આજ રોજ ઈસરો દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3 અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી સફળતાપૂર્વક ચન્દ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશવા આગળ વધી રહ્યું છે. ઈસરોએ નિવેદનમાં કહ્યું કે, ચંદ્રયાન-3 એ પૃથ્વીની ભ્રમણકક્ષાનું પરિક્રમા પૂર્ણ કરી લીધું છે અને હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

5 ઓગસ્ટ મહત્વપૂર્ણ દિવસ 

ઈસરોએ જણાવ્યું કે, ISTRAC (ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક) એ સફળતાપૂર્વક પેરીજી ફાયરિંગ કર્યું. જે બાદ સ્પેસક્રાફ્ટે ચંદ્ર તરફની યાત્રા શરૂ કરી દીધી છે. જે બાદ હવે 5 ઓગસ્ટ, 2023 ના રોજ, ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ પછી, 16 ઓગસ્ટ સુધી, અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષાની આસપાસ ભ્રમણ કરશે. ત્યારબાદ લેન્ડર 17 ઓગસ્ટે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરવાનું છે.

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે 

ઈસરોએ તેની મહત્વાકાંક્ષી યોજના ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી સંશોધનો કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે જાણવાની સાથે ચંદ્રની જમીનનો અભ્યાસ કરશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/j0C8dU9