
બેંગ્લોર,૫ સપ્ટેમ્બર,૨૦૨૩,મંગળવાર
ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોને ચંદ્રયાન-૩ અંર્તગત ચંદ્રના દક્ષિણ ભાગ પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ઉતારવામાં સફળતા મળી છે. પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર વિવિધ પ્રકારના સંશોધનો કરીને સ્લીપ મોડ પર જતું રહયું છે. ચંદ્ર પર પૃથ્વીના ૧૪ દિવસ બરાબર ૧ દિવસ અને ૧૪ રાત્રી બરાબર એક રાત્રી થાય છે. સોલાર એનર્જી પર ચાલતું રોવર રાત્રી શરુ થતા જ આરામ પર આવી ગયું છે.
રોવરે અપેક્ષા મુજબ કામ સંભાળીને લેન્ડરની મદદથી પૃથ્વી પર મોકલ્યા છે. હવે તેના પેલોડ બંધ કરવામાં આવ્યા છે. ઇસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર રોવરની બેટરી સંપૂર્ણ ચાર્જ છે.ચંદ્ર પર જયારે દિવસ ઉગશે અને સૂર્યના કિરણો પડશે ત્યારે સોલર પેનલ એનર્જી ગ્રહણ કરશે. રોવર તેની નવી કામગીરી માટે તૈયાર થાય તે માટે રિસીવર ઓન રાખવામાં આવ્યું છે. જો કે એક અટકળ એવી પણ છે કે ભારતનું મુન મિશન ઓછા તાપમાનમાં કામ કરવા માટે ડિઝાઇન થયું નથી.

આથી ચંદ્ર પર રાત્રી દરમિયાન જયારે તાપમાન ખૂબજ નીચું જશે ત્યારે રોવર કામ કરતું અટકી જશે.ચંદ્ર પરની એક રાત્રી એટલે કે પૃથ્વી પરના ૧૪ દિવસ જેટલા સમય સુધી તાપમાન સતત નીચું જશે. અતિશય ઠંડીમાં અંદરની ઇલેકટ્રોનિક સિસ્ટમ ખોટકાઇ જશે. અત્યંત ઠંડા વાતાવરણમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ કામ કરે તેવી ટેકનીક ભારત પાસે ઉપલબ્ધ નથી.
આવા સંજોગોમાં પ્રજ્ઞાન રોવર આરામની મુદ્વામાંથી ફરી જાગે તેવી શકયતા ઓછી છતાં આશા રાખવામાં આવી રહી છે. રોવરે અત્યાર સુધી ચંદ્ર પર એલ્યુમિનિયમ, આર્યન, કેલ્શિયમ, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનિઝ, ઓકિસજન અને સિલિકોન તત્વની હયાતી હોવાની માહિતી આપી છે. રોવરનો મુખ્ય ઉદેશ તો ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરવાનો હતો પરંતુ તે અંગે કેટલી સફળતા મળી તે જાણવાનું બાકી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Dya7cZR
0 Comments