
- નાસાના વડા બીલ નેલ્સને ઇસરોની ટેકનિકલ સિદ્ધિનાં વખાણ કર્યાં
- ભારત-અમેરિકાનો સહિયારો નિસાર સેટેલાઇટ વેધશાળાની કામગીરી કરશે : અંતરિક્ષ સંશોધનના ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત
મુંબઇ : અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ શરૂ થયો છે.
ભારત અને અમેરિકાની સરકાર વચ્ચે આ દિશામાં મજબૂત સહકાર સાધીને પ્રગતિ કરવા વિશેષ સમજૂતી થઇ છે.
આ જ સહકારના એક મહત્વના હિસ્સારૂપે અમેરિકા ભારતના એક અંતરિક્ષયાત્રીને અત્યાધુનિક તાલીમ આપીને ૨૦૨૪માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલશે. હું અંતરિક્ષ સંશોેધનના ક્ષેત્રે બંને દેશ વચ્ચે નવો અધ્યાય શરૂ કરવા માટે જ અહીં ભારતની મુલાકાતે આવ્યો છું.
નાસાના ભાવિ મૂન મિશનનો હેતુ કોમર્શિયલ હશે.અમે અમારા આ ભાવિ મૂન પ્રોજેક્ટમાં ભારતને પણ સામેલ કરવાના છીએ.
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના વડા બીલ નેલ્સને આજે અહીં યુનાઇટેડ સ્ટેટ્સ કોન્સ્યુલેટ જનરલમાં પત્રકારો સાથે ચર્ચા કરતાં આવી મહત્વની જાહેરાત કરી હતી.
બીલ નેલ્સને ભારતના ચંદ્રયાન-૩ની ઉજળી સફળતા વિશે ખુલ્લા દિલે કહ્યું હતું કે વ્યક્તિગત રીતે હું અને નાસા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ને ખોબલે ખોબલે અભિનંદન આપીએ છીએ. ઇસરોના વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરો ખરેખર બહુ જ પ્રતિભાશાળી છે.
ભારતે તેનું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સંપૂર્ણ સલામતીથી અને સફળતાથી ઉતારીને પોતાની ટેકનિકલ કાબેલિયતનો અને સિદ્ધિનો સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો છે.કારણ એ છેકે ચંદ્રના દક્ષિણ ધુ્રવના તે ચોક્કસ સ્થળે હજી સુધી વિશ્વની કોઇ અંતરિક્ષ સંશોધન સંસ્થાનું અવકાશયાન પહોંચી શક્યું નથી.અમુક દેશે પ્રયાસ કર્યા હતા પણ તેમને સફળતા મળી નહોતી. જ્યારે ભારતે આ પડકારરૂપ કાર્યમાં ઉજળી સફળતા મેળવી છે.
ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મોને પોતાના ખાસ અને જૂના મિત્ર તરીકે યાદ કરીને બીલ નેલ્સને કહ્યું હતું કે અમે બંને સૌથી પહેલાં સોવિયેત સંઘમાં મળ્યા હતા. ત્યારબાદ રાકેશ શર્મા ૧૯૮૪માં સોવિયેત સંઘના સોયુઝ-ટી-૧૧ અવકાશયાનમાં પૃથ્વી બહાર અંતરિક્ષમાં ગયા હતા. જ્યારે મેં ૧૯૮૬માં નાસાના સ્પેસ શટલ કોલંબિયામાં પેલોડ સ્પેશિયાલિસ્ટ (વૈજ્ઞાાનિક ઉપકરણના નિષ્ણાત) તરીકે પૃથ્વી બહાર અંતરિક્ષ દર્શન કર્યાં હતાં.
હું તે વખતે કોલંબિયામાંથી ભારતનીવિશાળ બરફીલી પર્વતમાળા હિમાલયનાં દર્શન કરીને ભાવવિભાર બની ગયો હતો. આજે હું ભારત રૂબરૂ આવીને આ મહાન રાષ્ટ્રનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યો છું.આજે અમે બંને મિત્રો લગભગ ૩૯ વર્ષ બાદ રૂબરૂ મળીને રાજીના રેડ થઇ ગયા છીએ.
ભારત - અમેરિકાના સહયોગરૂપે તૈયાર થઇ રહેલા નાસા-ઇસરો સિન્થેટિક એપેર્ચર રાડાર (નિસાર) હવે તેના ટેકનિકલ પરીક્ષણના અંતિમ તબક્કામાં છે.
મેં ઇસરોની બેંગલુરુની હેડ ઓફિસમાં જઇને નિસાર સેટેલાઇટની તૈયારી નજરોનજર જોઇ છે. નિસાર સેટેલાઇટ ૨૦૨૪ના શરૂઆતના તબક્કામાં ઇસરોના જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ (જીએએલી)ની મદદથી પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા( લો અર્થ ઓર્બિટ)માં તરતો મૂકવામાં આવશે. નિસારની ટેકનિકલ તૈયારી જોઇને મને બેહદ ખુશી અને સંતોષ થયાં છે.અમારો હેતુ આપણા પૃથ્વી નામના રૂપકડા અને વહાલા ઘરને સાચવવાનો છે.
નિસાર ખરેખર તો બંને રાષ્ટ્રની અત્યાધુનિક વેધશાળા હશે.એટલે કે નિસાર અંતરિક્ષમાં ઘૂમતી રહીને દર ૧૨ દિવસે પૃથ્વીનો ૩ -ડી મેપ તૈયાર કરશે. આ જ વિશિષ્ટ નકશાની મદદથી પૃથ્વી પરના સમુદ્રો, જંગલો, પર્વતો, એન્ટાર્કટિકાના બરફીલા ખંડમાં કેવા કેવા ફેરફાર થઇ રહ્યા છે તેની મહત્વની માહિતી મળશે.
નાસાના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડના બાળપણની એટલે કે ૧૩.૨ અબજ વર્ષ પહેલાંની અદભુત ઇમેજીસની શોધ કરી છે. પરિણામે અનંત અંતરિક્ષના જન્મ (જેને ખગોળશાસ્ત્રીઓ બીગ બેન્ગ-૧૩.૮ અબજ વર્ષ-કહે છે) નાં સમીકરણ બદલવાં પડે તેવી ખગોળ વિશ્વમાં ચર્ચા શરૂ થઇ છે. હવે નાસા આ દિશામાં કોઇ નક્કર સંશોધન કરશે ?
ગુજરાત સમાચારના આ સવાલના જવાબમાં બીલ નેલ્સને ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હા, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની સંશોધનાત્મક કામગીરી ખરેખર બહુ ઉજળી છે. હવે આ ટેલિસ્કોપ બ્રહ્માંડના અતિ અતિ દૂરના અંતરનો પ્રકાશ ઝડપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કોઇપણ ગેલેક્સીનો પ્રકાશ જેટલા દૂરના અંતરનો હોય તેટલી તે ગેલેકસી પૃથ્વીથી વધુ દૂર હોય.ગેલેક્સીની ઉંમર પણ વધુ હોય.
બીગ બેન્ગની થિયરી બદલવા વિશે સમગ્ર વિશ્વમાં આ બહુ મહત્વના મુદ્દા વિશે ચર્ચા શરૂ થઇ છે ખરી.આમ છતાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અંતરિક્ષના હજી પણ અતિ અતિ દૂરના અંતરે નજર કરીને અત્યારસુધીની સૌથી દૂરની એટલે કે સૌથી જૂની ગેલેક્સી અથવા સૌથી જૂના તારાની શોધ કરે ત્યાં સુધી રાહ જોવી રહી. આ મુદ્દો ખરેખર બહુ જ નાજુક અને મહત્વનો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/z6tWm5V
0 Comments