- કાલથી ક્રિસમસ વેકેશન મળશે - મોબાઇલને સાધન બનાવીને બાળકો સાથે કવોલિટી ટાઇમ વિતાવવાના રસ્તા શોધી જુઓ

- આપણી સાથોસાથ કે આપણે જ કારણે બાળકો પણ સ્માર્ટફોનનાં અઠંગ આદતી બની રહ્યાં છે.

- કાચી ઉંમરે એ મોબાઇલ લઈને બેઠાં રહે એને બદલે ભાગદોડ ને ધીંગામસ્તી કરીને થાકે એવું ન થવું જોઈએ?

- એ માટે આપણે પોતે બાળક સાથે બાળક બનવું પડશે - આ મિનિ વેકેશનમાં બિગ ચેન્જ લાવી જુઓ - મજા પડશે!

તમારા પરિવારમાં નાનાં બાળકો હોય - તમે મમ્મી-પપ્પા, દાદા-દાદી હો તો આજે અહીં આપેલી વાતો જરા વધુ ધ્યાનથી વાંચવા વિનંતી. આજનો ટોપિક આપણા ‘ટેક્નોવર્લ્ડ’ના રોજિંદા વિષયોથી થોડો જુદો છે, પણ એના તરફ ધ્યાન આપવું પણ બહુ જરૂરી છે.

સ્માર્ટફોન અત્યારના સમય જેટલા પ્રચલિત નહોતા થયા ત્યારે પરિવારના વડીલોને સતત એક વાતની ફરિયાદ રહેતી હતી - નવી પેઢી આખો દિવસ મોબાઇલમાં જ ઘૂસેલી રહે છે, એમના તરફ બિલકુલ ધ્યાન આપતી નથી. હવે સમય બદલાઈ ગયો છે. હવે તો દાદા-દાદી પોતે વોટ્સએપ અને યુટ્યૂબમાં પરોવાયેલાં રહે છે. 

બીજી તરફ નાનાં બાળકો પણ સતત મોબાઇલમાં રચ્યાંપચ્યાં રહે છે, જેની ટેવ આપણે જ પાડીએ છીએ. બાળકોના સ્વસ્થ વિકાસ માટે એમને પરિવારમાંના સૌની હૂંફ મળે, કોઈ એમને પૂરતો સમય આપે, વાતચીત કરે, એમની જિજ્ઞાસા સંતોષે ને વધુ જગાવે, એમની સાથે ધીંગામસ્તી કરે... એ બધું બહુ જરૂરી હોય છે, પણ આ બધું હવે - ઘરના આંગણામાં રમાતી  રમતોની જેમ - ભુલાવા લાગ્યું છે. આ વિશે, એક અમેરિકન પપ્પા શું વિચારે છે એ પહેલાં વાંચો. પછી, શરૂઆતમાં મોબાઇલની મદદ લઈને અને પછી એના વિના, બાળકો સાથે મસ્તીભર્યો સમય કેમ વિતાવી શકાય એ વાંચો. 


‘ઝંઝટ’ ટાળવા આપણે બહુ નાની ઉંમરથી બાળકના હાથમાં મોબાઇલ પકડાવી દઈએ છીએ.


પરિણામે આપણી જેમ જ બાળકો પણ મોબાઇલનાં વ્યસની બનતાં જાય છે.


એમને આપણી હૂંફ-સમય પણ જોઈએ છે, જે ન મળતાં એ અકળાય છે.


આપણે હતાશ, નાખુશ બાળકો ઉછેરવાં છે કે ખુશમિજાજ, સતત એક્ટિવ બાળકો?

કાલથી ક્રિસમસ વેકેશન શરૂ થાય છે, એનો લાભ આ રીતે પણ લઈ જુઓ!

એક બહુ જાણીતી, ટેક્નોલોજી સંબંધિત અમેરિકન વેબસાઇટના એક્ઝિક્યુટિવ એડિટરે થોડા સમય પહેલાં પોતાના મનની વાત એક લેખમાં લખી હતી. એ પોતે જ ટેક મેગેઝિનના એડિટર હતા એટલે દિવસ-રાત ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વિના છૂટકો નહોતો, પણ એ જ વાત એમને ખટકતી પણ હતી. આગળની વાત, લગભગ એમના જ શબ્દોમાં...

મારા જેવી હાલત ઘણાની હશે. મને મારા ફોન વગર એક મિનિટ પણ ચાલતું નથી. પણ મને ડર એ વાતનો છે કે મારો ફોન મારા બે વર્ષના દીકરાનું બાળપણ છીનવી રહ્યો છે.

ક્યારેક કોઈ મહત્ત્વના સમાચાર ટપ દઈને આવી જાય એટલે જોયા વગર રહેવાય નહીં કે પછી કંટાળો દૂર કરવા હું અમસ્તા જ મેસેજ સ્ક્રોલ કરતો હોઉં છું. એક તરફ લાગે કે આ મોબાઇલ છે તો દુનિયા મારા હાથમાં છે, પણ...

સ્માર્ટફોનના ઉપયોગની મર્યાદા નક્કી કરવી સહેલી નથી. ગ્રોસરી સ્ટોરમાં પેમેન્ટ માટે લાઇનમાં ઊભો હોઉં ત્યારે કે દીકરાને લઈને ડોક્ટર પાસે ગયા હોઈએ અને વારો આવવાની રાહ જોતા હોઈએ ત્યારે પણ હું મોબાઇલ હાથમાં લઈને કશુંકને કશું જોતો રહું છું.

૨૦૦૭માં એપલનો આઇફોન લોન્ચ થવાનો હતો ત્યારે હું સખત એક્સાઇટેડ હતો અને કદાચ ત્યારે જ મારી પત્નીને ખબર પડી ગઈ હતી કે હવે પ્રોબ્લેમ થવાના છે. ત્યારથી એ મને કહે છે કે મારા હાથમાં ફોન હોય ત્યારે હું ઘરમાં બહુ ઉદ્ધતાઈથી વર્તું છું. હવે મારું એવું વર્તન મારા દીકરાને કઈ રીતે અસર કરે છે એની એને ચિંતા થયા કરે છે. એ કહે છે, ભવિષ્યમાં આપણો દીકરો કહેશે કે આપણે માબાપ તરીકે એના તરફ  જરાય ધ્યાન નથી આપ્યું.

સ્ક્રીન એડિક્શનની બીમારી ફક્ત મને જ છે એવું નથી. મોટા ભાગના લોકો દિવસના પાંચેક કલાક મોબાઇલમાં માથું ખોસીને બેઠા હોય છે, એમાં પણ ૧૮થી ૩૦ વર્ષના યુવાનો ખાસ.

એની પાછળનું કારણ છે આપણું દિમાગ. મોબાઇલમાં આવતા એલર્ટ્સ, જાતભાતનાં નોટિફિકેશન્સ જેવાં પોપ-અપ થાય એટલે આપણા દિમાગમાં ચમકારો થાય અને આપણે એ શું છે તે જોયા વગર રહી શકીએ જ નહીં.

આનાથી મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ પેદા થાય છે. આ એ જ કેમિકલ છે જેને કારણે આપણને ભૂખ, કેફી દ્રવ્યોની તલપ જેવી લાગણીઓ અનુભવાય છે. તેને કારણે આપણને મોબાઇલના સ્ક્રીનનું પણ વળગણ થતું જાય છે. જ્યારે આપણને કોઈ મેસેજની રાહ ન હોય ત્યારે કોઈ નોટિફિકેશન કે મેસેજ ટપકી પડે તો ડોપામાઇન વધુ સક્રિય થઈ જાય છે. પરિણામે અમારા જેવા ઘણા લોકો મોબાઇલના સકંજામાં આવી જાય છે.

આપણે એ વિચારવાનું છે કે આપણા મોબાઇલ વળગણથી આપણાં નાનાં બાળકો પર શી અસર થતી હોય છે? મારા સાવ નાના દીકરાનો જ દાખલો આપું. એ કોઈ પણ વસ્તુ હાથમાં લઈને કાન પાસે રાખીને કહેતો હોય છે, ‘‘હલ્લો!’’ આ કંઈ હસી કાઢવા જેવી વાત નથી. મારા મોબાઇલના વળગણે એના નાનકડા મન પર કેટલી ગંભીર અસર કરી છે એ વિશે હું વિચારતો થઈ ગયો છું.

ફોન બાળકોનો સમય ઝૂંટવે છે

માતા-પિતા તરીકે આપણે એક વાત બરાબર સમજતાં નથી - આપણાં બાળકો આપણો સહવાસ, આપણું ધ્યાન એમના તરફ હોય એવું ઝંખે છે અને એ બધું તેમની પાસેથી આપણો ફોન છીનવી લે છે. કદાચ તમને નવાઈ લાગશે પણ બાળકોને ખરેખર આપણા સ્માર્ટફોનના વળગણ સામે સખત ચીડ છે, ગુસ્સો છે.

થોડા વખત પહેલાં એક સ્કૂલમાં બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવ્યું, જેમાં તેમણે નાનકડો નિબંધ લખવાનો હતો કે એવી કઈ વસ્તુ છે જેની શોધ ક્યારેય ન થઈ હોત એવું તમે ઇચ્છો છો.

જવાબો ચોંકાવી દે એવા હતા. કેટલાંક બાળકોએ લખ્યું હતું કે મને મારાં મમ્મીપપ્પાનો ફોન જરાય ગમતો નથી કારણ કે એ લોકો આખો દિવસ એમાં જ રચ્યાંપચ્યાં હોય છે. બીજા એક બાળકે લખ્યું હતું કે મને મારી મમ્મીનો ફોન બિલકુલ ગમતો નથી. હું એને નફરત કરું છું. હું તો ઇચ્છું છું કે મારી મમ્મી પાસે કોઈ ફોન જ ન હોય.

 હોમવર્ક આપનારાં અને બાળકોના જવાબ વાંચનારાં ટીચરે પોતાના ફેસબુક પેજ પર આ જવાબો લખ્યા અને તેમની એ પોસ્ટ લગભગ અઢી લાખ જેટલા લોકોએ જોઈ ને પોતાનાં સર્કલ્સમાં શેર કરી.

માતાપિતાના ફોનના વળગણની બાળકોના માનસ પર બહુ માઠી અસર થાય છે. તેમને લાગે છે કે માતાપિતા માટે ફોન વધારે મહત્ત્વનો છે. આવી લાગણી તેમને ઉદાસ, દુઃખી અને એકલવાયાં બનાવી દે છે.

લોકોની ફોનની આવી લત માટે ‘ટેક્નોફરન્સ (technoference)’ શબ્દ વપરાય છે, મતલબ કે જ્યારે તમારો ફોન તમારા હાથમાં હોય ત્યારે તમારાં બાળકો, મિત્રો કે કુટુંબના અન્ય લોકો તમને કંઈ કહેતા હોય તો તમારું ધ્યાન એ તરફ હોય જ નહીં.

ફોનમાં રચ્યાપચ્યા રહેતાં માબાપને જોઈને બાળકો તેમનું ધ્યાન ખેંચવા જાતભાતનું વર્તન કરે છે. બધા સાથે જમતા હોય ત્યારે કે બાળકો સાથે રમતી વખતે કે બીજી કોઈ પ્રવૃત્તિઓ વખતે માતાપિતા જો થોડી થોડી વારે ફોન ચેક કરતાં રહે ત્યારે બાળકોને પોતાનો સમય બીજું કોઈ ઝૂંટવી લે તે નથી ગમતું અને તેઓ ગુસ્સે થાય છે કે અકળાય છે કે રડવા લાગે છે.

આપણા પોતાના સમયનું શું? અને આનો ઉપાય શું?

માતાપિતા તરીકે આપણે કહીએ કે અમને પણ અમારો પોતાના સમય જોઈએ- મી ટાઇમ! અમને પણ દિવસભરના કામમાંથી પોતાનો સમય જોઈએ. વાત સાચી, પણ એ બાળકોના સમયના ભોગે ન થવું જોઈએ. બાળકને શું જોઈએ છે, એ શું કહેવા માગે છે એ સમજવા માટે એની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવો જરૂરી છે.

તમે ‘ફોન પછી, બાળક પહેલાં’ એવું હંમેશાં ન કરી શકો, પણ મર્યાદારેખા તો દોરવી જ રહીં. મોબાઇલ વિના આજની દુનિયામાં ચાલે એમ નથી પણ એનો પોઝિટિવ રીતે ઉપયોગ કેમ કરવો તે બાળકો સામે મૂકવાની જરૂર છે.

મારો દીકરો પોતાની જાતે એકલો રમતો હોય એ સમયે હું મારો ફોન હાથમાં લઉં તે ઠીક છે, પણ મારે સ્માર્ટ રીતે એને પણ ધ્યાન આપવાનું છે અને મારી ગેમ પણ રમવાની છે. વચ્ચે વચ્ચે હું બ્રેક લઈને તેની સાથે - પૂરતા ધ્યાન સાથે - વાત કરું તો પણ ઘણું છે. એ ક્યારેક રમકડાંથી રમતો હોય તો કહું કે વાહ, સરસ રમે છે, એને ભેટીને વહાલ કરી લઉં, થોડું એની સાથે દિલથી રમી પણ લઉં અને પાછો ભલે મારા ફોનમાં પરોવાઈ જાઉં. 

જરૂરી એ છે કે બંને વાતનું સારું સંતુલન જળવાય. બાળક અમુક સમયે એકલું પોતાની જાતે રમવાનું શીખે એ પણ જરૂરી છે.

બાળક આપણું ધ્યાન ખેંચવા માગે અને આપણે લાંબો સમય સુધી એમની સામે જોઈએ નહીં તો પછી એ કંઈક ધમપછાડા કરશે, પણ થોડી રાહ જોવડાવીને તેની વાત સાંભળીએ તો એ ધીરજ રાખતાં પણ શીખશે. મારો દીકરો બોલાવતો હોય અને એ જ વખતે મારે ફોન વાપરવો જરૂરી હોય તો હું એને કહું કે મારે અગત્યનો મેઇલ જોવાનો છે કે મારે કોઈને જવાબ આપવો જરૂરી છે. પછી એણે ધીરજ રાખવી પડે. 

આ બધું લાગે છે સહેલું પણ ખરેખર એ કરીએ ત્યારે જ ખબર પડે કે કેટલું મુશ્કેલ છે!

જોકે ક્યાંકથી શરૂઆત તો કરવી જ રહી. આપણે આપણાં બાળકોને હસતાંરમતાં, સૌની સાથે હળતાભળતાં અને ખરા અર્થમાં ખુશ જોવાં હોય, તો આપણે પોતે મોબાઇલનો સમજપૂર્વકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું પડશે.

નહીં તો આ જ બાળકો અત્યારથી આપણી નકલ કરવાનું શરૂ કરી દેશે અને આપણે એમનું ધ્યાન આપણા તરફ ખેંચવા શું શું કરવું પડશે એ વિચારવું રહ્યું.

નીચે ફક્ત દિશાસૂચન છે, આ જ પ્રકારનું પાર વગરનું કન્ટેન્ટ, સાઇટ્સ, એપ્સ વગેરે તમે જાતે પણ શોધી શકશો


- રમીએ, વાંચીએે કે વીડિયો જોઈએ - બાળક સાથે

બાળક સાવ નાનું હોય ત્યારે મમ્મી કે પપ્પા તેને બાજુમાં બેસાડી, પોતે હાથમાં કોઈ પણ સ્ટોરીબુક લઈને વાંચે એ બહુ જરૂરી હોય છે - ભલે બાળકને કશું ન સમજાય! આજના સમય પ્રમાણે બુકને બદલે ભલે વીડિયો જુઓ કે ગેમ્સ રમો, નો પ્રોબ્લેમ, પણ કીવર્ડ છે ‘બાળક સાથે’. એને મોબાઇલ પકડાવીને પોતે ઇન્સ્ટામાં ખૂંપેલા રહીએ એ ન ચાલે. funbrain.com સાઇટ પર કેજીથી આઠમા ધોરણનાં બાળકો માટે યોગ્ય ગેમ્સ, વીડિયો અને બુક્સનો ખજાનો છે. ફોકસ પૂરેપૂરું ‘એજ અપ્રોપ્રિએટ એજ્યુકેશન’ પર છે, પણ મસ્તી સાથે! એકડો-બગડો શીખવાથી લઈને હ્યુમન બોડી કે પૃથ્વીનાં રહસ્યો છતાં કરતી ગેમ્સ પણ અહીં મળશે અને ‘ડાયરી ઓફ અ વિમ્પી કિડ’ જેવી બુક્સનાં ચેપ્ટર્સ પણ વાંચવા મળશે. પણ યાદ રહે, શરૂઆતમાં બધું જ બાળકોની સાથે રહીને કરવું જોઈશે. બધું ઇંગ્લિશમાં છે, પણ મસ્તીની કોઈ ભાષા હોય?


- અવનવી ચીજવસ્તુઓ સાથે મળીને બનાવીએ

ફનબ્રેઇન જેવી સાઇટ્સથી શરૂઆત કરી, હળવેકથી બાળકોને મોબાઇલથી થોડાં દૂર લઈ જઈ શકાય! એ માટે તમારે મોબાઇલમાં ‘Crafts for kids’ જેવું કંઈક સર્ચ કરવાનું છે. ઢગલાબંધ સાઇટ્સ, એપ્સ, વીડિયો વગેરે મળશે. એ પછી બજારમાંથી રંગબેરંગી કાગળ, ક્લે, કલર્સ,કેન્ડી સ્ટીક્સ વગેરે લઈ આવો અને શુરુ હો જાઓ! ક્રિસમસ કાર્ડ્સ, બટરફ્લાય, પેન સ્ટેન્ડ, બુકમાર્ક્સ વગેરે કંઈકેટલુંય બનાવવાની ટિપ્સ મળશે. મોટાં બાળકો હોય તો જાતે બનાવી ને રમી શકાય એવી બોર્ડ ગેમ્સ બનાવવાની મેથડ્સ આપતી સાઇટ્સ પણ શોધી જુઓ (ગેમ ખરી, પણ રેડી-ટુ-પ્લે નહીં, જાતે બનાવવાની). આ બધા માટે મોબાઇલ કે પીસીનો ઉપયોગ માત્ર ખપ પૂરતો, ટિપ્સ મેળવવા પૂરતો, એ પછી તો મોબાઇલ ધીમેકથી બાજુએ સરકાવીને બાળક સાથે પલાંઠી વાળીને નીચે બેસી જવાનું છે. આમાં પરીક્ષા તમારી છે, બાળકની નહીં!


- અફલાતૂન પેપર ટોય્સ બનાવવા તરફ વાળીએ

બાળકને પેપર ક્રાફ્ટમાં મજા પડી? તો એ દિશામાં હજી આગળ વધી શકાય અને તેને મોબાઇલથી વધુ દૂર લઈ જઈ શકાય. એ માટે બસ થોડી જ વાર માટે મોબાઇલ હાથમાં લો ને papertoys.com  નામની એક મજાની  સાઇટ પર પહોંચી જાવ (એક દાદાએ બનાવેલી સાઇટ છે!). બે-ત્રણ વેકેશન ઓછાં પડે એટલો ખજાનો મળશે. સાઇટ પર અનેક પેપરટોય્ઝ કે મોડેલ બનાવવાની સરળ રીત આપી છે. દરેક માટે એ-૪ સાઇઝના પેપર પર મોડેલના કટઆઉટ આપવામાં આવ્યા છે. તમે એ પેજ પર પહોંચીને આખા પેજની ઇમેજ, ઘરમાં પ્રિન્ટર હોય તો સીધી પ્રિન્ટ કરી લો કે કોઈ શોપમાંથી પ્રિન્ટ મેળવી લો. અહીં તમે થોડી એન્લાર્જ કરેલી પ્રિન્ટ પણ લઈ શકશો. દરેક મોડેલ માટે સરળ ફોલ્ડ, નંબર સાથે સમજાવેલા છે. પછી કાતર-ગુંદર લઈ મચી પડો. દાદા-દાદી અને નાનાં ટાબરિયાં વચ્ચે બોન્ડિંગ વધારવાનો આ પણ એક ‘સ્માર્ટ’ રસ્તો છે!


- મોબાઇલ બાજુએ મૂકી, ધમાલ, ધીંગામસ્તી કરીએ!

મોબાઇલ ગેમ્સની જેમ, ઉપલાં ત્રણ લેવલ તમે સક્સેસફુલ્લી પાર કરી ગયા? તો હવે આગળ વધો અલ્ટિમેટ લેવલ તરફ! તમને પોતાને અને બાળકોને મોબાઇલની જબરી લત લાગી હશે, તો આ લેવલ પર પહોંચવું થોડું મુશ્કેલ બનશે, પણ એક વાર ત્યાં પહોંચશો, તો પછી એટલી મજા પડશે કે મોબાઈલ સાવ બાજુએ રહી જશે એ પ્રોમિસ!

ફક્ત આટલું કરો - ઘરમાં ખૂણેખાંચરે ફરી વળો અને જૂના દડા, જમ્પિંગ બોલ્સ, સ્માઇલી બોલ્સ, રિંગ્સ વગેરે ધૂળ ખાતાં પડ્યાં હોય તો એ શોધી કાઢો. જૂનાં ખોખાં પણ ચાલે. સાથે નાની મોટી કોલ્ડડ્રિંક્સની બોટલ પણ શોધી લાવો. પેન્સિલના ટુકડા, ડસ્ટબિન, પ્લાસ્ટિકના કપ વગેરે કંઈ પણ દોડશે. 

હવે ચેલેન્જ એ કે જે સાધનો મળ્યાં હોય તેમાંથી કોઈ ગેમ વિચારી કાઢવાની! જેમ કે બોટલ્સ, પ્લાસ્ટિક કપ્સ વગેરેનાં ટાર્ગેટ બનાવીને તેને સ્માઇલી બોલથી આંટી દેવાનાં! તમારે ક્રિએટિવ થઈને, બાળક કંટાળે નહીં એવી ગેમ વિચારી લેવાની અને એને વધુ ને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવતા જવાનું.

રમવામાં કામ લાગે એવી કોઈ ચીજવસ્તુ ન મળે તો પણ ચાલે, કોઈ સાધન વિના પણ બાળક સાથે એક્ટિવ રહી શકાય. ફિઝિકલ એક્ટિવિટી અને ફન - આ બે જ બાબત ધ્યાનમાં રાખવાની છે.

શરૂઆતમાં તમારું દિમાગ દોડતું ન હોય તો પિન્ટરેસ્ટ કે યુટ્યૂબની મદદ લઈ શકાય. ખાસ કરીને પિન્ટરેસ્ટમાં toddler activities જેવું કંઈક સર્ચ કરી જુઓ. નાનાં છોકરાં સાથે કોઈ પણ સાધન વિના કે બોલ, ફુગ્ગા, ઓશિકાં વગેરેથી રમી શકાય એવી કેટલીય રમતની નાની નાની ક્લિપ્સ જોવા મળશે. થોડું શોધવુંય પડશે, પણ એ રીતે બાળકને ફિઝિકલી એક્ટિવ અને એનર્જેટિક રાખી શકાય એવા પાર વગરના આઇડિયા મળશે. 

આવી ગેમ્સ રમીને જ્યારે તમારું બાળક ખુશીથી લોટપોટ થાય ને થાકીને કહે કે ‘‘હવે બસ!’’ ત્યારે સમજજો કે તમે આ અલ્ટિમેટ લેવલ પાર કરી ગયા. અત્યારે બાળકનું એટેન્શન મેળવવાની બાબતે મોબાઇલ અને આપણી વચ્ચે સ્પર્ધા છે. તમે મોબાઇલને જીતવા દેશો, તો તમારી સાથે બાળક પણ હારશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jXyIPwE