નવી દિલ્હી,તા. 29 ઓગસ્ટ 2023, મંગળવાર 

દુનિયાભરના ઓટો સેક્ટરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટાપાયે ફેરફાર આવ્યા છે. ટ્રાન્સપોર્ટેશનની દુનિયામાં આવી રહેલ આ ક્રાંતિમાં ભારત પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે. 

દેશમાં સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 29 ઓગસ્ટે ઈથેનોલ સંચાલિત ટોયોટા ઈનોવાનું વિશ્વનું પ્રથમ વર્ઝન લોન્ચ કર્યું છે. આ કાર્યક્રમમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા. ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા ડેવલપ BS-VI (સ્ટેજ II) 'ઈલેક્ટ્રીફાઈડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ'નો આ વિશ્વનો પ્રથમ પ્રોટોટાઈપ છે.

ટોયોટાના એક નિવેદન અનુસાર ટોયોટા ઇનોવાનું ઇથેનોલ-ઇંધણયુક્ત વર્ઝન વિશ્વનું પ્રથમ BS-VI (સ્ટેજ-II) 'ઇલેક્ટ્રીફાઇડ ફ્લેક્સ ઇંધણ વાહન' હશે. ગયા વર્ષે ગડકરીએ ટોયોટા મિરાઈ ઈવી રજૂ કરી હતી, જે સંપૂર્ણપણે હાઈડ્રોજનમાંથી ઉત્પન્ન થતી વીજળી પર ચાલે છે.

ઇથેનોલ-સંચાલિત ટોયોટા ઇનોવા લોન્ચ કરવાથી આવનારા સમયમાં ભારતને મોટો ફાયદો થઈ શકે છે. આ કારના લોન્ચિંગથી ક્રૂડ ઓઈલની આયાત પર ભારતની નિર્ભરતા ઘટી શકે છે. આ સિવાય દેશની પેટ્રોલ અને ડીઝલની માંગ પણ ઘટી શકે છે. 

40% ઇથેનોલ 60% ઇલેક્ટ્રિક એનર્જી 

ટોયોટાની આ નવી કાર 40 ટકા ઇથેનોલ અને 60 ટકા ઇલેક્ટ્રિક એનર્જી પર ચાલશે. વૈકલ્પિક ઈંધણ અને પ્રદૂષણ ઘટાડવાની દિશામાં ભારત સરકારનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. 60 ટકા ઇલેક્ટ્રિક અને 40 ટકા બાયો-ઇથેનોલ પર ચાલવાને કારણે માઇલેજ પણ ભરપાઈ કરી શકાય છે. ફ્લેક્સ ફ્યુઅલ એક પ્રકારની ટેક્નોલોજી છે જેના દ્વારા કારમાં 20 ટકાથી વધુ ઇથેનોલનો ઉપયોગ કરી શકાય છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yvsnqlN