Goodbye MiG-21 : મિગ-21 વિમાનોની છેલ્લી સ્વોર્ડનને ભારતીય વાયુસેનાએ અલવિદા કર્યું હતું. એ સાથે જ છ દાયકાથી ભારતીય વાયુસેનામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને એક સમયે વાયુસેનાની શક્તિનો આધાર ગણાતા મિગ-21 વિમાનોનો યુગ પૂરો થયો છે. આ વિમાનોને બદલે તેજસ એમકે૧એ લડાકુ વિમાનોએ વાયુસેનામાં જગ્યા મેળવી છે. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધથી લઈને છેક 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈક સુધીના ઓપરેશનમાં મિગ-21ની મહત્ત્વની ભૂમિકા હતી.

1961માં ભારત-રશિયા વચ્ચે મિગ-21નો કરાર 

રશિયન બનાવટના મિગ-21 લડાકુ વિમાનોનો સોદો 1961માં થયો હતો. ભારતને ત્યારે અમેરિકા-બ્રિટન પાસેથી શક્તિશાળી લડાકુ વિમાનો મળવાની શક્યતા પાંખી હતી તે અરસામાં ભારત-રશિયા વચ્ચે મિગ-૨૧નો કરાર થયો હતો. રશિયાએ ભારતને મિગ-21 ભારતમાં જ બનાવવા માટે ટેકનોલોજી અને હકો આપવાની તૈયારી બતાવી હતી. 1964માં મિગ-21 લડાકુ વિમાનો વાયુસેનામાં સામેલ થયા તે સાથે જ વાયુસેનામાં સુપરસોનિક ફાઈટર જેટનો યુગ શરૂ થયો હતો.

1965ના યુદ્ધમાં મિગ-21 પાકિસ્તાન સામે ગરજ્યાં

1965ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે હજુ મિગ-21 વાયુસેના માટે નવા હતા. બહુ ઓછા પાયલટને મિગ-21 લડાકુ વિમાનો ચલાવવાની તાલીમ મળી હતી. તેમ છતાં પાકિસ્તાનના આકાશમાં ગરજીને મિગ-૨૧ વિમાનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને યુદ્ધમાં પાકિસ્તાનની પીછેહઠ કરાવવામાં વાયુસેનાએ મિગ-21ની મદદથી અમિટ છાપ છોડી હતી. ઈન્ડિયન એરફોર્સે મિગ-21 વિશે એ પછી બહુ સારો અભિપ્રાય આપ્યો એટલે ભારત સરકારે વધુ વિમાનોને વાયુસેનામાં સામેલ કરવાની તૈયારી આદરી. એટલું જ નહીં, ભારતે મિગ-21ની તાલીમ માટે પણ અલગથી ફંડ ફાળવ્યું.

કારગીલ યુદ્ધમાં અનેક ઓપરેશન પાર પાડયા

1999ના કારગીલ યુદ્ધમાં મિગ સીરિઝના વિમાનોએ બહુ જ મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. એમાંય મિગ-21 લડાકુ વિમાનોની મદદથી ઈન્ડિયન એરફોર્સે ઘણાં મિશનો પાર પાડયા હતા. ઓપરેશન સફેદ સાગરમાં મિગ-૨૧, મિગ-૨૩, મિગ-27, મિરાજ અને હેલિકોપ્ટર્સના કાફલાની મદદથી વાયુસેનાએ પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો હતો. બીજા બધા વિમાનોનો કાફલો ભારતીય વાયુસેનાને ધીમે ધીમે મળ્યો હતો, પરંતુ 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ થયું ત્યારથી લઈને છેલ્લું યુદ્ધ 1999માં થયું ત્યાં સુધી મિગ-21 સુપરસોનિક લડાકુ વિમાનોના કાફલાએ ખૂબ જ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આટલા વર્ષમાં વાયુસેનામાં જુદા-જુદા 1200 મિગ વિમાનો સામેલ થયા હતા અને એરફોર્સની શક્તિમાં વધારો કર્યો હતો.

છેલ્લાં વર્ષોમાં મિગ-21ના અકસ્માતો વધ્યા હતા

વાયુસેના માટે વર્ષો સુધી ઉપયોગી નિવડેલા મિગ-21 વિમાનોના છેલ્લાં વર્ષોમાં અકસ્માતો વધ્યા હતા. સરકારી આંકડાં પ્રમાણે છ દશકામાં 500 મિગ-21 વિમાનો તૂટી પડયા હતા. પરંતુ એમાંથી મોટાભાગના તો છેલ્લાં એકાદ દશકામાં જ દુર્ઘટનાગ્રસ્ત બન્યા હતા. દર વર્ષે મિગ-21ના અકસ્માતોના બે-ત્રણ બનાવો બનતા હતા. એટલે મિગ-૨૧ની સુરક્ષા મુદ્દે પણ સવાલો ખડા થયા હતા. ઘણાં વિમાનો ખૂબ જ જૂના થઈ ગયા હોવાથી તૂટી પડતા હતા. પરિણામે ભારતીય વાયુસેનાએ 2025 સુધીમાં મિગ-21 વિમાનોને રિપ્લેસ કરવાનો લક્ષ્યાંક સેટ કર્યો હતો. પરંતુ તે પહેલાં જ 2023ના અંત સુધીમાં આ લડાકુ વિમાનોનો યુગ આથમ્યો હતો. છેલ્લાં વર્ષોમાં ભારતીય વાયુસેનામાં મિગ-21ની ત્રણ સ્કવોર્ડન હતી. એક ગુ્રપમાં સામાન્ય રીતે 16થી 18 વિમાનો હોય છે. તે હિસાબે છેલ્લાં 40 જેટલાં વિમાનો સક્રિય હતા. એમાંથી પણ અંતે એક સ્કવોર્ડન બાકી રહી હતી.

છેલ્લી ઉડાન સાથે મિગ-21ના યુગનો અંત આવ્યો

મિગ-21ની છેલ્લી સ્કવોર્ડન નંબર-4 સક્રિય હતી. રાજસ્થાનના બાડમેરમાં ઉત્તરલાઈ એરબેઝથી આ ગુ્રપના વિમાનોએ છેલ્લી વખત ઉડાન ભરી હતી. મિગ-21 બાઈસન એટલે કે મિગ-21ના અપડેટેડ વિમાનોએ છેલ્લી વખત આકાશ આંબ્યુ તે પછી વાયુસેનાએ તેને અલવિદા કરી દીધું હતું. તેનું સ્થાન તેજસ MK1એ વિમાનો લેશે. રશિયાએ પણ મિગ-21નું ઉત્પાદન વર્ષો પહેલાં બંધ કર્યું હતું. મિગ-21ના કુલ 11496 વિમાનો બન્યા હતા. તે પછી રશિયાએ મિગ-21ને બાઈસન વર્જન લોંચ કર્યું હતું. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mtV8ZO4