શું તમે ક્યારેય તમારી પ્લાસ્ટિક સ્ટ્રોને પેપર સ્ટ્રોથી રીપ્લેસ કરી છે? તો સાવચેત થઇ જાઓ, કારણ કે એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, પેપર સ્ટ્રો ઇકો ફ્રેન્ડલી નથી અને તેમાં લાંબા સમય સુધી હાનીકારક કેમિકલ હાજર હોય છે. 

39 બ્રાન્ડની સ્ટ્રોનું પરીક્ષણ

યુરોપમાં પ્રથમ અને સમગ્ર વિશ્વમાં માત્ર બીજા એનાલીસીસથી જાણવા મળ્યું છે કે, બેલ્જિયમના સંશોધકોએ PFAS (પોલી- અને પરફ્લુરોઆલ્કિલ સબસ્ટન્સ) તરીકે ઓળખાતા સિન્થેટીક કેમિકલ ચકાસવા વિવિધ 39 બ્રાન્ડની સ્ટ્રોનું પરીક્ષણ કર્યું હતું. જેમાં ફૂડ એડિટિવ્સ અને કોન્ટામીનન્ટસમાં પ્રકાશિત થયેલા એક સર્વેથી જાણવા મળ્યું છે કે, મોટાભાગની બ્રાન્ડ્સ (69%) 18 વિવિધ પ્રકારના PFAS ધરાવે છે.  પેપર સ્ટ્રોની બ્રાન્ડ્સમાં 90% PFAS કેમિકલ જોવા મળ્યું , જયારે વાંસની સ્ટ્રો બ્રાન્ડ્સમાં 80%, પ્લાસ્ટિક સ્ટ્રોમાં 75% અને કાચની સ્ટ્રોમાં 40% PFAS કેમિકલ જોવા મળ્યું હતું. તેમજ સ્ટીલની સ્ટ્રોના પાંચ પ્રકારોમાંથી કોઈપણમાં PFAS નથી મળી આવ્યું.

ડ્રીન્કીંગ સ્ટ્રો સહિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉત્પાદનોના વેચાણ પર આ દેશોએ મૂક્યો પ્રતિબંધ 

ભારત, યુકે અને બેલ્જિયમ સહિતના દેશોની વધતી જતી સંખ્યાના કારણે આ અભ્યાસ કરવામાં આવ્યો છે, આ દેશોએ ડ્રીન્કીંગ સ્ટ્રો સહિત સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને પ્લાન્ટ બેઇઝ્ડ વસ્તુઓ એક લોકપ્રિય વિકલ્પો બની ગયા છે. એન્ટવર્પ યુનિવર્સિટીના પર્યાવરણ વિજ્ઞાની શાખાના સંશોધક ડૉ. થિમો ગ્રોફેને જણાવ્યું હતું કે, "કાગળ અને વાંસ જેવા પ્લાન્ટ બેઇઝ્ડ મટીરિયલમાંથી બનેલી સ્ટ્રોની જાહેરાતો પ્લાસ્ટિકમાંથી બનેલી સ્ટ્રો કરતા વધુ ટકાઉ અને ઇકો ફ્રેન્ડલી હોવાની જાહેરાત વધુ કરવામાં આવે છે. પરંતુ પેપર સ્ટ્રોમાં PFASની હાજરીનું પ્રમાણ આ જાહેરાતોને ખોટી સાબિત કરે છે.

શા માટે PFAS ઇકો ફ્રેન્ડલી નથી?

PFAS નો ઉપયોગ આઉટડોર કપડાંથી લઈને નોન-સ્ટીક પેન સુધીના રોજીંદા ઉત્પાદનો બનાવવા માટે થાય છે. જેને પર્યાવરણમાં નાશ પામતા હજારો વર્ષ લાગે છે, આથી તેને કાયમી કેમિકલ તરીકે ઓળખવામાં આવે છે. PFASના કારણે વિવિધ રસીઓનો ઓછો પ્રતિસાદ, જન્મથી જ બાળકનું ઓછું વજન, થાઇરોઇડ રોગ, કોલેસ્ટ્રોલમાં વધારો, લીવરને નુકસાન, કિડનીનું કેન્સર અને ટેસ્ટિક્યુલર કેન્સર જેવા અસંખ્ય રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. જે લોકો, વન્યજીવન અને પર્યાવરણ માટે હાનિકારક સાબિત થાય છે.

અભ્યાસમાં 2020થી વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત એવું પરફ્લુઓરોક્ટેનોઈક એસિડ (PFOA) PFASમાં જોવા મળ્યું હતું. આ ઉપરાંત ટ્રાઇફ્લુરોએસેટિક એસિડ (TFA), ટ્રાઇફ્લુરોમેથેનેસલ્ફોનિક એસિડ (TFMS), અલ્ટ્રા-શોર્ટ ચેઇન PFAS જે પાણીમાં ઝડપથી પીગળી જાય છે તેવા કેમિકલ્સ જોવા મળ્યા હતા. જે માનવ શરીરમાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને સમય જતા શરીરને નુકશાન કરે છે.  એક નિષ્ણાતના મતાઅનુસાર, કાગળ અને વાંસની સ્ટ્રોમાં PFASની હાજરી દર્શાવે છે કે, તેઓ બાયોડિગ્રેડેબલ હોવી જરૂરી નથી. સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રોમાં કોઈ PFAS જોવા મળ્યો નથી, તેથી તેમણે  લોકોને પ્રકારના સ્ટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BVXn51p