડિયોનું પ્રોફેશનલ જેવું એડિટિંગ કરવા માગતા હો તો યુટ્યૂબથી આગળ વિચારવું પડે.

youtube.com

- કેન્વા વીડિયો એડિટર

તમને વીડિયો એડિટ કરવા માટે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબ જેટલી સિમ્પલીસિટી જોઇએ છે પણ રિઝલ્ટ પ્રોફેશનલ જોઈએ છે? તો કેન્વાનું વીડિયો એડિટર ફીચર તમને ઉપયોગી થઈ શકે. આમ તો કેન્વા અલગ અલગ કેટલાય પ્રકારનું ડિજિટલ કન્ટેન્ટ ડિઝાઇન કરવા માટેનું પાવરફુલ પ્લેટફોર્મ છે, તેમાં વીડિયો એડિટિંગ પણ સરસ રીતે થઈ શકે છે. કેન્વાના વીડિયો એડિટરમાં આપણે સહેલાઈથી વીડિયોના જુદા જુદા ભાગ કટ કરી શકીએ. જુદી જુદી ક્લિપ્સ એકમેક સાથે જોડી શકીએ, જુદા જુદા ભાગમાં  ટેકસ્ટ કે વિઝ્યુઅલ એલિમેન્ટ્સ ઉમેરી શકીએ. કેન્વામાં અઢળક રેડીમેડ વીડિયો ફૂટેજ, સ્ટોક ઇમેજિસ, ડિઝાઇન એલિમેન્ટ્સ અને ઓડિયો ક્લિપ્સ મળે છે. કેન્વાની મજા એ છે કે તેમાં બધું જ ડ્રેગ એન્ડ ડ્રોપ રીતે થઈ શકે છે.  આ બધું જ કેન્વાના ફ્રી પ્લાનમાં શક્ય છે. પેઇડ પ્લાનમાં હજી વધુ ફીચર્સ મળે છે.

canva.com

તમે વીડિયો એડિટિંગમાં હજી શરૂઆત કરી રહ્યા હો અને તેના બેઝિક્સ બરાબર સમજવા માગતા હો તો વીડિયોપેડ સર્વિસ પણ તપાસી શકો. આ પણ એક સિમ્પલ ઇઝી-ટુ-યૂઝ વીડિયો એડિટિંગ ટૂલ છે. બધાં જ વીડિયો એડિટિંગ ટૂલની જેમ વીડિયોપેડમાં તમે વીડિયોને કટ કરી શકો છો કે જુદી જુદી વીડિયો ક્લિપ્સને જોડીને તેમાંથી એક વીડિયો ક્રિએટ કરી શકો છો. 

વીડિયો પર વિવિધ સ્પેશિયલ ઇફેક્ટ્સ, ઓવરલે, ટેકસ્ટ, ટ્રાન્ઝિશન વગેરે ઉમેરી શકાય છે. અન્ય સિમ્પલ વીડિયો એડિટિંગ ટૂલ્સની સરખામણીમાં વીડિયોપેડમાં થોડા આગળ વધીને તમે કલર એડજસ્ટમેન્ટ કરી શકો છો. તેમજ સાઉન્ડ ઇફેક્ટ્સ પણ એડજસ્ટ કરી શકો છો. વીડિયોપેડમાં લાઇટ ઇફેક્ટ્સ કે સ્ટેબિલાઇઝેશન જેવાં વીડિયો ઓપ્ટિમાઇઝેશન ફીચર્સ પણ છે. સાવ ફ્રી ટૂલ્સમાં આવાં ફીચર સામાન્ય રીતે જોવા મળતાં નથી. 

nchsoftware.com

- વધુ ફીચર્સ ધરાવતા, પ્રોફેશનલ્સ માટેના ઓપ્શન્સ

ઓપનશોટ

અહીં સુધી આપણે જે ટૂલ્સ જોયાં એ ખાસ્સાં બેઝિક અને બિગિનર-ફ્રેન્ડલી ટૂલ્સ છે. તમે વીડિયો એડિટિંગનાં પ્રોફેશનલ ટૂલ્સ તરફ આગળ વધવા માગતા હો તો ‘ઓપનશોટ’થી શરૂઆત કરી શકાય. તેનો ઇન્ટરફેસ ખાસ્સો સહેલો છે, પણ તેની સાથોસાથ તેમાં પ્રોફેશનલ વીડિયો એડિટિંગ માટે જોઇતાં કોમ્પ્લેક્સ ટૂલ્સ પણ છે. ઓપનશોટમાં આપણે વીડિયો ક્લિપ્સનું રીસાઇઝિંગ કે સ્કેલિંગ કરી શકીએ છીએ, સ્નેપિંગ અને રોટેશન પણ પોસિબલ છે. નાના બિઝનેસ માટે પ્રોફેશનલ લૂકિંગ વીડિયો તૈયાર કરવા માટે ઓપનશોટ સારો ઓપ્શન બની શકે. તેમાં વીડિયોમાં બ્રાઇટનેસ, ગામા, હ્યૂ, ગ્રેસ્કેલ કે ગ્રીન-સ્ક્રીન જેવી ડિજિટલ વીડિયો ઇફેક્ટ્સ સાથે પણ કામ કરી શકાય છે.

આ ઓપનસોર્સ પ્રોગ્રામ છે, બિલકુલ ફ્રી છે!

openshot.org

- શોટકટ

આ મૂળ તો લિનક્સ માટે ડિઝાઇન થયેલો સોફ્ટવેર છે, હવે તેનો વિન્ડોઝ અને મેક બંને પ્લેટફોર્મ પર પણ ઉપયોગ થઈ શકે છે. 

આ પણ એક ઓપનસોર્સ પ્રોગ્રામ છે અને બિલકુલ ફ્રી છે, છતાં તેમાં ફોરકે રેઝોલ્યુશન સપોર્ટ, ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટિંગ, મલ્ટિ-ફોર્મેટ ટાઇમલાઇન્સ જેવાં ફીચર્સ પણ છે. તેમાં વેબકેમથી વીડિયો અને ઓડિયો કેપ્ચર કરવાની સુવિધા પણ છે. આમાં પણ ૩૬૦ ડિગ્રી વીડિયો ફિલ્ટર્સ અને ઇફેક્ટ્સ છે.

કન્ટેન્ટ ક્રિએટર્સ, સોશિયલ મીડિયા મેનેજર્સ વગેરે સૌ માટે આ સોફ્ટવેર બેસ્ટ કહી શકાય કેમ ફીચર-રીચ છે અને છતાં તદ્દન ફ્રી છે. તો પ્રોબ્લેમ શો છે? પ્રોબ્લેમ એટલો જ કે તે મૂળ લિનક્સ માટે ડિઝાઇન થયેલો હોવાથી તેના ઉપયોગમાં શરૂઆતમાં મજા ન આવે એવું બની શકે.

shotcut.org

- હિટફિલ્મ

તમે વીડિયો એડિટિંગમાં આગળ વધ્યા હો અને કોઈ પાવરફુલ પણ ફ્રી સોફ્ટવેરની શોધમાં હો તો ‘હિટફિલ્મ’ તપાસી શકાય. તેના પેઇડ વર્ઝનમાં ઘણાં પાવરફુલ ફીચર્સ છે, પણ ફ્રી વર્ઝન બહુ મર્યાદિત નથી. હિટફિલ્મમાં બહુ સહેલાઈથી ઓડિયો અને વીડિયો ટ્રાન્ઝિશન ક્રિએટ અને એડિટ કરી શકાય છે. તેમાં વીડિયોમાં થ્રીડી ઇફેક્ટ્સ પણ ઉમેરી શકાય છે. 

સામાન્ય રીતે પેઇડ સોફ્ટવેરમાં જોવા મળે તેવા ૩૬૦ ડિગ્રી એડિટિંગ કે સ્પેશિયલ ઇફેક્ટ્સની વિશાળ લાયબ્રેરી જેવા લાભ હીટફિલ્મ એક્સપ્રેસમાં મફતમાં મળી શકે છે.  તેમાં ક્રિએટ કરેલા વીડિયોને એચડી ક્વોલિટીમાં એક્સપોર્ટ કરી શકાય છે, એક્પોર્ટની કોઈ લિમિટ નથી.હિટફિલ્મ સોફ્ટવેરનું ફ્રી વર્ઝન કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરીને તેનો અનલિમિટેડ ટાઇમ માટે ઉપયોગ કરી શકાય.

fxhome.com

- દાવિન્સી રિઝોલ્વ

વીડિયો એડિટિંગ, મિક્સિંગ, કલર કરેક્શન, વીએફએક્સ, મોશન ગ્રાફિક્સ, ઓડિયો મિક્સિંગ... આ બધું એક જ સોફ્ટવેરમાં જોઈતું હોય તો ટ્રાય કરો દાવિન્સી  રિઝોલ્વ! આ સોફ્ટવેર મૂવી, ટેલિવિઝન શો અને એડવર્ટાઇઝમેન્ટના પ્રોફેશનલ એડિટર્સ પણ ઉપયોગમાં લે છે. તેના ફ્રી સોફ્ટવેરમાં પણ  લગભગ બધા જ વીડિયો ફોર્મેટમાં કામ થઈ શકે છે. 

આ સોફ્ટવેરમાં ખાસ્સાં પાવરફુલ અને કોમ્પ્લેક્સ ફીચર્સ છે, જેનો ઉપયોગ ફક્ત પ્રોફેશનલ વીડિયો એડિટર્સને જ હોય, પરંતુ પરંતુ તમને વીડિયો એડિટિંગમાં ઊંડા ઉતરવામાં રસ હોય કે અન્ય લોકોના વીડિયો કરતાં દેખીતો પ્રોફેશનલ ટચ ધરાવતા વીડિયો ક્રિએટ કરવા માગતા હો તો આ સોફ્ટવેરનું ફ્રી વર્ઝન પણ તમને બહુ કામ લાગશે.

https://ift.tt/S2NGbUT



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zfcAKXV