ચંદ્રયાન- 3ની સફળતા બાદ ISRO તેના આગામી મિશનમાં કાર્યરત થયું છે. આ મિશનની જાહેરાત કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કરી હતી. જેમાં ટૂંક સમયમાં જ ગગનયાનના આ ટ્રાયલ મિશનની શરૂઆત કરવામાં આવશે. જેનું લોન્ચિંગ દોઢ મહિનામાં થાય તેવી શક્યતા છે. આ લોન્ચિંગમાં રોકેટ દ્વારા એક માનવરહિત યાન મોકલવામાં આવશે. જેમાં ભારતીય નૌસેના અને કોસ્ટગાર્ડ પણ ભાગ લેશે.

દુનિયાના બેસ્ટ સ્પેસ હ્યુમેનોઈડ રોબોટનો ખિતાબ ધરાવે છે 'વ્યોમમિત્ર'

આગામી વર્ષના શરૂઆતી મહિનામાં ગગનયાન મારફતે વ્યોમમિત્ર રોબોટ મોકલવામાં આવશે. ISRO દ્વારા આ વ્યોમમિત્ર નામક મહિલા હ્યુમેનોઈડ રોબોટને 24 જાન્યુઆરી 2020માં રજૂ કરવામાં આવ્યું હતું. આ રોબોટ બનાવવા પાછળનો ઉદેશ દેશના પહેલા માનવ મિશન ગગનયાનના ક્રૂ મોડ્યુલરમાં મોકલીને અંતરીક્ષમાં માનવ શરીરની હરકત સમજવાનો છે. વ્યોમમિત્રને દુનિયાની બેસ્ટ સ્પેસ હ્યુમેનોઈડ રોબોટનો ખિતાબ આપવામાં આવ્યો છે. જે હાલ બેંગ્લોરમાં રાખવામાં આવેલ છે.

મહિલા રોબોટ અવકાશમાં કેવી રીતે કામ કરશે?

આ મહિલા રોબોટ વ્યોમમિત્ર મનુષ્યો એટલે કે અવકાશયાત્રીઓની જેમ કામ કરશે. તે ગગનયાનના ક્રૂ મોડ્યુલને વાંચશે અને જરૂરી સૂચનાઓને સમજશે. આ સાથે તે ગ્રાઉન્ડ સ્ટેશનમાં હાજર વૈજ્ઞાનિકો અને મિશન ટીમ સાથે વાત કરશે. આ માનવરહિત મિશનના પરિણામો જ મનુષ્ય માટે અવકાશમાં જવાનો માર્ગ ખોલશે. ગગનયાનના ત્રીજા તબક્કાના પ્રક્ષેપણમાં ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.

3 દિવસ પૃથ્વીની આસપાસ ફરશે ગગનયાન

ISROની યોજના હતી કે ગગનયાન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓ 7 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે, પરંતુ બાદમાં આ યોજના બદલાઈ ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે 7 દિવસના બદલે, અવકાશયાત્રીઓ 1 કે 3 દિવસ પૃથ્વીની પરિક્રમા કરશે. આ મિશનમાં ગગનયાનનું ક્રૂ મૉડલ પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈએ લોઅર અર્થ ઓર્બિટમાં ફરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મિશનમાં ભારતીય વાયુસેનાના સક્ષમ પાયલટ્સને મોકલવાની તૈયારી છે. એ જ કારણ છે કે તેની તૈયારીઓમાં દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેથી આ મિશન ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં ભૂલ માટે કોઈ સ્થાન જ નથી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5NscWhK