
- ભારત આખી દુનિયાનું સ્માર્ટ રિંગ હબ બની જાય તેવી શક્યતા છે
આપણી ગુજરાતી ભાષામાં એક મજાની કહેવત છે - આંગળી દેતાં પહોંચો પકડ્યો! ટેકનોલોજીની દુનિયામાં અત્યારે તેનાથી બિલકુલ ઊંધું થઈ રહ્યું છે. પહેલાં આપણા હાથમાં સ્માર્ટફોન પકડાવવામાં આવ્યો, એ પછી કાંડા પર સ્માર્ટવૉચ અને સ્માર્ટ બેન્ડ આવ્યાં અને હવે આંગળીમાં પહેરાવવામાં આવી રહી છે સ્માર્ટ રિંગ!
ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ નવી નવાઈની સ્માર્ટ રિંગનું માર્કેટ અત્યારે આખી દુનિયામાંથી સૌથી વધુ ભારતમાં જ ધમધમી રહ્યું છે.
આમ તો ૧૦ વર્ષ પહેલાં મેકલિયર નામની એક કંપનીએ દુનિયાની પહેલી સ્માર્ટ રિંગ લોન્ચ કરી હતી. એ સમયે તેનો ઉપયોગ મોટા ભાગે જેસ્ચર કંટ્રોલ, મેસેજ એલર્ટ કે કોલ નોટિફિકેશન માટે થતો હતો. હવે તેનો ઉપયોગ ખાસ્સો વિસ્તર્યો છે. વેરેબલ ટેકનોલોજીના માર્કેટમાં સ્માર્ટ રિંગ નવી ધૂમ મચાવે એવી શક્યતા દેખાઈ રહી છે.
નીચેની વિગતો વાંચીને તમને સ્માર્ટ રિંગમાં રસ પડે તો તમારું દિલ જેની પર ઓવારી ગયું હોય તેને સ્માર્ટ રિંગ આપીને પ્રપોઝ કરી શકો છો, એ પછી દિલના હાલ જાણવા સાચેસાચ વધુ સહેલા બનશે!
વેરેબલ ડિવાઇસ, એટલે કે પહેરી શકાય તેવાં ઇલેક્ટ્રોનિક સાધનો આમ તો આંખના ચશ્માથી પગના શૂઝ કે મોજાં સુધી વિસ્તરી ગયાં છે, પરંતુ એ બધામાં સ્માર્ટ બેન્ડ અને સ્માર્ટવૉચ સૌથી વધુ પોપ્યુલર થયાં છે. અત્યારે ભારત દુનિયાનું સૌથી મોટું સ્માર્ટવૉચ માર્કેટ છે, હવે સ્માર્ટ રિંગ સ્માર્ટવૉચ ની હરીફાઇ કરવા લાગશે તેવું લાગે છે.

સ્માર્ટ રિંગ શું છે?
સાદા શબ્દોમાં એમ કહી શકાય કે સ્માર્ટ રિંગ એ આંગળીમાં પહેરી શકાતું કમ્પ્યૂટર છે! નાની અમથી વીંટીએ હવે પહેરી શકાય તેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું સ્વરૂપ લઈ લીધું છે. તેમાં આધુનિક ટેકનોલોજીને કારણે સ્માર્ટવૉચ જેવાં ફીચર્સ મળી શકે છે. સ્માર્ટ રિંગમાં એડવાન્સડ સેન્સર, કમ્યુનિકેશન કમ્પોનન્ટ્સ, સ્માર્ટ ચિપ અને ટચૂકડી બેટરી હોય છે.
સ્માર્ટ રિંગનું અત્યંત નાનું કદ જોતાં મોટા ભાગની રિંગમાં સ્ક્રીન એટલે કે ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે હોતો નથી. પરંતુ એ જ વાત તેનું જમા પાસું પણ બની રહી છે. સ્માર્ટવૉચમાં જુદી જુદી બાબતોનાં કેટલાંય નોટિફિકેશન સ્ક્રીન પર મળે છે અને સ્ક્રીન પર આપણે કેટલાંક એકશન પણ લઈ શકીએ છીએ. આથી કાંડે ગોઠવાયેલી પેલી સ્માર્ટવૉચ આપણું વારંવાર ધ્યાન ખેંચીને અન્ય બાબતમાં ખલેલ પહોંચાડે તેવું બની શકે. સ્માર્ટ રિંગમાં સ્ક્રીન ન હોય તો પણ તેમાં વિવિધ નોટિફિકેશન મળે છે, પરંતુ આંગળીમાં હળવી ઝણઝણાટી સ્વરૂપે. તેનાથી વિશેષ સ્માર્ટ રિંગમાં આપણે કશું જોવાનું હોતું નથી.
ઉપરાંત ફેશન બાબતે એકદમ સજાગ લોકો ઘણી વાર સ્માર્ટવૉચ પહેરવાનું પસંદ કરતા નથી, પરંતુ સ્માર્ટ રિંગ તેમની ફેશનનો એક ભાગ બની શકે છે. સ્માર્ટ રિંગ પહેરી હોય તો સ્માર્ટવૉચને બદલે તમારી ફેવરિટ વોચ પણ પહેરી શકાય!
સ્માર્ટ રિંગ કઈ રીતે કામ લાગી શકે?
બેઝિકલી, સ્માર્ટ રિંગને સ્માર્ટવૉચ કે ફિટનેસ બેન્ડની જેમ સ્માર્ટફોનમાંની તેની એપ સાથે કનેક્ટ કરી શકાય છે.
એ પછી, અત્યારે સ્માર્ટ રિંગના મુખ્યત્વે ચાર ઉપયોગ છે - વિવિધ બાબતોનાં નોટિફિકેશન, આપણી એક્ટિવિટીનું ટ્રેકિંગ, ઊંઘનું ટ્રેકિગ અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોનું મોનિટરિંગ.
સ્માર્ટ રિંગના મોડેલ અનુસાર તેમાં ક્રેડિટ કાર્ડ, ઘર-ઓફિસ કે કારની ચાવી, ડ્રાઇવિંગ લાઇસન્સ કે આઇડી કાર્ડ સુદ્ધાં આંગળીના ટેરવે સાચવી શકાય તેવી શક્યતા છે. સ્માર્ટ રિંગની મદદથી આપણે પોતાના સ્માર્ટ હોમ ડિવાઇસિસને પણ મેનેજ કે કંટ્રોલ કરી શકીએ છીએ. સ્માર્ટ રિંગથી કોન્ટેક્ટ-લેસ પેમેન્ટ પણ ઓથેન્ટિકેટ કરી શકાય છે.
બીજાં બધાં વેરેબલ ડિવાઇસિસની સરખામણીમાં સ્માર્ટ રિંગનો મુખ્ય ફાયદો એ છે કે તે ખાસ કોઈ પ્રયાસ વિના ચોવીસેય કલાક આપણી આંગળી પર રહે છે.
ખાસ કરીને હેલ્થ મોનિટરિંગની બાબતે આ કારણે સ્માર્ટવૉચ કરતાં સ્માર્ટ રિંગનો હાથ ઉપર રહે છે. હોસ્પિટલમાં કોઈ દર્દીની પલ્સ મોનિટર કરવાની હોય ત્યારે તેના કાંડા પર નહીં પરંતુ આંગળી પર મેડિકલ સેન્સર મૂકવામાં આવે છે. કારણ એટલું જ કે કાંડા કરતાં આંગળીમાંથી વધુ પરફેકશન સાથે ડેટા મળી શકે છે. આપણી આંગળી રક્તવાહિનીઓના સૌથી નજીકના સંપર્કમાં હોય છે. કાંડા પરની સ્માર્ટવૉચથી રક્તવાહિની પ્રમાણમાં દૂર હોય છે.
જોકે સ્માર્ટ રિંગ આ પ્રકારે પરફેક્ટ મોનિટરિંગ કરી શકે એ માટેની પહેલી શરત એ કે સ્માર્ટ રિંગમાં મેડિકલ ગ્રેડનાં સેન્સર હોવાં જોઇએ, તેમ જ તે આંગળી પર એકદમ પરફેક્ટલી ફિટ થવી જોઇએ. દરેક વ્યક્તિની આંગળીની સાઇઝ જુદી જુદી હોય તે મુજબ તેમની સાઇઝની સ્માર્ટ રિંગ ઓફર કરવી એ સ્માર્ટ રિંગ કંપની માટે મોટી ચેલેન્જ છે. ઇ-કોમર્સ સાઇટ્સ પર અત્યારે આ જ કારણે સ્માર્ટ રિંગમાં સ્ટેપ્સની ગણતરી કે અન્ય મોનિટરિંગમાં લોચા થતા હોવાની ફરિયાદ છે. બીજી મોટી ચેલેન્જ, ટચૂકડી વીંટીમાં જાતભાતનાં કોમ્પોનન્ટ સમાવવાની તો છે જ!

સ્માર્ટ રિંગનું વિસ્તરતું માર્કેટ
આખી દુનિયાની વાત કરીએ તો વેરેબલ ડિવાઇસિસમાં એપલ અને સેમસંગ સૌથી આગળ પડતાં નામ છે, પરંતુ તેમનું હાલનું ફોકસ સ્માર્ટવૉચ પર છે. બીજી તરફ ભારત દુનિયાનું સ્માર્ટ રિંગ હબ બની ગયું છે.અત્યારે હજી એપલ કે સેમસંગની સ્માર્ટ રિંગ માર્કેટમાં આવી નથી ત્યારે ભારતમાં પાઇ રિંગ, અલ્ટ્રાહ્યુમન નામની બે કંપનીની વિવિધ સ્માર્ટ રિંગ માર્કેટમાં આવી ગઈ છે. હવે બોટ કંપનીની સ્માર્ટ રિંગ પણ ઉપલબ્ધ થઈ ગઈ છે અને નોઇસ કંપનીની ‘લૂના રિંગ’ લોન્ચ થવામાં છે. આ બંને કંપનીએ ખાસ કરીને ‘એફોર્ડેબલ’ સ્માર્ટવૉચ લોન્ચ કરીને ભારતમાં એ સેગમેન્ટમાં એપલ અને સેમસંગને પણ હંફાવી દીધી છે. એ જ ઇતિહાસનું હવે સ્માર્ટ રિંગમાં પુનરાવર્તન થાય તેવી શક્યતા છે, અલબત્ત તેમનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં થાય છે.
પાઇ રિંગની વિવિધ સ્માર્ટ રિંગ પાંચેક હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેની સામે અલ્ટ્રાહ્યુમનની રિંગ એરની કિંમત રૂ. ૨૮,૪૯૯ છે. બાકીની બધી સ્માર્ટ રિંગ આ બંને વચ્ચેની રેન્જમાં છે. સ્માર્ટ રિંગમાં રસ પડે તો જે ગમે તેના પર આંગળી મૂકી દો!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bjSmnx5
0 Comments