નવી દિલ્હી,૨૩ ઓગસ્ટ,૨૦૨૩,બુધવાર 

છેલ્લા કેટલાક વર્ષોથી મૂન મિશન અટકી ગયા હતા પરંતુ ૧૯૬૦ના દાયકામાં સોવિયત સંઘ (રશિયા) અને અમેરિકા વચ્ચે સ્પેસ વૉર ચાલતું હતું. અમેરિકાનું એપોલો -૧૧ ચંદ્ર પર સમાનવ પહોંચવામાં સફળ રહયું હતું. શરુઆતના એપોલો અભિયાન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એપોલો લેન્ડિંગ પહેલા જ વૈજ્ઞાાનિકોનું માનવું હતું કે ચંદ્ર પર પાણી હોઇ શકે છે.

૨૦૦૮માં બ્રાઉન યુનિવર્સિટી દ્વારા ચંદ્ર પરના સેમ્પલનો સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં જવાળામુખીઓના ઝીણા કાચમાં હાઇડ્રોજન હોય તેમ જણાયું હતું. ૨૦૦૯માં ઇસરોએ ચંદ્રયાન -૧ પર નાસાના ઉપકરણે ચંદ્ર પર પાણી વિશે માહિતી મેળવી હતી. નાસાએ પણ દક્ષિણ ભાગમાં સપાટી નીચે બરફ સ્વરુપે પાણી હોવાનું સંશોધન કર્યુ હતું. ૧૯૯૮ના નાસાના લૂનર પ્રોસ્પેકટરમાં દક્ષિણ ધ્રુવ અંધારિયા ખાડાઓમાં ભેજ હોવાનું અનુમાન લગાવ્યું હતું. 


ભારતનું ચંદ્રયાન ૩ પણ ચંદ્રની દક્ષિણ ભાગ તરફ ઉતરાણ કરીને પાણીની ઉત્પતિ પર પ્રથમ વાર સચોટ સંશોધન કરશે.  સૌથી મહત્વની વાત એ છે કે દુનિયાની સ્પેસ એજન્સીઓેને ચંદ્ર પર પાણીના સંશોધનમાં રસ પડયો છે. જવાળામુખી, ધુમકેતુઓ અને લઘુગ્રહો પૃથ્વી પર કેવી રીતે ખનીજો પહોંચાયા કે મહાસાગરોની ઉત્પતિ કેવી રીતે થઇ તે સમજવા માટે ચંદ્ર પરના પાણીનું સંશોધન કામ લાગે તેવું છે.

ચંદ્વ પરનું પાણી પીવાના પાણીનો સ્ત્રોત બને તે દૂરની વાત છે પરંતુ પૃથ્વી પર પાણી કેવી રીતે આવ્યું તે માટે ચંદ્ર પરના સંશોધન ઉપયોગી છે. ચંદ્રનો અંધારિયો જણાતો દક્ષિણ ભાગ પાણીના સંકેત આપે છે. આ ભાગ પર ઉંચા પર્વતો અને ખીણો હોવાથી યાન ઉતારવું લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. ઇસરોના વૈજ્ઞાાનિકોની મહેનત રંગ લાવી છે. ભારતનું ચંદ્રયાન દક્ષિણ ભાગમાં ઉતરીને કમાલ કરી છે.


દક્ષિણ ભાગના સંશોધનમાં રશિયાને પણ રસ હતો આથી જ તો લૂના ૨૫ મોકલ્યું હતું.ચીન અને અમેરિકા પણ અણ દિઠેલી ભોમ ગણાતા ચંદ્રના દક્ષિણ ભાગમાં  રોવર ઉતારવા ઉત્સૂક હતા. આ સફળતા માત્ર ભારતને જ મળી છે. ભવિષ્યમાં યોજનારા મૂન મિશનો આ જ પ્રકારના રહેવાના છે તેમાં ભારત સૌથી ટોપના સ્થાને આવી ગયું છે. એવું નથી કે અમેરિકા,રશિયા કે યુરોપિયન સ્પેસ એજન્સી પાસે ટેકનીક અને ટેલેન્ટ નથી પરંતુ ચંદ્રના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ચંદ્રયાન -૩ ઉતારીને ભારત કમસે કમ આ બાબતમાં હરિફોથી આગળ નિકળી ગયું છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1ZPj0eV