
- ઇસરોના ચેરમેન એસ.સોમનાથને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
- ચંદ્રયાન -2નું ઓર્બિટર ચંદ્રની ધરતીની લેન્ડિંગ સાઇટની ઇમેજીસ લેશે આ ઇમેજીસના આધારે લેન્ડર ક્યાં ઉતવું તેનો પોતે નિર્ણય લેશે
બેંગલુરુ/મુંબઇ : આપણા ચંદ્રયાન-૩ અવકાશયાનનું વિક્રમ લેન્ડર સંપૂર્ણ સફળ રહેશે. અમે ચંદ્રયાન -૩ અવકાશયાનની ટેકનિકલ ડિઝાઇન જ એવી કરી છે કે વિક્રમ લેન્ડરનાં તમામ સેન્સર્સ અને તેનાં બંને એન્જિન્સ કાર્ય કરતાં બંધ થઇ જશે તો પણ વિક્રમ લેન્ડર ૨૦૨૩ની ૨૩,ઓગસ્ટે સાંજે ૫ :૪૭ વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનાં નિશ્ચિત કરેલાં બેમાંથી કોઇપણ એક સ્થળ પર સંપૂર્ણ સલામતી સાથે ઉતરશે.
ઇસરોના ચેરમેન શ્રીધર પેનીકર સોમનાથે ચંદ્રયાન-૩ : ભારત પ્રાઇડ સ્પેસ મિશન કાર્યક્રમમાં બોલતાં આવો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
એસ.સોમનાથે ભરપૂર આત્મવિશ્વાસ સાથે ચંદ્રયાન --૩ અવકાશયાનની ટેકનિકલ બાબતોનું જમાપાસું સમજાવતાં કહ્યું હતું કે અમે વિક્રમ લેન્ડરને એવી ક્ષમતા આપી છે કે તે આપમેળે જ સંપૂર્ણ સલામતી સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર ઉતરશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિક્રમ લેન્ડરનાં બધાં સેન્સર્સ અને બે એન્જિન્સ કદાચ પણ કાર્ય કરતાં બંધ થઇ જાય તો પણ લેન્ડર સરળતાથી અને સફળતાથી ઉતરી શકશે.આમ છતાં અમારા માટે મોટો પડકાર એ છે કે વિક્રમ લેન્ડર ઉભી દિશામાં ઉતરવું પડશે.
એસ.સોમનાથે પહેલી જ વખત સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ચંદ્રયાન -૨(૨૦૧૯)ના વિક્રમ લેન્ડરમાં નેવીગેશન કેલ્યુલેશન એરર્સ (કોઇપણ વિમાન, શીપ, અવકાશયાનનાં સ્થળ, દિશા, સમય, ગતિ વગેરેની ગણતરીમાં ભૂલ થવી) થઇ હોવાથી તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર સલામત રીતે ઉતરી શક્યું નહોતું.
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસ. એ. એસ.- સેક)નાં આધારભૂત સૂત્રોએ મહત્વનો ટેકનિકલ મુદ્દો સમજાવતાં કહ્યું હતું કે ૨૩, ઓગસ્ટે વિક્રમ લેન્ડરની ઉતરવાની પ્રક્રિયા શરૂ થશે તેના આઠ(૮) કલાક પહેલાં ચંદ્રયાન-૨ના ઓર્બિટર દ્વારા ૧૦૦ કિલોમીટરની ઉંચાઇએથી ચંદ્રની ધરતીની ઇમેજીસ લેવાશે. આ ઇમેજીસમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવની બંને સાઇટ સ્પષ્ટપણે દેખાશે.
આમ છતાં ૨૩, ઓગસ્ટે વિક્રમ લેન્ડરને ઉતરવાની પ્રક્રિયા દરમિયાન કોઇ ખાસ પ્રકારની ટેકનિકલ સમસ્યા નહીં નડે તો તે જરૂર ઉતરશે. નહીં તો ૨૭, ઓગસ્ટે ઉતરશે. સરળ રીતે સમજીએ તો ૨૩, ઓગસ્ટે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરે તે પહેલાં ૧૫૦ મીટર(૪૫૦ ફૂટ)ની ઉંચાઇએ ગોળ ગોળ ફરશે. આ પ્રક્રિયા દરમિયાન લેન્ડર પોતે બંને સાઇટ(સ્થળ)નું સચોટ નિરીક્ષણ કરીને ઉતરવા માટે ચોક્ક્સ કયું સ્થળ વધુ સલામત, યોગ્ય છે તેનો નિર્ણય કરીને ઉતરશે.
ચંદ્રયાન-૩ અવકાશયાને ૫,ઓગસ્ટે સાંજે ૭:૧૫ વાગે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળ-સરળ પ્રવેશ કર્યો છે. ઉપરાંત, ઇસરોએ અત્યારસુધીમાં ૬ અને ૯,ઓગસ્ટે એમ બે વખત ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષામાં ઘટાડો કર્યો છે.
હવે ૧૪, ઓગસ્ટે બપોરે ૧૧:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન ચંદ્રયાન-૩ ની ભ્રમણ કક્ષામાં ત્રીજો અને ત્યારબાદ ૧૬, ઓગસ્ટે ચોથો ઘટાડો થશે. સૌથી છેલ્લે ૨૩, ઓગસ્ટે ચંદ્રયાન-૩ અવકાશયાન ૧૦૦ બાય ૩૦ ની સૌથી નાની અને સંપૂર્ણ ગોળાકાર ભમણકક્ષામાં આવી જશે. આ તબક્કે ચંદ્રયાન -૩ ચંદ્રની સપાટીથી સૌથી નજીક આવી જશે.ત્યારબાદ વિક્રમ લેન્ડરની ઉતરવાની પ્રક્રિયા શરૂ થશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/v54UIdu
0 Comments