- નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનું વધુ એક અંતરિક્ષ આશ્ચર્ય

- એઝેડટીઇસીસી71 સંજ્ઞા ધરાવતી ગેલેક્સીનું સર્જન બીગ બેન્ગના  જન્મના ફક્ત 90 કરોડ વર્ષ બાદ થયું છે 

વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ  સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અનંત,અફાટ, અગોચર બ્રહ્માંડનું વધુ એક અદભુત  રહસ્ય ખોળી કાઢ્યું છે. આ રહસ્ય છે -એઝેડટીઇસીસી૭૧- સંજ્ઞા ધરાવતી ગેલેક્સી. 

એઝેડટીઇસીસી૭૧ સંજ્ઞા ધરાવતી ગેલેક્સીની વિશિષ્ટતા એ છે કે  કરોડો-અબજો તારામંડળો ધરાવતી આ ગેલેક્સીનું સર્જન બીગ બેન્ગના સર્જન (૧૩.૮ અબજ વર્ષ)ના ફક્ત ૯૦ કરોડ વર્ષ બાદ  થયું છે. સાથોસાથ આ  ગેલેક્સી ધૂળ અને વાયુઓનાં અતિ ઘટ્ટ વાદળોની પાછળ છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા મળેલી માહિતી અને ઇમેજીસના ગહન અભ્યાસના આધારે સંશોધન પત્ર તૈયાર કરનારા અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી જેડ મેકકીન્નેએ  એવી માહિતી  આપી હતી કે એઝેડટીઇસીસી૭૧ સંજ્ઞા  ધરાવતી આ ગેલેક્સી ધૂળ અને વાયુઓનાં મહાવિરાટ વાદળોથી ઢંકાયેલી છે.આવા અતિ ધૂંધળા વાતાવરણને કારણે નાસાના જ હબલ સ્પેસ ટેલિસ્કોપ સહિત  અત્યારસુધીના કોઇ સ્પેસ ટેલિસ્કોપની નજર  ત્યાં સુધી પહોંચી શકી નહોતી. અથવા આ બધાં સ્પેસ ટેલિસ્કોપના  આધુનિક કેમેરા પણ  ધૂળનાં અતિ ઘટ્ટ  વાદળોને ભેદીને તેની ઇમેજ લઇ શકી નહોતી. 

નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના અત્યાધુનિક ઇન્ફ્રારેડ કેમેરાની ગરૂડ નજર ધૂળ અને વાયુઓનાં અતિ ઘટ્ટ વાદળોને ભેદીને આ ગેલેક્સી સુધી પહોંચી ગઇ. તમામ આંકડાકીય માહિતીના ગહન  અભ્યાસના આધારે  આ ગેલેકસીનું સર્જન  બીગ બેન્ગના એટલે કે બ્રહ્માંડના જન્મના(૧૩.૮ અબજ વર્ષ) ફક્ત ૯૦ કરોડ વર્ષ બાદ થયું છે. આ તબક્કે તો અંતરિક્ષ તેના બાળપણમાં હતું. સરળ રીતે સમજીએ તો એ તબક્કે બ્રહ્માંડના પહેલી પેઢીના તારાનું સર્જન થવાની અદભુત પ્રક્રિયા શરૂ થઇ હતી. 

જેડ મેકકીન્નેએ એવી રસપ્રદ માહિતી પણ આપી હતી કે એઝેડટીઇસીસી ૭૧ સંજ્ઞા ધરાવતી  ગેલેક્સીના અભ્યાસના આધારે વિશ્વના ખગોળશાસ્ત્રીઓ અંતરિક્ષના બચપણને અને તેના તબક્કાવાર વિકાસની પ્રક્રિયા સમજી શકશે.એટલે કે આપણા અનંત, અફાટ, અજીબો ગરીબ અંતરિક્ષનાં રહસ્યો અને આશ્ચર્યો કેવાં કેવાં છે તેની રસપ્રદ અને ઉપયોગી માહિતી મળી શકશે.વળી, બ્રહ્માંડ તેના સર્જનના તબક્કે ધૂળ અને વાયુઓના અતિ અતિ ઘટ્ટ વાદળોથી ઘેરાયેલું હતું. 

અગાઉ આ જ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે  તેના અંતરિક્ષ ંસંશોધનના  પહેલા જ પ્રયાસે બ્રહ્માંડના બાળપણની   સ્મેક્સ:૦૭૨૩ સંજ્ઞા ધરાવતી ગેલેક્સીઓના મહાસાગરની અદભુત ઇમેજીસ મેળવવામાં સફળતા મેળવી છે. આ ગેલેક્સીઓનો જન્મ બીગ બેન્ગના (૧૩.૮ વર્ષ)જન્મના ફક્ત ૬૦ કરોડ વર્ષ બાદની એટલે કે ૧૩.૨ અબજ વર્ષ પહેલાંની છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lM65J3s