આજના સમયમાં સ્ટુડન્ટ્સનું કામકાજ સ્માર્ટફોન અને લેપટોપ બંનેમાં વહેંચાયેલું રહે છે ત્યારે...

આજે ફરી થોડી વાત કરીએ સ્ટુડન્ટ્સ સાથે - ખાસ કરીને નવા નવા કોલેજમાં પહોંચેલા સ્ટુડન્ટ્સ સાથે. તમે સ્કૂલમાં હો ત્યાં સુધી સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ, ફની વીડિયો અને સોશિયલ મીડિયા પર એન્ડલેસ સ્ક્રોલિંગ કરતા રહો એ ચાલી જાય, પરંતુ કોલેજમાં પહોંચ્યા પછી - ખરેખર તો ૧૧મા અને ૧૨મા ધોરણથી જ - તમારો ટેકનોલોજીનો ઉપયોગ ૧૮૦ ડિગ્રી બદલાઈ જવો જોઇએ! ઇન્ટરનેટ પર એક્ટિવ હોઇએ ત્યારે ભલે એમ માનીએ કે આપણે ઇન્ટરનેટનો લાભ લઇએ છીએ, પરંતુ ખરેખર એ સમયે ટેક કંપનીઓ આપણો લાભ લેતી હોય છે. હવે આપણે ટેકનોલોજીનો પોતાના લાભ માટે ઉપયોગ કરવાની શરૂઆત કરવી જોઇએ. 

જેમ કે, આજના સમયમાં લગભગ દરેક કોલેજિયન માટે સ્માર્ટફોન અને લેપટોપ બંનેનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. તમારી પાસે આઇફોન, આઇપેડ કે મેકબુક જેવાં એપલનાં ડિવાઇસિસ હોય તો તમે એપલની ઇકોસિસ્ટમનો પૂરેપૂરો લાભ લઈ શકો. પરંતુ  એવું ન હોય, તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને વિન્ડોઝ લેપટોપ હોય તો એ બંને કંપની અલગ અલગ ઇકોસિસ્ટમ ધરાવે છે. એટલે આપણે બંનેનો તાલમેલ ગોઠવવા થોડો પ્રયાસ કરવો પડે. સારી વાત એ છે કે આ બંને કંપની એકમેકની નજીક આવી રહી છે એટલે આપણી વાત સહેલી બને. 

કોલેજ લાઇફ દરમિયાન તમારું ડેઇલી વર્ક, અેસાઇનમેન્ટ્સ તથા તેના માટે રિસર્ચ વગેરે સહેલું બનાવવા માટે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં માઇક્રોસોફ્ટની કેટલીક એપ્સ ઉમેરી દો તો તમે  ફોન અને લેપટોપમાં તમારા કામને લગભગ સીમલેસલી સિન્ક્ડ રાખી શકો. એન્ડ્રોઇડ માટે માઇક્રોસોફ્ટની સંખ્યાબંધ એપ્સ છે, એમાંથી તમારે ઉપયોગ કરવા જેવી ને ફોન/લેપટોપ બંનેમાં ઇન્સ્ટોલ કરવા જેવી કેટલીક એપ્સની અહીં વાત કરીએ.


ઓથેન્ટિકેટર

તમે વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સને સિક્યોર બનાવવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા હો તો ઓથેન્ટિકેટર એપથી પરિચિત હશો. 

ગૂગલની જેમ માઇક્રોસોફ્ટ પણ આવી એપ આપે છે. તે આપણા એકાઉન્ટ માટે નિશ્ચિત, ટાઇમ-બેઝ઼઼્ડ ઓટીપી જનરેટ કરવા ઉપરાંત પાસવર્ડ મેનેજર તરીકે પણ કામ કરે છે. તમારાં ડિવાઇસમાં અલગ અલગ એકાઉન્ટમાં ફટાફટ લોગઇન થવું હોય તો આ એપ બહુ ઉપયોગી થઈ શકે છે.  

ખાસ કરીને તમે સ્માર્ટફોન અને લેપટોપમાં માઇક્રોસોફ્ટના એજ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો ત્યારે માઇકોસોફ્ટની ઓથેન્ટિકેટર એપ વધુ ઉપયોગી થઈ શકે છે.

Microsoft Authenticator


એજ બ્રાઉઝર

લેપટોપ અને સ્માર્ટફોન બંનેમાં, બ્રાઉઝર માટે તમારી પહેલી ચોઇસ લગભગ ગૂગલ ક્રોમ હશે. પરંતુ ધીમે ધીમે માઇક્રોસોફ્ટનું એજ બ્રાઉઝર તેનો મજબૂત વિકલ્પ બની રહ્યું છે. જો તમારા સ્માર્ટફોન અને લેપટોપ બંનેમાં એજ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ સહેલો બને તેમ જ બંને ડિવાઇસમાં તમારા નેટ સર્ફિંગને સિંક્ડ રાખવું પણ સહેલું બનશે. 

માઇક્રોસોફ્ટે એજ બ્રાઉઝરમાં બિંગ એઆઇ ચેટ ઉમેરી દીધી છે એટલે તેનો ઉપયોગ પણ સતત હાથવગો રહેશે (ગૂગલ સર્ચમાં એઆઇ છે તથા ચેટજીપીટીની એન્ડ્રોઇડ એપ ઉપલબ્ધ છે પરંતુ વાત એક જ ઇકોસિસ્ટમનો ભરપૂર લાભ લેવાની છે). 

Microsoft Edge: Browse with AI


વનડ્રાઇવ

તમારા લેપટોપમાં વિન્ડોઝ ૧૦ કે ૧૧ હશે, એ કારણે તેમાં વિન્ડોઝ એક્સપ્લોરરમાં જ વનડ્રાઇવ ફોલ્ડર પણ હશે. જો તમે તમારા કામકાજની બધી ફાઇલ્સ આ જ ફોલ્ડરમાં યોગ્ય રીતે ઓર્ગેનાઇઝ્ડ કરીને સેવ કરતા રહો તો આ ફોલ્ડર ક્લાઉડ સાથે સિંક્ડ રહે છે અને તેથી સ્માર્ટફોન કે લેપટોપ કે અન્ય કોઈ પણ ડિવાઇસમાં લોગઇન થઈને તેનો ઉપયોગ કરી શકાય છે. એ જ કારણે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વનડ્રાઇવ ઇન્સ્ટોલ કરી લેવા જેવી છે. ગૂગલની ડ્રાઇવની ૧૫ જીબીની સરખામણીમાં વનડ્રાઇવમાં ફક્ત ૫ જીબી ફ્રી સ્પેસ મળે છે, તેમ છતાં જો તમારું કામકાજ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સમાં હોય તો વનડ્રાઇવ વધુ ઉપયોગી થશે.

Microsoft OneDrive


માઇક્રોસોફ્ટ 365

અહીંથી વાત થોડો ટ્વિસ્ટ લે છે કેમ કે લેપટોપમાં ઓરિજિનલ ઓફિસ પ્રોગ્રામ્સનો મફત લાભ લઈ શકાતો નથી. પરંતુ સ્માર્ટફોનમાં માઇક્રોસોફ્ટ ૩૬૫ એપમાં વિવિધ ઓફિસ એપ્સનો ઓનલાઇન ઉપયોગ ફ્રી છે. જો સતત સારું નેટ કનેકશન મળતું હોય તો લેપટોપમાં પણ તેનો ઓનલાઇન ઉપયોગ અમુક મર્યાદા સાથે ફ્રી છે. ગૂગલ ડ્રાઇવમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સના ઓલ્ટરનેટિવ મળે છે પરંતુ એ માઇક્રોસોફ્ટ જેટલા ફીચર રિચ નથી. માઇક્રોસોફ્ટ ૩૬૫ એપ અને વનડ્રાઇવ એપ લગભગ સરખી લાગશે. ફેર એટલો છે કે વનડ્રાઇવ માત્ર સ્ટોરેજ માટે છે. ફાઇલ ઓપન/એડિટ કરવા માટે માઇક્રોસોફ્ટ૩૬૫ એપ જોઇશે.

Microsoft 365 (Office)


લિંક ટુ વિન્ડોઝ

 એપલનાં ડિવાઇસિસ એકમેક સાથે ગજબ રીતે સિંક્ડ છે, એકમાં કરેલું કામ બીજામાં બહુ સહેલાઈથી આગળ વધારી શકાય. એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને વિન્ડોઝ લેપટોપમાં એટલી સ્માર્ટ સગવડ નથી, તેમ છતાં બંને ડિવાઇસમાં  માઇક્રોસોફ્ટની ‘ફોન લિંક’ એપ (કંપનીએ તેનાં નામ બહુ બદલ્યાં છે!) ઇન્સ્ટોલ કરી લો તો બંને ડિવાઇસ ખાસ્સા નજીક આવી શકે છે. આ એપની મદદથી આપણે ફોનમાંનાં નોટિફિકેશન્સ, ટેકસ્ટ મેસેજિસ, ફોટોગ્રાફ કે સ્ક્રીનશોટ્સ વગેરે લેપટોપના સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, તેના પર એક્શન લઈ શકીએ  તેમ જ આ બધી બાબતની એકબીજામાં એકદમ સહેલાઈથી ટ્રાન્સફર પણ કરી શકીએ છીએ. 

Link to Windows




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NFy0i5X