- ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરવા સાથોસાથ તેના ગુરુત્વાકર્ષણ બળ સાથે પણ તાલમેલ સાધવો પડશે : ગતિ ઘટાડવી પડશે નહીં તો અંતરીક્ષમાં ફંગોળાઇ જવાનું જોખમ સર્જાઇ શકે 


મુંબઇ : ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-૩ અવકાશયાન  માટે ૨૦૨૩ની ૫, ઓગસ્ટનો દિવસ કદાચ કટોકટીભર્યો બની રહેશે. ચંદ્રયાન-૩ આવતીકાલે  ૫, ઓગસ્ટે સાંજે ૬ ૫૯ વાગે લ્યુનાર ઓર્બિટ ઇન્જેક્શન(એલ.આઇ.ઓ.)ના મહત્વના તબકકામાં  આવશે. એટલ કે ચંદ્રયાન-૩ આવતીકાલે ૫, ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. 

આજે  ૪, ઓગસ્ટે ચંદ્રયાન-૩ પૃથ્વીના એક  માત્ર ઉપગ્રહ  ચંદ્રની ભ્રમણકક્ષાની ઘણી  નજીક પહોચી ગયું છે. 

હાલના તબક્કે તો ચંદ્રયાન-૩ ટેકનિકલી  બરાબર કાર્ય કરે છે. ચંદ્ર તરફની યાત્રાના માર્ગમાં હજી સુધી કોઇ ટેકનિકલ વિઘ્ન કે અવરોધ નથી સર્જાયું.

આમ છતાં ચંદ્રયાન-૩   ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળ રીતે  પ્રવેશ કરે તે દરમિયાન  તેના માટે   અમુક તબક્કા કદાચ કટોકટીભર્યા બની રહે તેવું બની શકે. ચંદ્રયાન-૩ માટે કયા કયા  તબક્કા ટેકનિકલી પરીક્ષારૂપ બની રહે  તેવી શક્યતા છે  તેની વિગતો જાણવા જેવી  છે. 

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)નાં   સૂત્રોએ જોકે ભારોભાર વિશ્વાસ સાથે કહ્યું છે  કે  આવતીકાલે ૫, ઓગસ્ટે ચંદ્રયાન-૩ ચંદ્રની   ભ્રમણકક્ષામાં સરળ અને સફળ રીતે પ્રવેશ કરશે. જોકે  ચંદ્રયાન-૩  અવકાશયાન ચંદ્રની  ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે તેની સાથોસાથ તેનેી ગતિમાં પણ ઘટાડો કરવો પડશે.અવકાશયાનની ગતિ ધીમી થશે  તો જ  તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ સાથે સરળતાથી તાલમેલ  કરીને ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી શકશે. સાથોસાથ સ્થિર પણ રહી શકશે.

ચંદ્રયાન --૩ માટે આ પહેલો તબક્કો જ  કટોકટીભર્યો પુરવાર થઇ શકે છે કારણ કે અવકાશયાન ચંદ્રના ગુરુત્વાકર્ષણ સાથે તાલમેલ નહીં કરી શકે તો તે કોઇપણ દિશામાં ફંગોળાઇ જઇ શકે છે.  અવકાશયાન  કાં તો ચંદ્રની ધરતી પર  જોરથી પછડાઇ જઇ શકે છે અથવા તો તેને  પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ બળમાં ખેંચી લઇ શકે છે. એટલે  કે ચંદ્રયાન --૩ અવકાશયાનનો હેતુ જ વેરવિખેર થઇ જાય તેવું બની શકે. ચંદ્રયાન --૩ પ્રોજેક્ટ કદાચ નિષ્ફળ  નિવડી શકે. 

 બીજીબાજુ  ઇસરોનાં સૂત્રોએ  હાલ  અમે અમારા બેંગલુરુ નજીકના ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક દ્વારા   ચંદ્રયાન --૩ ના ચંદ્ર તરફની યાત્રાનો માર્ગ  અને તેની  ગતિએમ બંને પ્રક્રિયા પર બરાબર નજર રાખીએ છીએ. 

હાલ ચંદ્રયાન-૩ અવકાશયાન ૩૭,૨૦૦ કિલોમીટર(પ્રતિ કલાક)ની તેજ ગતિએ  ચંદ્ર ભણી યાત્રા  કરી રહ્યું   છે.  જોકે  ચદ્રમાની ભ્રમણકક્ષામાં સરળ અને સફળ પ્રવેશ કરવા માટે  ચંદ્રયાન --૩ ની ગતિ ૭,૨૦૦ થી ૩,૬૦૦ કિલોમીટર( દર કલાકે) હોવી જરૂરી છે. વળી, અવકાશયાનની ગતિ ૫ થી ૨૩, ઓગસ્ટ દરમિયાન ૨ અથવા ૧ કિલોમીટર( દર સેકન્ડ) જેટલો અત્યંત ધીમી પણ હોવી જરૂરી છે કે જેથી તે  ચંદ્રની પાંચમી ભ્રમણકક્ષા પૂરી કરીને ધીમે ધીમે  ચંદ્રના દક્ષિણ ધુ્રવના ચોક્કસ સ્થળ તરફ જઇ શકે. 

મહત્વનો ટેકનિકલ મુદ્દો એ છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની સરખામણીએ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ  છ ગણું ઓછું છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ૯૮૦ મીટર પર સેકન્ડ પર સેકન્ડ છે, જ્યારે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ૧.૬૦ મીટર પર સેકન્ડ પર છે. આ કુદરતી પરિબળને ધ્યાનમાં રાખીને  અવકાશયાનની ગતિમાં જરૂરી ઘટાડો  થવો જરૂરી છે. નહીં તો ચંદ્રયાન --૩ ને ઘણા અવરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા ખરી.

ઉપરાંત, ચંદ્રયાન --૩ અવકાશયાનને અફાટ અંતરીક્ષમાં અત્યંત પ્રવેગથી ગતિ  કરતાં સબએટમિક કણોમાંના કિરણોેત્સર્ગ(રેડિયેશન)થી પણ બચાવવું પડશે. આવો એક પણ કણ કદાચ પણ  ચંદ્રયાન-૩  સાથે ટકરાય તો  અવકાશયાન તૂટી જઇ શકે. વળી,  હમણાં સૂર્યનારાયણ બહુ બહુ ક્રોધે ભરાયા હોવાથી તેમાંથી બહાર ફેંકાતાં  વિદ્યુતભારવાહી પદાર્થકણો(ઇલેક્ટ્રીક ચાર્જ્ડ પાર્ટિકલ્સ) અથવા તો ભયાનક સૌર જ્વાળાની પણ મહાપ્રચંડ થપાટ વાગી શકે.

આમ છતાં ઇસરોનાં સૂત્રોએ ભારપૂર્વક કહ્યું હતું કે અમે આ  બધાં જ  જોખમી પરિબળોને ધ્યાનમાં રાખીને  ચંદ્રયાન --૩  ફરતે અખંડ સુરક્ષાકવચ ગોઠવી દીધું  હોવાથી અવકાશયાનને ઉની આંચ પણ નહીં આવે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6G49bd7